રાજયમાં બહુચર્ચિત એવો પાર-તાપી-નર્મદા નદી જોડાણ પ્રકલ્પને સ્થગિત રાખવાના નિર્ણય પર ગુજરાત સરકાર આજે પણ અડગ અને અડીખમ છે. આ મુદ્દે વિપક્ષ રાજકારણ કરીને આદિવાસી પ્રજા સહિત સમગ્ર ગુજરાતને ગેરમાર્ગે દોરી રહી છે તેમ ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ પ્રકલ્પ અંગે રાજ્યસભામાં ફક્ત જવાબ અપાયો છે, કોઈ પણ નવો ડીપીઆર (ડિટેઈલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ) રજૂ કરાયો નથી. પાર-તાપી-નર્મદા લિન્ક પ્રકલ્પ સંદર્ભે વર્ષ 2017માં બનેલા ડીપીઆર બાદ નવો કોઈપણ ડીપીઆર બન્યો નથી કે રજૂ થયો નથી.
રાજ્યના આદિવાસી બાહુલ્ય ધરાવતા વિસ્તારમાં આવેલ પાર-તાપી-નર્મદા નદીનું જોડાણ કરવાના પ્રકલ્પને લઈને ભારે હલચલ મચી છે. તાજેતરમાં કોંગ્રેસના વાંસદા વિધાનસભા બેઠકના ધારાસભ્ય અનંત પટેલ દ્વારા પાર-તાપી-નર્મદા નદી જોડાણ પ્રકલ્પને લઈને સરકાર શ્વેત પત્ર જાહેર કરે તેવી માંગણી કરવામાં આવી હતી. એટલું જ નહીં, સરકાર દ્વારા આ અંગે શ્વેત પત્ર પ્રસિદ્ધ કરવામાં નહીં આવે તો આ મુદ્દે આંદોલન શરૂ કરવાની જાહેરાત કરી હતી.

આ પણ વાંચો: ગુજરાતમાં વધુ એક આંદોલનના ભણકારા, અલગ Bhilistan ની માંગ તેજ બની
જેને લઈને ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. આ આજે રાજ્ય સરકારના પ્રવક્તા અને સિનિયર કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, પાર-તાપી-નર્મદા નદી જોડાણ પ્રકલ્પ (રિવર લિંક પ્રોજેક્ટ)ને સ્થગિત રાખવાના વર્ષ 2022માં લીધેલ નિર્ણય પર ગુજરાત સરકાર આજે પણ અડગ અને અડિખમ છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પાર-તાપી-નર્મદા નદી જોડાણ પ્રકલ્પ વર્ષ 1980માં પ્રથમ વખત તત્કાલીન કોંગ્રેસ સરકાર દ્વારા લાવવાનો પ્રયાસ કરાયો હતો.ત્યારબાદ વર્ષ 2011માં આ પ્રોજેક્ટને ફરીથી તત્કાલીન કેન્દ્ર સરકારના વડાપ્રધાન સ્વ. મનમોહન સિંહ દ્વારા રજૂ કરાયો હતો. વર્ષ – 2017માં આ પકલ્પનો વિસ્તૃત પ્રકલ્પ અહેવાલ (ડીપીઆર) સંબંધિત મંત્રાલય દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો. આ પ્રકલ્પને સ્થગિત કરવા અંગેની જાહેરાત વર્ષ-2022 માં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નવસારીના સાસંદ સી.આર.પાટીલ દ્વારા સત્તાવાર રીતે કરવામાં આવી હતી. ત્યારથી લઇ આજદિન સુધી ગુજરાત સરકાર કે કેન્દ્ર સરકાર દ્વારા આ પ્રકલ્પને લઇને કોઇપણ હલચલ કરાઇ નહીં.
આ પણ વાંચો: માનગઢમાં હજારો આદિવાસીઓ ઉમટ્યાં, અલગ ભીલ પ્રદેશની માંગ કરી
રાજ્ય સરકારના પ્રવકતા મંત્રી ઋષિકેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, તાજેતરમાં રાજ્યસભામાં 10 ફેબ્રુઆરી 2025 અને 27 જુલાઈ 2025ના રોજ પાર-તાપી-નર્મદા નદી જોડાણ પ્રકલ્પ સંદર્ભે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. જેમાં આ પ્રકલ્પ સંદર્ભેના ડીપીઆરનો જવાબમાં ઉલ્લેખ કરાયો છે. કોઈપણ પ્રકલ્પ નો ડીપીઆર ક્યારેય વૈધાનિક સંસ્થા એટલે કે લોકસભા, રાજ્યસભા કે વિધાનસભામાં રજૂ કરાતો નથી તે હંમેશા સંબંધિત મંત્રાલયમાં જ રજૂ કરાય છે. રાજ્યસભામાં જે ડીપીઆરનો ઉલ્લેખ કરાયો છે તે પણ વર્ષ-2017નો જ છે અને વર્ષ 2017 પછી કોઈ પણ નવો ડીપીઆર જાહેર કરાયો નથી.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર.પાટીલે પણ 10 મી ઓગસ્ટના દિવસે સ્પષ્ટપણે જાહેર કર્યું હતું કે, કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકારનો આ પ્રકલ્પને આગળ વધારવાનો કોઈ ઉદ્દેશ નથી. ગુજરાત સરકારે પણ કેબિનેટ બેઠકમાં આ પ્રકલ્પને આગળ ન વધારીને સ્થગિત કરવાનો નિર્ણય કર્યો છે. વર્ષ 2022માં આ પ્રોજેક્ટને સ્થગિત કરવાના નિર્ણય પર ગુજરાત સરકાર આજે પણ અડગ અને અડીખમ છે.
ઋષિકેશ પટેલે વિપક્ષ કોંગ્રેસને આડે હાથ લેતા જણાવ્યું હતું કે, વિપક્ષે આ મુદ્દે રાજકારણ કરીને આદિવાસી પ્રજા સહિત સમગ્ર ગુજરાતને પોતાના રાજકીય હિત માટે ગેરમાર્ગે દોરવાના પ્રયાસ કરવા જોઈએ નહીં. ગુજરાત સરકાર આદિવાસી સમાજના સર્વાંગી વિકાસ અને કલ્યાણ માટે હંમેશા કટિબધ્ધ છે તેમ પણ તેમણે જણાવ્યું હતું.
આ પણ વાંચો: ‘શ્રાવણમાં માંસની ડિલિવર કરે છે’ કહી બજરંગ દળ કાર્યકરોએ ડિલિવરી બોયને માર્યો










