Vadodara: ગઈકાલે પીએમ મોદીએ આદિવાસી સમાજના ભગવાન ગણાતા બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે ડેડીયાપાડામાં મોટી સભા યોજીને આદિવાસી સમાજના હક-અધિકારોના રક્ષણની વાતો કરી હતી. પરંતુ વડાપ્રધાનના અન્ય વચનોની જેમ આ વચન પણ પોકળ સાબિત થઈ રહ્યા હોય તેમ ભાજપના જ નેતાઓના પરિવારજનો આદિવાસીઓના હકો પર તરાપ મારી રહ્યાં હોય તેમ લાગે છે. આવી એક ઘટના વડોદરામાં સામે આવી છે, જેમાં ખુદ ભાજપના જ એક નેતાના પુત્રની સંડોવણી હોવાનું સામે આવતા મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે.
મામલો શું છે?
મીડિયા રિપોર્ટ મુજબ વડોદરા શહેરના ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્ર સહિત 22 લોકો પાસે નકલી આદિવાસી સર્ટિફિકેટ છે. આ આરોપ અન્ય કોઈએ નહીં પરંતુ ખુદ વડોદરા શહેર ભાજપ ઓબીસી મોરચાના મંત્રીએ લગાવ્યો છે. તેમણે આ મામલે કલેક્ટર સહિતના સંબંધિત અધિકારીઓને રજૂઆત કરી હોવા છતાં કોઈ પગલાં ન લેવાતા આખરે તેમણે હાઈકોર્ટમાં અરજી કરી હતી. હવે આ મામલે હાઈકોર્ટે 30 દિવસમાં તપાસ કરીને રિપોર્ટ આપવા આદેશ કર્યો છે.

ફેક આદિવાસી સર્ટિફિકેટ પર અનામતનો પેટ્રોલપંપ મેળવ્યો?
આ ઘટનાની મળતી માહિતી મુજબ વડોદરા શહેર ભાજપ ઓબીસી મોરચાના મંત્રી અનુપ ઉર્ફે પપ્પુ ગઢવીએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી છે કે, વડોદરા શહેરના ભાજપના પૂર્વ કોર્પોરેટર દાદુભાઈ ગઢવી Obc સમાજમાંથી આવતા હોવા છતાં તેમના પુત્ર પ્રવીણ ગઢવીએ નકલી આદિવાસી સર્ટિફિકેટ કઢાવીને તેના આધારે આદિવાસી અનામત સહિતના અનેક લાભો મેળવી લીધા છે. એટલું જ નહીં તેણે અનામતના ધોરણે એક પેટ્રોલપંપ પણ મેળવી લીધો છે. અનુપ ગઢવીએ આરોપ લગાવ્યો છે કે, પ્રવીણ ગઢવીએ વડોદરાની મામલતદાર કચેરીમાંથી નકલી આદિવાસી પ્રમાણપત્ર બનાવડાવ્યું હતું અને તેના માટે રૂ. 30 લાખનો વ્યવહાર કર્યો હતો. એટલું જ નહીં, તેમની સાથે અન્ય 22 લોકોએ પણ નકલી આદિવાસી સર્ટિફિકેટ બનાવડાવ્યા હતા.
આ પણ વાંચોઃ તોફાની તત્વોએ આદિવાસી યોદ્ધા ટંટ્યા મામાની પ્રતિમા તોડી નાખી

અનેક રજૂઆતો છતાં કોઈ કાર્યવાહી ન થઈ
વડોદરા શહેર ભાજપ ઓબીસી મોરચાના મંત્રી અનુપ ઉર્ફે પપ્પુ ગઢવીએ આ મામલે પોલીસ વિભાગ, સમાજ કલ્યાણ વિભાગ અને વિશ્લેષણ સમિતિ-ગાંધીનગરને વારંવાર રજૂઆત કરી હતી, તેમ છતાં પ્રવીણ દાદુભાઈ ગઢવી સામે કોઈ જ પગલાં લેવામાં આવ્યા નહોતા. જેના કારણે આખો મામલો હાઈકોર્ટ પહોંચ્યો હતો.
આ પણ વાંચોઃ કોંગ્રેસના મહામંત્રીએ ‘નકલી પુત્ર’ ઉભો કરી આદિવાસીની જમીન હડપી
સારણ ગીરના બારડ ગામના આદિવાસી બની સર્ટિફિકેટ કઢાવ્યું?
અનુપ ગઢવીએ આરોપ લગાવ્યો છે કે, પૂર્વ કોર્પોરેટર દાદુભાઈ ગઢવી પોતે ઓબીસી સમાજના છે અને ગોધરાના ગોલી ગવાસી ગામના રહેવાસી છે. તેમના વડવા ત્યાં જ વસતા હતા. તેઓ ત્યાં ખેતીની જમીન ધરાવે છે અને ખાતેદાર છે તેવા પુરાવા પણ રજૂ કરાયા હતા. પરંતુ પ્રવીણ ગઢવી અને અન્ય પરિવારે પિતા-દાદાના ભળતા નામનો ઉપયોગ કરીને વર્ષ 2018માં જૂનાગઢના સાસણ ગીરના બારડ ગામમાં રહેતા હોવાનું જણાવીને વર્ષ 2005ના રાજ્ય સરકારે જાહેર કરેલા નિયમ મુજબ ત્યાંના રહીશ હોવાનું દર્શાવીને નકલી આદિવાસીનું પ્રમાણપત્ર મેળવ્યું હતું. એટલું જ નહીં, પ્રવીણ ગઢવીએ આ નકલી આદિવાસી સર્ટિફિકેટ પર અનામત પેટ્રોલ પંપ પણ મેળવી લીધો છે. ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ એચ.ડી. સુથારે આ કેસની સુનાવણીમાં તપાસ કરી 4 સપ્તાહમાં રિપોર્ટ કરવા આદેશ કર્યો છે.
આ પણ વાંચોઃ ગુજરાતમાં 10 વર્ષમાં નકલી જાતિ પ્રમાણપત્રની 1084 ફરિયાદો મળી
30 લાખમાં નકલી આદિવાસી સર્ટિફિકેટ મેળવ્યુંઃ અનુપ ગઢવી
વડોદરા શહેર ભાજપ ઓબીસી મોરચાના મંત્રી અનુપ ગઢવીએ ભાજપના જ પૂર્વ કોર્પોરેટર દાદુભાઈ ગઢવીના પુત્ર પ્રવીણ ગઢવી સામે હાઈકોર્ટમાં કરેલી અરજીમાં જણાવ્યું હતું કે, પ્રવીણ ગઢવીએ 2018માં વડોદરા શહેરની પૂર્વ મામલતદાર કચેરીમાંથી આ નકલી આદિવાસી પ્રમાણપત્ર મેળવ્યું હતું. આ પ્રમાણપત્ર મેળવવા માટે રૂ. 30 લાખનો વ્યવહાર થયો હતો. અનુપ ગઢવીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ વ્યવહાર થયો ત્યારે તેઓ પોતે ત્યાં હાજર હતા. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, પ્રવીણ ગઢવી ઉપરાંત વિપુલ અને મનુભાઈ સહિત 22 લોકોએ પણ નકલી આદિવાસી સર્ટિફિકેટ મેળ્યા છે.
તમામ આરોપો પાયાવિહોણા છેઃ પ્રવીણ ગઢવી
આ સમગ્ર મામલે વડોદરાના પૂર્વ કોર્પોરેટર અને ભાજપ નેતા દાદુ ગઢવીના પુત્ર પ્રવીણ ગઢવીએ જણાવ્યું હતું કે, આ તેમને રાજકીય રીતે બદનામ કરવાનું કાવતરું છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, અનુપ ગઢવીએ અગાઉ પણ અરજીઓ કરી હતી પરંતુ હજુ સુધી આરોપો સાબિત થઈ શક્યા નથી.
આ પણ વાંચોઃ નકલી ST સર્ટિ પર ACP બની ગયેલા બી.એમ.ચૌધરી ભૂગર્ભમાં ઉતરી ગયા











