જૂનાગઢની વિદ્યાર્થીનીઓ માટે મહિલા અધિકાર મંચે રજૂઆત કરી

જૂનાગઢની દલિત વિદ્યાર્થીનીઓની છાત્રાલયમાં ભોજનમાં જીવાત નીકળતા હોબાળો થયો હતો. હવે મહિલા અધિકાર મંચ તેમની પડખે આવ્યું છે.
junagadh news

જૂનાગઢમાં કલેક્ટર નજીક આવેલી ડો.આંબેડકર કન્યા છાત્રાલયમાં શાકમાં જીવાતો અને સંભારામાં સાવરણીની સળીઓ નીકળતા બે દિવસ પહેલા કન્યાઓએ મોડી રાત્રે હોબાળો મચાવતા આખું તંત્ર દોડતું થઈ ગયું હતું. સ્થાનિક કોર્પોરેટરે સમગ્ર મામલાને દબાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ હવે આ મામલે અમદાવાદ સ્થિત મહિલા અધિકાર મંચ આ વિદ્યાર્થીનીઓની પડખે આપ્યું છે.

ડો.મિતાલી સમોવાની આગેવાની હેઠળના મહિલા અધિકાર મંચે રાજ્યભરની કન્યા છાત્રાલયોમાં સર્વ સમાજની દિકરીઓને અપાતા ભોજન, રહેઠાણ અને સુરક્ષા સહિતની તમામ સુવિધાઓ બાબતે તાત્કાલિક તપાસ કરીને સમસ્યા નિવારણ તથા સુધારણાની અન્ય માંગણીઓનો નિકાલ કરવા બાબતે તમામ જિલ્લાઓના કલેકટરશ્રીઓ, જિલ્લા નાયબ નિયામકશ્રીઓ અને સમાજ કલ્યાણ અધિકારીશ્રીઓને રજૂઆત કરી છે.

ઉલ્લેખનીય છે કે, જૂનાગઢ કલેક્ટર નજીક આવેલી ડો. બાબાસાહેબ આંબેડકર સરકારી કન્યા છાત્રાલયમાં રહેતી આશરે 230 જેટલી દલિત વિદ્યાર્થીનીઓના જીવન અને સ્વાસ્થ્ય સાથે ચેડાં થતા હોવાની ગંભીર ફરિયાદ સામે આવી હતી. ભોજનમાં ભ્રષ્ટાચાર, બેડશીટ વગરના ગાદલા, ખંડેર હાલતના શૌચાલયો અને ટપકતી છત જેવી અનેક સમસ્યાઓથી કંટાળીને વિદ્યાર્થીનીઓએ બે દિવસ પહેલા હોબાળો મચાવ્યો હતો.

આ પણ વાંચો: બિહારના OBC, દલિત અને મુસ્લિમોએ કોને મત આપ્યા?

આ સમગ્ર મામલો દબાવવા માટે જૂનાગઢના કોર્પોરેટરો એ ધમપછાડા કર્યા હતા અને મીડિયાને હોસ્ટેલની અંદર આવવા દીધું નહોતું. પરંતુ હોસ્ટેલની વિદ્યાર્થીનીઓએ હાબાળો મચાવતા મીડિયા અંદર પહોંચ્યું હતું. હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીઓએ આ સમગ્ર મામલે હોસ્ટેલના સંચાલકો અને અધિકારીઓ પર ગંભીર આક્ષેપો મૂકવામાં આવ્યા છે. એટલું જ નહીં આ સમગ્ર મામલે જ્યારે હોસ્ટેલે પોલીસ પહોંચી તો વોર્ડને પોલીસને કહ્યું પહેલા મીડિયા ને અહીંથી ભગાડી દો.

વિદ્યાર્થીનીઓના ભોજનમાં જીવાત નીકળે છે

જૂનાગઢની ડો. બાબાસાહેબ આંબેડકર સરકારી કન્યા છાત્રાલયના ભોજનની ગુણવત્તા એટલી હદે કથળી ગઈ છે કે વિદ્યાર્થીનીઓના સ્વાસ્થ્ય સાથે ગંભીર જોખમ ઊભું થયું છે. હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીની મોનિકા રાઠોડએ જણાવ્યું હતું કે, તેમને જમવાનું સારું આપવામાં આવતું નથી અને તેમાં વારંવાર જીવાતો, ઈયળ અને ક્યારેક સંભારામાં સાવરણીની સળીઓ પણ નીકળે છે. હોસ્ટેલના મેનુ મુજબ ભોજન ક્યારેય બનતું નથી. વારંવાર માત્ર બટેટાનું શાક જ બનાવવામાં આવે છે, જે પાણી જેવું હોય છે અને રોટલીઓ કાચી હોય છે.

junagadh news

અનેક વિદ્યાર્થીનીઓને વારંવાર ફૂડ પોઈઝનિંગ થાય છે

હોસ્ટેલમાં 7 વર્ષથી રહેતી અન્ય એક વિદ્યાર્થીનીએ જણાવ્યું હતું કે, તેઓ અહીં રહીને ભણવા માટે આવી છે, આંદોલન કરવા માટે નહીં, પરંતુ રસોઈયા દ્વારા એટલું ખરાબ જમવાનું બનાવવામાં આવે છે કે દીકરીઓનું સ્વાસ્થ્ય ખરાબ થઈ રહ્યું છે. ખરાબ જમવાના કારણે દીકરીઓને વારંવાર સ્વાસ્થ્ય સમસ્યાઓ ઊભી થઈ છે, જેની સારવાર કરાવવા જતાં હોસ્પિટલમાંથી સ્પષ્ટ રિપોર્ટ આવ્યા છે કે આ સમસ્યાઓ ફૂડ પોઈઝનિંગના કારણે સર્જાય છે. વિદ્યાર્થીનીઓએ જણાવ્યું કે જ્યાં સુધી તેમની મર્યાદા હતી, ત્યાં સુધી તેમણે આ સહન કર્યું હતું, પણ હવે સહન નહીં કરાય.

આ પણ વાંચો: ડૉ.આંબેડકરની પ્રતિમાને હાર ચડાવવા જતા ભાજપ સાંસદ ક્રેનમાં ફસાયા

હોસ્ટેલમાં ગાદલાથી લઈને બિલ્ડીંગ સુધી બધું જર્જરિત

ભોજનમાં ભ્રષ્ટાચાર ઉપરાંત આ હોસ્ટેલની ભૌતિક સુવિધાઓ સામે પણ સવાલો ઉભા થયા છે. છેલ્લા 5 વર્ષથી અહીં રહેતી વિદ્યાર્થીની પ્રતીક્ષા રાઠોડે આક્ષેપ કર્યો કે, “છેલ્લા પાંચ વર્ષમાં અહીં કોઈપણ પ્રકારનો બદલાવ આવેલો નથી અને એક પણ સુવિધા આપવામાં આવતી નથી. વિદ્યાર્થીનીઓના રૂમમાં બેડ સીટ પણ નથી, જેના કારણે તેઓ એમનેમ જ ગાદલા પર સૂએ છે. ઓશિકાની હાલત પણ અત્યંત ખરાબ છે. સરકારી હોસ્ટેલના શૌચાલયો અને બાથરૂમમાં પણ પોપડા પડી રહ્યા છે અને ખંઢેર હાલતમાં જોવા મળે છે. છાત્રાલયની છતમાંથી પાણી પડે છે, જેના કારણે ચોમાસામાં અતિશય મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ ઉપરાંત, રૂમમાં વિદ્યાર્થીનીઓને પોતાનો સામાન વ્યવસ્થિત રાખવાની પણ જગ્યા નથી અને ન છૂટકે સામાન વેરવિખેર રાખવો પડે છે.”

સમાજ કલ્યાણ વિભાગના અધિકારીઓએ શું કહ્યું?

વિદ્યાર્થીનીઓના આ ગંભીર આક્ષેપો બાદ સમાજ કલ્યાણ અધિકારી અને ઇન્ચાર્જ નાયબ નિયામક ચેતન પવારે તાત્કાલિક નિવેદન આપ્યું હતું. તેમણે સ્વીકાર્યું કે હતું કે, કન્યા છાત્રાલયમાં વિદ્યાર્થીનીઓને અપાતા ભોજનની ગુણવત્તા નબળી લાગી છે અને ભોજનમાં જીવાત નીકળવા બાબતે રજૂઆત કરવામાં આવી છે. હોસ્ટેલમાં રહેતી દીકરીઓ દ્વારા જે અન્ય પ્રશ્નોને લઈ રજૂઆત કરવામાં આવી છે, તેની એક યાદી તૈયાર કરવામાં આવશે અને વહેલી તકે નિરાકરણ લાવવાના પ્રયત્નો કરાશે.

હોસ્ટેલના વોર્ડન અને રસોઈયા વિરુદ્ધ જે ફરિયાદ કરવામાં આવી છે, તેને લઈને પણ તાત્કાલિક તપાસ કરવામાં આવશે. જો તપાસમાં યોગ્ય પ્રશ્ન લાગશે, તો વોર્ડનને પણ બદલી નાખવામાં આવશે.

આ પણ વાંચો: બાબરાના ફુલઝરમાં પટેલો-દરબારો બાખડ્યા, 1નું મોત, 9 ઈજાગ્રસ્ત

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
તમારા મતે ગુજરાતમાં દારૂબંધી કેટલી સફળ છે?
0
Would love your thoughts, please comment.x
()
x