જમાનો એક બાજુ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની મદદથી કૃત્રિમ માનવ બનાવવા તરફ આગળ વધી રહ્યો છે, ત્યારે બીજી તરફ વિશ્વગુરૂ ભારત દેશ વધુને વધુ અંધશ્રદ્ધા તરફ ધકેલાઈ રહ્યો હોય તેવી સ્થિતિ છે. ગુજરાતમાં રાજ્ય સરકારે અંધશ્રદ્ધા વિરોધી કાયદો બનાવ્યો છે. છતાં લોકોમાં અંધશ્રદ્ધા ઓછી થવાનું નામ નથી લઈ રહી. થોડા દિવસ પહેલા રાજકોટમાં એક વ્યક્તિએ માતાજીની બાધા પુરી કરવા 6 બકરાની બલિ ચઢાવી દીધી હતી, હવે રાજકોટમાં જ એક વ્યક્તિએ માતાજીની માનતા પુરી કરવા માટે રૂપિયાની વ્યવસ્થા ન થઈ શકતા કંટાળીને એસિડ પી આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઈ છે.
મોરબીમાં ભંગાર વીણવા જતી વખતે ઘટના બની
મળતી માહિતી મુજબ, રાજકોટમા સાત હનુમાન મંદિર પાસે રહેતો યુવાન મોરબીમા ભંગાર વીણવા ગયો હતો ત્યારે એસીડ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવકને ઝેરી અસર થતા સારવાર માટે ખસેડવામા આવ્યો હતો. યુવકે માતાજીનો માંડવો કરવાની માનતા રાખી હતી, જે પુરી કરવા માટે તેની પાસે રૂપિયાની વ્યવસ્થા ન થતી હોવાથી તેણે આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો: રાજકોટના ખેતલાબાપા મંદિરના મહંત 52 સાપ સાથે ઝડપાયા
રાજકોટ સિવિલમાં સારવાર શરૂ કરવામાં આવી
પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, રાજકોટના કુવાડવા રોડ પર સાત હનુમાન મંદિર પાસે રહેતા દેવાભાઈ વાઘેલા નામના 35 વર્ષના યુવકે બપોરના સમયે મોરબીમાં માળીયા ફાટક પાસે ભંગાર વીણતી વખતે એસીડ પી લીધું હતું. યુવકને એસિડની અસર થતા તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પીટલમાં દાખલ કરવામા આવ્યો હતો.

માતાના માંડવા માટે રૂપિયાનો મેળ ન પડતા એસિડ પીધું
પ્રાથમીક તપાસમાં જાણવા મળ્યું છે કે, દેવાભાઈ વાઘેલા છ ભાઈ અને છ બહેનોમાં સૌથી નાનો છે. તેને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. તેમણે માતાજીના માંડવાની માનતા રાખી હતી. પરંતુ તે માનતા પુરી કરવા રૂપિયાનો મેળ પડતો નહોતો. આથી મોરબી ખાતે ભંગાર વીણવા ગયા ત્યારે તેણે એસિડ પી લીધું હતું. આ બનાવ અંગે મોરબી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: ‘મેડમ, અમારી જમીન બચાવી લો, નહીંતર જીવ આપી દઈશું..’










