ગાંધીજી(Gandhiji)એ જેની સ્થાપના મજૂરોના હિતોના રક્ષણ માટે કરી હતી અને અમદાવાદના મજૂર આંદોલનના ઈતિહાસમાં જે સંસ્થાનું નામ એક સમયે ગૌરવ સાથે લેવાતું હતું, તે મજૂર મહાજન સંઘ(Mazdoor Mahajan Sangh) પર કરોડોના કૌભાંડ(scam of crores)ના આરોપ લાગ્યા છે. ગાંધીના આદર્શો પર સ્થપાયેલી આ સંસ્થા હવે ગરીબ મજૂરો પાસેથી ‘ફાળા’ના નામે કરોડો રૂપિયાની ઉઘરાણી કરતી હોવાનો સનસનીખેજ દાવો કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે. આ ઘટનાએ શહેરના મિલ મજૂરો અને રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જગાડી છે.
ગુજરાતના મજૂર આંદોલનમાં મજૂર મહાજન સંઘનું સ્થાન હંમેશા મોટું રહ્યું છે. ગાંધીજીના માર્ગદર્શન હેઠળ આ સંસ્થાએ દાયકાઓ સુધી શોષિત અને પીડિત મિલ કામદારોના હિત માટે લડત આપી હતી. પરંતુ આજે સ્થિતિ કંઈક અલગ જ જોવા મળી રહી છે. કોંગ્રેસનો આરોપ છે કે, જે સંસ્થા મજૂરોની પડખે ઊભી રહેવી જોઈએ, તે જ સંસ્થા આજે ગરીબ, વૃદ્ધ અને વિધવા મજૂરોની મહેનતની કમાણી પર તરાપ મારી રહી છે.

આ પણ વાંચો: બંધારણીય હોદ્દા પર ન હોવા છતા કથાકારને ‘ગાર્ડ ઓફ ઓનર’ અપાયું
કથિત રીતે 5 ટકા ખંડણી માંગવાના આરોપ લાગ્યા
ગુજરાત હાઈકોર્ટનો સ્પષ્ટ આદેશ છે કે, વર્ષોથી બંધ પડેલી મિલોના કામદારો કે તેમના વારસદારોને મળવાપાત્ર વળતરની રકમ સીધી જ તેમના બેંક ખાતામાં RTGS અથવા NEFT દ્વારા જમા કરાવવી, જેથી કોઈ મધ્યસ્થી તેમનું શોષણ ન કરી શકે.
જોકે, અમદાવાદ શહેર કોંગ્રેસના મહામંત્રી અનીશ પટેલના જણાવ્યા મુજબ, મજૂર મહાજન સંઘે પોતાના કાર્યાલય પર બોર્ડ લગાવીને કામદારોને મળનારી રકમમાંથી ઓછામાં ઓછો 5 ટકા ફાળો આપવાની ફરજ પાડી છે. કામદારોમાં એવી ધાક બેસાડવામાં આવી રહી છે કે જો ફાળો આપશો, તો જ કામ થશે. આંકડાકીય ગણતરી મુજબ, જો કામદારોની કુલ રકમમાંથી 5 ટકા ઉઘરાવવામાં આવે, તો તે આશરે 1.29 કરોડ જેટલું મોટું ફંડ થાય છે, જેને કોંગ્રેસે ‘ખંડણી કૌભાંડ’ ગણાવ્યું છે.
ગંભીર ગુનામાં જામીન પર રહેલા પદાધિકારીઓ જ વહીવટ કરે છે
આ મામલો માત્ર વર્તમાન ઉઘરાણી પૂરતો સીમિત નથી. કોંગ્રેસે ભૂતકાળના કૌભાંડોને પણ ઉજાગર કર્યા છે. જેમ કે, અગાઉ પ્રસાદ મિલના કામદારો પાસેથી પણ આ જ રીતે ગેરકાયદેસર રીતે રૂ. 1.25 કરોડથી વધુની રકમ ઉઘરાવવામાં આવી હોવાની ફરિયાદો છે.

આ પણ વાંચો: રાજકોટમાં સ્વામીનારાયણના લોકોએ ડો.આંબેડકરની પ્રતિમા તોડી નાખી!
કેલિકો મિલના કિસ્સામાં ખોટા મજૂરોના નામે રકમ ઉપાડવાના આક્ષેપમાં સંસ્થાના પદાધિકારીઓ સામે ફોજદારી ગુના નોંધાયા હતા. આઘાતજનક બાબત એ છે કે, જે લોકો આ ગંભીર ગુનાઓમાં જામીન પર બહાર છે, તેઓ જ હાલમાં સંસ્થાનો વહીવટ કરી રહ્યા છે. કામદારોના લોહી-પરસેવાથી ઊભી થયેલી કરોડોની મિલકતોને પણ પારદર્શિતા વગર બારોબાર વેચવાના પ્રયાસો થઈ રહ્યા હોવાની બૂમો ઉઠી છે.
કૉંગ્રેસે હાઈકોર્ટને પત્ર લખી સુઓમોટો લેવા કહ્યું
આ ગંભીર પરિસ્થિતિને જોતા અમદાવાદ શહેર કોંગ્રેસના મહામંત્રી અનીશ પટેલે કારંજ પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી છે. સાથે જ ગુજરાત હાઈકોર્ટને પત્ર લખીને વિનંતી કરી છે કે આ બાબતે ‘સુઓમોટો’ સંજ્ઞાન લેવામાં આવે.
આ પણ વાંચો: દલિત મહિલા જનરલ સીટ પર બિનહરીફ સરપંચ ચૂંટાઈ
કોંગ્રેસની મુખ્ય માગણીઓ છે કે, આ સમગ્ર મામલે તાત્કાલિક અસરથી FIR નોંધવામાં આવે. હાઈકોર્ટના આદેશની અવગણના બદલ જવાબદાર પદાધિકારીઓ સામે કડક પગલાં લેવાય. મજૂરોની રકમ અને સંસ્થાની મિલકતોનું નિષ્પક્ષ ઓડિટ કરવામાં આવે. ગરીબ મજૂરોના હક્કના નાણાં કોઈ પણ કપાત વગર પૂરેપૂરા મળે તેવી વ્યવસ્થા ગોઠવાય.
ગરીબ મજૂરો માટે તેમના જીવનની છેલ્લી આશા સમાન આ વળતરની રકમ છે. જ્યારે સંસ્કારી સંસ્થાઓ જ શોષણખોર બને, ત્યારે ન્યાયતંત્ર અને સરકાર પર મોટી જવાબદારી આવી પડે છે. હવે જોવાનું એ રહે છે કે આ મામલે પોલીસ અને કોર્ટ કેવા કડક નિર્ણયો લે છે. જો કે, આ કૌભાંડના સમાચારથી ગાંધીજી સ્થાપિત સંસ્થાની ગરિમા ઘટી છે.
આ પણ વાંચો: ગુજરાતમાં 5 વર્ષમાં 11 હજાર લઘુ ઉદ્યોગોને તાળાં લાગી ગયા











