અમદાવાદ શહેરની સ્કૂલોને ફરી એકવાર બોંબથી ઉડાવી દેવાની ધમકી મળી છે. શહેરમાં આજે વહેલી સવારે ખળભળાટ મચી ગયો હતો જ્યારે શહેરની સાત જેટલી નામાંકિત શાળાઓને ઈ-મેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. આ ધમકીભર્યા મેલમાં સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, ‘મોદી-શાહ ખાલિસ્તાનના દુશ્મન છે, તમારા બાળકોને બચાવી લો.’ આ સાથે જ આતંકી તત્વોએ ચીમકી આપી છે કે, જો 26મી જાન્યુઆરીએ શાળામાં તિરંગો ફરકાવવામાં આવશે તો શાળાઓને બોમ્બથી ઉડાવી દેવામાં આવશે. આ ઘટનાને પગલે અમદાવાદ પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ તાત્કાલિક એક્શનમાં આવી ગઈ છે.
ધમકી મળતા પોલીસ તંત્ર હરકતમાં આવ્યું
ધમકી મળતા જ જે શાળાઓને નિશાન બનાવવામાં આવી છે તેમાં બોપલ સ્થિત DPS, નવરંગપુરાની સેન્ટ ઝેવિયર્સ લોયોલા, સંત કબીર સ્કૂલની 3 અલગ-અલગ બ્રાન્ચ, ઘાટલોડિયાની કેલોરેક્ષ સ્કૂલ અને વસ્ત્રાપુરની એક શાળાનો સમાવેશ થાય છે. આજે 23મી જાન્યુઆરીની વહેલી સવારે જ્યારે શાળાઓ શરૂ થઈ તેના ગણતરીના સમયમાં જ વહીવટી તંત્રને આ ઈ મેલ મળ્યો હતો. શાળા સંચાલકોએ વિલંબ કર્યા વગર પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી હતી, જેના કારણે તંત્ર હરકતમાં આવ્યું હતું.

આ પણ વાંચો: ચોટીલામાં દારૂના કેસમાં પોલીસે સગીરને પુખ્ત દર્શાવી જેલમાં પુરી દીધો
અન્ય શાળાઓને પણ ઈમેઈલ ચેક કરવા કહેવાયું
સુરક્ષાના ભાગરૂપે શાળાઓ દ્વારા તાત્કાલિક વાલીઓને મેસેજ અને ફોન દ્વારા જાણ કરવામાં આવી હતી કે, તેઓ પોતાના બાળકોને ઘરે લઈ જાય. અચાનક શાળામાંથી તેડવા માટેનો સંદેશો મળતા વાલીઓમાં ભારે ગભરાટ ફેલાયો હતો અને મોટી સંખ્યામાં વાલીઓ શાળાના ગેટ પર ઉમટી પડ્યા હતા. ફાયર બ્રિગેડની ટીમો અને ડોગ સ્ક્વોડ દ્વારા હાલમાં દરેક શાળાના ક્લાસરૂમ, લોબી અને મેદાનમાં ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી છે. શહેરની અન્ય શાળાઓ પણ પોતાના ઈ મેલ ચેક કરી રહી છે જેથી જો કોઈ અન્ય ધમકી મળી હોય તો પોલીસને જાણ કરી શકાય.

ધમકીને પગલે સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડ પર
આશ્ચર્યની વાત એ છે કે, આટલી મોટી ઘટના બની હોવા છતાં DEOની કચેરી હજુ સુધી અંધારામાં હોય તેવું લાગી રહ્યું છે. આ લખાઈ રહ્યું છે ત્યાં સુધીમાં DEO કચેરી તરફથી આ બાબતે હજુ સુધી કોઈ સત્તાવાર જાણકારી કે પ્રતિક્રિયા આપવામાં આવી નથી. હાલમાં ક્રાઈમ બ્રાન્ચ આ ઈ મેલ ક્યાંથી આવ્યો અને તેની પાછળ કોણ છે તે દિશામાં તપાસ કરી રહી છે.
26મી જાન્યુઆરીની પૂર્વસંધ્યાએ મળેલી આ ધમકીએ સુરક્ષા એજન્સીઓને એલર્ટ મોડ પર મૂકી દીધી છે. જો કે, આ પહેલીવાર નથી, કે અમદાવાદની સ્કૂલોને બોંબથી ઉડાવી દેવાની ધમકી મળી હોય. ગયા અઠવાડિયે પણ આ રીતે અનેક સ્કૂલોને ધમકી મળી હતી.
આ પણ વાંચો: અમદાવાદમાં બજરંગદળે બે મુસ્લિમ યુવકોને ઢોર માર માર્યો











