દલિત પરિવારે કેસ પાછો ન ખેંચતા આરોપીએ ગોળીબાર કર્યો

દલિત પરિવારે કેસ પાછો ન ખેંચતા આરોપી યુવકે જાહેરમાં પિસ્તોલ કાઢી ચાર રાઉન્ડ ફાયરિંગ કરી ધમકી આપી. વીડિયો વાયરલ.
Bhagalpur Accused fire
પ્રતિકાત્મક તસવીર

ગુજરાત, આંધ્રપ્રદેશ બાદ હવે બિહારમાં પણ દલિત અત્યાચારની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીંના ભાગલપુર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલ ઉઠાવતી એક ગંભીર ઘટના પ્રકાશમાં આવી છે. ભવાનીપુર પોલીસ સ્ટેશન હેઠળના નારાયણપુર ગામમાં જૂનો કેસ દલિત પરિવારે પાછો ન ખેંચતા આરોપીએ પિસ્તોલ કાઢી બે મિનિટમાં ચાર રાઉન્ડ ગોળીબાર કરીને સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ પેદા કર્યો હતો.

મામલો શું હતો?

આ વિવાદની શરૂઆત ૨૭ જાન્યુઆરીના રોજ થઈ હતી, જ્યારે આરોપી શિવ યાદવે દલિતવાસમાં રહેતા રાજકિશોર પાસવાનના પુત્ર સાથે ગાળાગાળી કરી હતી. તે સમયે ગ્રામજનોએ દરમિયાનગીરી કરીને મામલો શાંત પાડ્યો હતો, પરંતુ આ વિવાદનો અંત આવ્યો નહોતો.

પીડિત રાજકિશોર પાસવાનના જણાવ્યા અનુસાર, ગાળાગાળીની ઘટનાના લગભગ એક કલાક બાદ આરોપી શિવ યાદવ ફરીથી હિંસક ઈરાદા સાથે પાછો આવ્યો હતો અને પરિવાર પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. આ અંગે પીડિત પરિવારે હિંમત દાખવીને પોલીસમાં FIR નોંધાવી હતી. આ કાર્યવાહીથી અકળાયેલો આરોપી સતત પરિવાર પર કેસ પાછો ખેંચવા માટે દબાણ કરી રહ્યો હતો.

આ પણ વાંચો: સવર્ણ બોયફ્રેન્ડે કહ્યું, ‘તું દલિત છો, હું તારી સાથે લગ્ન નહીં કરું’

આરોપીએ બે મિનિટમાં ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું

આ ગોળીબાર પાછળનો મુખ્ય હેતુ પીડિત પરિવારને ડરાવવાનો અને ફરિયાદ પાછી ખેંચવા મજબૂર કરવાનો હતો. ઘટનાનો જે વીડિયો સામે આવ્યો છે તે અત્યંત ચોંકાવનારો છે. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે એક યુવક હાથમાં હથિયાર લઈને ઘરની બહાર નીકળે છે અને ખુલ્લેઆમ ગોળીબાર કરવાની ધમકીઓ આપી રહ્યો છે. માત્ર ૧૨૦ સેકન્ડની અંદર ચાર રાઉન્ડ ફાયરિંગ કરીને આરોપીએ જાણે તેને કાયદાનો કોઈ ડર જ ન હોય તેમ લુખ્ખાગીરી કરી. ગોળીબારના અવાજથી આખા દલિતવાસમાં સન્નાટો છવાઈ ગયો હતો અને લોકો જીવ બચાવવા ઘરોમાં ભરાઈ ગયા હતા.

પોલીસે શું કાર્યવાહી કરી?

આ ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ હરકતમાં આવી છે. ભવાનીપુર પોલીસ સ્ટેશનના પ્રભારી શુંભ પાસવાને સત્તાવાર રીતે ગોળીબારની પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું કે પોલીસ આ મામલે અત્યંત ગંભીર છે અને આરોપી શિવ યાદવની ધરપકડ માટે વિવિધ સ્થળોએ દરોડા પાડવામાં આવી રહ્યા છે. પોલીસે પીડિત પરિવારને સુરક્ષાનું આશ્વાસન આપ્યું છે અને ખાતરી આપી છે કે ગુનેગાર ગમે તેટલો પ્રભાવશાળી હોય, તેની સામે કડક કાનૂની પગલાં લેવામાં આવશે.

આ પણ વાંચો: બોલો લો! ગુજરાતમાં ભાજપના ધારાસભ્યોનું કોઈ સાંભળતું નથી!

કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર ગંભીર સવાલો ઉઠ્યાં

જોકે, આ ઘટનાએ સ્થાનિક વહીવટીતંત્રની સુરક્ષા વ્યવસ્થા પર અનેક સવાલો ઉભા કર્યા છે. ગુનેગારો જાહેરમાં હથિયારો લઈને ફાયરિંગ કરે છે જે સાબિત કરે છે કે, તેમને દલિતો સામે આ રીતે દાદાગીરી કરવામાં કાયદાનો પણ કોઈ ડર નથી. અત્યારે નારાયણપુર ગામમાં તણાવપૂર્ણ શાંતિ છે અને ગ્રામજનો આરોપીની વહેલી તકે ધરપકડની માંગ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો આ વીડિયો હવે પોલીસ માટે પુરાવા તરીકે મહત્વનો સાબિત થશે. હવે જોવાનું એ રહે છે કે પોલીસ કેટલી ઝડપથી આરોપીને જેલના સળિયા પાછળ ધકેલીને પીડિત દલિત પરિવારને ન્યાય અપાવે છે.

આ પણ વાંચો: ‘આરોપી મુખ્યમંત્રીની જાતિનો છે એટલે કાર્યવાહી નથી થતી’

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
તમારા મતે ગુજરાતમાં દારૂબંધી કેટલી સફળ છે?
0
Would love your thoughts, please comment.x
()
x