ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદ જિલ્લાના નગલા ખંગર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના એક ગામમાં માનવતાને શરમાવે તેવી ઘટના બની છે. ધોરણ 9 માં અભ્યાસ કરતી એક 15 વર્ષીય સગીર દલિત વિદ્યાર્થિની પર ગામના જ એક યુવકે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. સમાજમાં બદનામી થવાના ડર અને આરોપીની ધમકીને કારણે પીડિતાએ આ અત્યાચાર વિશે કોઈને જાણ કરી ન હતી. પરિણામે તે ગર્ભવતી બની ગઈ હતી.
બાળકને કચરામાં ફેંકી દીધું અને મામલો સામે આવ્યો
1 ફેબ્રુઆરીના રોજ આ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે એક નવજાત બાળક કચરાના ઢગલામાંથી મળી આવ્યું. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી ત્યારે સત્ય સામે આવ્યું કે આ બાળક તે સગીરાનું જ હતું, જેણે ડરના કારણે નવજાતને ત્યાં છોડી દીધું હતું. નગલા ખંગર પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર ગિરીશ કુમારે માહિતી આપી હતી કે પીડિતાની માતાની ફરિયાદના આધારે આરોપી કન્હૈયા ઉર્ફે રોહિત વિરુદ્ધ દુષ્કર્મ અને પોક્સો (POCSO) એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે.

આ પણ વાંચો: મહિસાગરમાં મહિલા PSI એ આદિવાસી વેપારીને ઢોર માર માર્યો
ડરને કારણે કોઈને જાણ ન કરી
આ સમગ્ર ઘટનાની વિગતો મુજબ, આરોપી કન્હૈયા જે નગલા ખંગર વિસ્તારના કૌરારી ખેડા ગામનો રહેવાસી છે, તે પીડિતાના ઘરે ઘૂસી આવ્યો હતો અને સગીરાની એકલતાનો લાભ ઉઠાવી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. પીડિતા માત્ર 15 વર્ષની છે અને તે ધોરણ 9 માં અભ્યાસ કરે છે. આ ભયાનક કૃત્ય બાદ પીડિતા એટલી હદે ડરી ગઈ હતી કે તેણે આ વિશે પોતાના પરિવારને પણ કશું જ જણાવ્યું નહીં. સમય પસાર થતા તે ગર્ભવતી થઈ અને 1 ફેબ્રુઆરીના રોજ તેણે એક નવજાત બાળકને જન્મ આપ્યો.

લોકલાજ અને બદનામીના ડરથી તેણે આ નવજાત શિશુને નજીકના એક ખાલી પ્લોટમાં કચરાના ઢગલા પાસે છોડી દીધું હતું. જ્યારે આસપાસના લોકોને બાળક રડવાનો અવાજ આવ્યો ત્યારે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી નવજાત બાળકને હોસ્પિટલમાં દાખલ કરાવ્યું હતું અને તેની સારવાર શરૂ કરાવી હતી.
આ પણ વાંચો: સુપ્રીમના જજે કહ્યું, ‘સરકાર વિરુદ્ધ ચુકાદો આપો તો બદલી થાય છે!’
પીડિતાની આપવીતી સાંભળી પરિવાર સ્તબ્ધ
પીડિતાની માતાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે 1 ફેબ્રુઆરીએ જ્યારે તે કામ માટે બહાર ગઈ હતી અને પરત ફરી ત્યારે તેને જાણવા મળ્યું કે ગામના એક ખાલી પ્લોટમાં નવજાત શિશુ મળી આવ્યું છે. તે સમયે તેની પુત્રી પણ કચરો નાખવા માટે બહાર ગઈ હતી. માતાને શંકા જતા તેણે પુત્રીને કડકાઈથી પૂછપરછ કરી, ત્યારે પુત્રીએ રડતા રડતા પોતાની સાથે થયેલી આપવીતી જણાવી હતી. પુત્રીએ કબૂલાત કરી હતી કે કન્હૈયાએ તેની સાથે દુષ્કર્મ કર્યું હતું અને આ બાળક તેનું જ છે. આ સાંભળીને પરિવાર સ્તબ્ધ થઈ ગયો હતો અને તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો હતો.
આરોપીની POCSO, દુષ્કર્મની કલમો હેઠળ ધરપકડ
પોલીસ અધિકારી ગિરીશ કુમારે જણાવ્યું કે ફરિયાદ મળતાની સાથે જ પોલીસે કાર્યવાહી તેજ કરી હતી. આરોપી કન્હૈયાને ભદાન ચોકડી પાસેથી ઝડપી પાડવામાં આવ્યો છે. હાલમાં પીડિતા અને નવજાત બાળકની તબીબી તપાસ કરાવવામાં આવી રહી છે. પોલીસે આ મામલે કડક કાનૂની કાર્યવાહી શરૂ કરી છે જેથી પીડિતાને ન્યાય મળી શકે. આ ઘટનાએ સ્થાનિક વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે અને દલિત સગીરાની સુરક્ષાને લઈને ફરી એકવાર ગંભીર પ્રશ્નો ઊભા થયા છે.
આ પણ વાંચો: રવિદાસ જયંતિની ઉજવણી લોહીયાળ બની, ગોળીબારમાં 2 ના મોત











