રાજકોટ ભાજપના ઉપપ્રમુખને માતાજી આવ્યા! ધૂણીને સાંકળો ફટકારી!

રાજકોટ ભાજપના ઉપપ્રમુખ સોમાભાઈ ભાલિયા માતાજીના માંડવામાં ધૂણતા અને સાંકળ મારતા જોવા મળતા અંધશ્રદ્ધા મુદ્દે વિવાદ જાગ્યો છે.
rajkot news

રાજકોટ: ગુજરાતના રાજકારણમાં છેલ્લા કેટલાક સમયથી નેતાઓના અંધશ્રદ્ધા ફેલાવતા નિવેદનો અને વીડિયો વાયરલ થઈ રહ્યાં છે. આવો જ એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં રાજકોટ શહેર ભાજપના ઉપપ્રમુખ સોમાભાઈ ભાલિયા માતાજીના માંડવામાં ધૂણતા અને પોતાની પીઠ પર સાંકળો મારતા જોવા મળી રહ્યા છે. આ દ્રશ્યો સામે આવ્યા બાદ વિજ્ઞાનજાથાએ ભાજપ નેતા પર અંધશ્રદ્ધા ફેલાવવાનો આક્ષેપ કર્યો છે.

શું છે સમગ્ર ઘટના?

મળતી માહિતી મુજબ, રાજકોટમાં આયોજિત માતાજીના એક માંડવામાં સોમાભાઈ ભાલિયા સપરિવાર અને સમર્થકો સાથે ઉપસ્થિત રહ્યા હતા. ઢોલ-નગારાના તાલે અને માતાજીના સ્તુતિગાન સાથે જ્યારે ભક્તિમય માહોલ જામ્યો હતો, ત્યારે અચાનક સોમાભાઈ ભાવવિભોર થઈ ધૂણવા લાગ્યા હતા. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે તેઓ ઉભા થઈને જોરશોરથી ધૂણી રહ્યા છે અને ધાર્મિક વિધિના ભાગરૂપે પોતાની ખુલ્લી પીઠ પર લોખંડની સાંકળોના પ્રહાર કરી રહ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ લોકોએ નેતાજીની ટીકા કરી હતી.

આ પણ વાંચો: અન્યો માટે એ ‘નવરાત્રી’ હતી, પણ અમારા માટે તો ‘શૂન્યરાત્રી’

વિજ્ઞાન જાથાએ આકરો વિરોધ નોંધાવ્યો

આ મામલે વિજ્ઞાનજાથાના ચેરમેન જયંત પંડ્યાએ આકરો વિરોધ નોંધાવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, જ્યારે જાહેર જીવનમાં જવાબદાર પદ ધરાવતી વ્યક્તિ આવા કૃત્યો કરે છે, ત્યારે સમાજમાં ખોટો સંદેશ જાય છે અને અંધશ્રદ્ધાને પ્રોત્સાહન મળે છે. સંસ્થાએ આક્ષેપ કર્યો છે કે, આજના આધુનિક અને ટેકનોલોજીના યુગમાં શિક્ષિત નેતાઓએ વિજ્ઞાનલક્ષી અભિગમ કેળવવો જોઈએ. સાંકળો મારવી કે ધૂણવું એ માનસિક અવસ્થા અથવા વર્ષો જૂની એવી રૂઢિઓ છે, જે વ્યક્તિના સ્વાસ્થ્ય માટે પણ જોખમી બની શકે છે.

ભાજપે ઉપપ્રમુખનો બચાવ કર્યો

બીજી તરફ, ભાજપના પ્રદેશ પ્રવક્તાએ આ મામલે પ્રતિક્રિયા આપતા સોમાભાઈનો બચાવ કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે, “સોમાભાઈ ભાલિયા અમારા પક્ષના સિનિયર નેતા છે અને તેઓ વર્ષોથી અનેક ધાર્મિક અને સામાજિક સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છે. વાયરલ થયેલા વિડિયોમાં તેઓ માત્ર પોતાની કુળદેવીની ભક્તિમાં લીન જોવા મળે છે. ભારત એક આસ્થાપ્રધાન દેશ છે અને દરેક વ્યક્તિની પોતાની અંગત ધાર્મિક માન્યતાઓ અને પરંપરાઓ હોય છે, જેને આપણે સન્માન આપવું જોઈએ. આમાં કોઈને પણ અંધશ્રદ્ધા દેખાવી ન જોઈએ.”

આ પણ વાંચો: માતાના માંડવા માટે રૂપિયા ભેગા ન થતા યુવકે એસિડ પીધું

ગુજરાતમાં વધતું ‘ભુવા ફેક્ટર’

નોંધનીય છે કે ગુજરાતના રાજકારણમાં છેલ્લા કેટલાક મહિનાઓથી ‘ભુવાજી’ અને તેમની ભવિષ્યવાણીઓ સતત ચર્ચાના કેન્દ્રમાં છે. સોમાભાઈની આ ઘટના અગાઉ પણ અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. અગાઉ બનાસકાંઠાના એક વીડિયોમાં એક ભૂવાજીએ મોંગીલાલ પટેલને વર્ષ 2027ની વિધાનસભા ચૂંટણીમાં ટિકિટ મળવાની અને તેઓ 11 હજાર મતોની સરસાઈથી જીતશે તેવી જાહેરાત કરી હતી.

અન્ય એક કિસ્સામાં એક ભૂવાજીએ સોનાના ભાવમાં મોટો ઘટાડો થશે અને સોનું 30 હજાર રૂપિયા સુધી પહોંચી જશે તેવી આશ્ચર્યજનક ભવિષ્યવાણી કરી હતી, જેના કારણે તેઓ સોશિયલ મીડિયા પર ટ્રોલ પણ થયા હતા.

આધુનિક યુગમાં જ્યાં ચૂંટણી જીતવા માટે ડેટા એનાલિસિસ, સર્વે અને સોશિયલ મીડિયા મેનેજમેન્ટનો ઉપયોગ થાય છે, ત્યાં નેતાઓ હજુ પણ પરંપરાગત ધાર્મિક વિધિઓ અને લોકવાયકાઓમાં અતૂટ વિશ્વાસ ધરાવે છે. સવાલ એ ઊભો થાય છે કે શું આ ખરેખર હૃદયપૂર્વકની શ્રદ્ધા છે કે પછી જનતાનું ધ્યાન ખેંચવાનો અથવા સોશિયલ મીડિયામાં વાયરલ થવાનો નવો નુસખો?

આ પણ વાંચો: બોલો લો! નાગીનની અભિનેત્રી ‘માતાજી’ આવતા ધૂણવા લાગી!

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
તમારા મતે ગુજરાતમાં દારૂબંધી કેટલી સફળ છે?
0
Would love your thoughts, please comment.x
()
x