ભારતમાં હાલ લગ્નની સિઝન ચાલી રહી છે અને તેની સાથે દલિતોની જાન પર જાતિવાદી તત્વો દ્વારા નજીવી બાબતે હુમલો કરવાની ઘટનાઓ પણ બની રહી છે. આવી જ એક ઘટના રાજસ્થાનના ડીગ જિલ્લામાંથી સામે આવી છે. જ્યાં એક દલિત યુવકના લગ્ન પ્રસંગના નજીવી બાબતે જાતિવાદી તત્વોએ તોફાન મચાવ્યું હતું. નજીવી બાબતે થયેલા વિવાદે હિંસક સ્વરૂપ ધારણ કરતા અનેક લોકો ઘાયલ થયા હતા અને પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.
મળતી માહિતી મુજબ, કુમ્હેર પોલીસ સ્ટેશન વિસ્તારના બની ગામમાં 21 ફેબ્રુઆરીના રોજ એક દલિત પરિવારની દીકરીના લગ્ન પ્રસંગે આવેલી જાનમાં ફટાકડા ફોડવા જેવી સામાન્ય બાબતે બે જૂથો સામસામે આવી ગયા હતા. આ લોહિયાળ સંઘર્ષને કારણે આખું ગામ ભયમાં મુકાઈ ગયું હતું અને ખુશીનો માહોલ ગમગીનીમાં ફેરવાઈ ગયો હતો.

મામલો શું હતો
પ્રાપ્ત વિગતો અનુસાર, બની ગામના રહીશની પુત્રી રાખીના લગ્ન પહાડપુર ગામના એક યુવક સાથે નક્કી થયા હતા. 21 ફેબ્રુઆરીના રોજ પહાડપુરથી વરરાજાની જાન ધામધૂમથી બની ગામે આવી પહોંચી હતી. લગ્નની પરંપરા મુજબ જ્યારે જાનૈયાઓ ડીજેના તાલે નાચી રહ્યા હતા અને વરઘોડો (નિકાસી) કાઢી રહ્યા હતા, ત્યારે ઉત્સાહમાં આવીને કેટલાક યુવાનો દ્વારા ફટાકડા અને આતશબાજી કરવામાં આવી રહી હતી.
આ પણ વાંચો: તાંત્રિક વિધિની આડમાં 85 વર્ષની દલિત મહિલા પર રેપ કરાયો

આ આનંદના માહોલ વચ્ચે અચાનક એક સળગતો ફટાકડો અકસ્માતે ગામના જ એક અન્ય સમાજની વ્યક્તિ પર જઈને પડ્યો હતો. આ નાની અમસ્તી બાબતે ત્યાં હાજર રહેલા ગ્રામજનો અને જાનૈયાઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી શરૂ થઈ ગઈ હતી. જોકે, શરૂઆતમાં એવું લાગતું હતું કે મામલો શાંત પડી જશે, પરંતુ જોતજોતામાં વિવાદ વકર્યો અને તેણે હિંસક સ્વરૂપ ધારણ કરી લીધું હતું.
જાનૈયાઓ પર લાકડી-દંડા વડે હુમલો કર્યો
સામાન્ય બોલાચાલી બાદ ગ્રામજનોના એક ઉશ્કેરાયેલા ટોળાએ જાનને આગળ વધતી અટકાવી દીધી હતી. ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો કે ફટાકડાને કારણે જાનૈયાઓએ બેદરકારી દાખવી છે, જ્યારે જાનૈયાઓનું કહેવું હતું કે આ માત્ર એક અકસ્માત હતો. વિવાદ એટલો વધ્યો કે બંને પક્ષો વચ્ચે પથ્થરમારો શરૂ થઈ ગયો હતો. ગામના કેટલાક લોકોએ લાકડીઓ અને ડંડા વડે જાનૈયાઓ પર હુમલો કરવાનું શરૂ કર્યું હતું.
હુમલામાં જાનૈયા, કન્યા પક્ષના 6 લોકો ઘાયલ થયા
આ હિંસામાં કન્યા પક્ષના લોકો અને જાનૈયાઓ સહિત કુલ છ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. લગ્ન મંડપ રણમેદાનમાં ફેરવાઈ ગયો હતો અને જાનમાં આવેલી ગાડીઓના કાચ પણ તૂટી ગયા હતા. ગામમાં અફરાતફરી મચી ગઈ હતી અને લોકો જીવ બચાવવા આમ-તેમ ભાગવા લાગ્યા હતા. ઘાયલોને તાત્કાલિક સારવાર માટે કુમ્હેરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: અમદાવાદના વટવામાં દબાણો હટાવાતા સેંકડો ગરીબો ઘરવિહોણાં થયા
કન્યાના પરિવારે પોલીસ ફરિયાદ નોંધાવી
ઘટનાની ગંભીરતાને જોતા કુમ્હેર પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મામલો થાળે પાડીને ગામમાં શાંતિ સ્થાપવા માટે વધારાનો પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે. કન્યા પક્ષ (પીડિત પક્ષ) દ્વારા કુમ્હેર પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે, દીકરીના લગ્નમાં જાનની નિકાસી સમયે ગામના જ કેટલાક લોકોએ પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે હુમલો કર્યો હતો અને પથ્થરમારો કરીને બારતને રોકી દીધી હતી.
રાજસ્થાન પોલીસે આ મામલે રાયોટિંગ અને મારપીટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ અને મોબાઈલ વીડિયોના આધારે હુમલાખોરોની ઓળખ કરવાની પ્રક્રિયા શરૂ કરી છે.
આ પણ વાંચો: દલિત યુવકોને રસ્તામાં રોકી જાતિવાદીઓએ ઢોર માર માર્યો










