ભાવનગરની સરકારી સિવિલ હોસ્પિટલમાં મેડિકલ સ્ટાફની ઘોર બેદરકારીના કારણે એક દલિત ગર્ભવતી મહિલાનું મોત થયું હતું. હોસ્પિટલના સ્ટાફ દ્વારા પ્રસૂતા મહિલાને ‘A નેગેટિવ’ ને બદલે ‘B નેગેટિવ’ ગ્રૂપનું લોહી ચડાવી દેવામાં આવ્યું હતું, જેના લીધે શરીરમાં ગંભીર રિએક્શન આવતા મહિલાનું અવસાન થયું હતું.
આ પ્રકરણમાં સ્થાનિક પોલીસે તબીબો અને સંકળાયેલા સ્ટાફને બચાવવા માટે અદાલતમાં ‘ગુનો બનતો નથી’ તેવો સમરી રિપોર્ટ રજૂ કર્યો હતો. જોકે, સ્પેશિયલ એટ્રોસિટી કોર્ટે પોલીસના આ રિપોર્ટને સખત શબ્દોમાં ફગાવી દીધો છે. અદાલતે મેડિકલ સ્ટાફની પ્રથમ દ્રષ્ટિએ જ ગંભીર બેદરકારી માનીને SC/ST સેલને તાત્કાલિક ગુનો નોંધી તમામ જવાબદારો વિરૂદ્ધ ચાર્જશીટ દાખલ કરવાનો કડક આદેશ કર્યો છે.

કેસ પેપર્સમાં ચેકચાક અને બ્લડ બેંકની બેદરકારી
સમગ્ર ઘટનાની વિગત એવી છે કે ગારિયાધાર તાલુકાના નાની વાવડી ગામના રહેવાસી ગીતાબહેન સોલંકીને પ્રસૂતિ અર્થે ભાવનગરની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સરકાર દ્વારા ઈસ્યુ કરાયેલા સત્તાવાર મમતા કાર્ડના રેકોર્ડ મુજબ ગીતાબહેનનું બ્લડ ગ્રૂપ ‘A નેગેટિવ’ હતું. જોકે, પ્રસૂતિની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હોસ્પિટલના ફરજ પરના મેડિકલ સ્ટાફે દર્દીના મૂળ કેસ પેપર્સ અને મેડિકલ દસ્તાવેજોમાં અનધિકૃત રીતે ચેકચાક કરી હતી.
આ પણ વાંચો: ‘ચંપત રાયના બોયફ્રેન્ડ હોય છે, છોકરાઓ વિના ઉંઘ નથી આવતી!’
આ ચેકચાક કર્યા બાદ સ્ટાફ દ્વારા દર્દી માટે ‘B નેગેટિવ’ ગ્રૂપના લોહીની માંગણી કરતો રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. સિવિલ હોસ્પિટલની બ્લડ બેંકે પણ કોઈપણ પ્રકારની ક્રોસ-વેરિફિકેશન કે નિયમ મુજબની ચકાસણી કર્યા વિના જ આ લોહીનો જથ્થો ઇસ્યુ કરી દીધો હતો. ખોટું લોહી શરીરમાં પ્રવેશતા જ ગીતાબહેનની તબિયત લથડી હતી અને એક અઠવાડિયાની પીડા બાદ તેમનું કરૂણ મોત નીપજ્યું હતું.

પોલીસની ઢીલી તપાસ અને અદાલતનું કડક વલણ
મહિલાના મૃત્યુ બાદ નિલમબાગ પોલીસ સ્ટેશન દ્વારા આ ગંભીર તબીબી ગુના અંગે તટસ્થ અને યોગ્ય તપાસ કરવામાં આવી ન હતી. પોલીસ તંત્રએ હોસ્પિટલના તબીબી સ્ટાફના બચાવમાં નબળી તપાસ કરીને કોર્ટ સમક્ષ સમરી રિપોર્ટ રજૂ કરી દીધો હતો. પોલીસની આ પક્ષપાતી કામગીરી સામે મૃતક મહિલાના ભાઈ મુકેશભાઈ મિયાત્રાએ એડવોકેટ મારફત સ્પેશિયલ એટ્રોસિટી અદાલતમાં કાનૂની લડત શરૂ કરી હતી.
આ પણ વાંચો: વડોદરા સંકલ્પ ભૂમિને વિશ્વસ્તરીય સ્મારક બનાવો, 23 કરોડના પેકેજની માંગ
કોર્ટે ડોક્ટર, નર્સ સામે કેસ દાખલ કરવા આદેશ કર્યો
આ કેસની સુનાવણી દરમિયાન સ્પેશિયલ (એટ્રોસિટી) જજે સરકારી મેડિકલ દસ્તાવેજો, મમતા કાર્ડના પુરાવા અને ઉપલબ્ધ મેડિકલ તથ્યોની બારીકાઈથી સમીક્ષા કરી હતી. અદાલતે અવલોકન કર્યું કે આ સમગ્ર ઘટના માનવ જિંદગી સાથે રમત સમાન છે અને તેમાં હોસ્પિટલ પ્રશાસનની ગુનાહિત બેદરકારી સ્પષ્ટપણે દેખાઈ આવે છે. આથી કોર્ટે પોલીસનો સમરી રિપોર્ટ રદબાતલ ઠેરવીને એસસી/એસટી સેલના ઉચ્ચ અધિકારીઓને આ મામલે કાયદેસરની એફઆઈઆર નોંધી, તપાસ પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરી જવાબદાર ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફ સામે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવા આદેશ આપ્યો છે.
આ પણ વાંચો: અમરેલીના જશવંતગઢમાં ડૉ. આંબેડકર કોલોનીનું ભવન જર્જરિત











