મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના ગોઠડા ગામે એક સગીર દલિત વિદ્યાર્થીને તેની જ સ્કૂલના સિદ્ધરાજસિંહ ચૌહાણ નામના વિદ્યાર્થી અને તેની ગેંગે જાતિસૂચક અપશબ્દો કહી લાફો મારી હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ છે.
અહીંની આરાધના સ્કૂલમાં ધોરણ 12માં અભ્યાસ કરતા એક 16 વર્ષીય અનુસૂચિત જાતિના સગીર વિદ્યાર્થી પર શાળાના જ એક સવર્ણ વિદ્યાર્થી અને તેના સાગરીતોએ જાતિવિષયક અપશબ્દો કહી, ઢોર માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઘટનાને પગલે સગીરે પોતાના દાદાની હાજરીમાં સતલાસણા પોલીસ મથકે વિધિવત ફરિયાદ નોંધાવી છે.

શાળાના રિસેસ સમયથી શરૂ થયો વિવાદ
પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, આ સમગ્ર વિવાદની શરૂઆત ગત 4 જુલાઈના રોજ થઈ હતી. શાળામાં રિસેસ દરમિયાન ભાલુસણાના સિદ્ધરાજસિંહ જુજારસિંહ ચૌહાણ નામના વિદ્યાર્થીએ દલિત સગીર સાથે બળજબરીપૂર્વક મસ્તી શરૂ કરી હતી. દલિત સગીર વિદ્યાર્થીએ અભ્યાસ બગડતો હોવાથી કે અન્ય કોઈ કારણસર મસ્તી કરવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી.
આ સામાન્ય વાતથી ઉશ્કેરાયેલા સિદ્ધરાજસિંહે જાહેરમાં જ દલિત વિદ્યાર્થીને જાતિવિષયક અપશબ્દો કહ્યા હતા. એટલું જ નહીં, તેણે શાળાની બહાર આવીને ઝઘડો કરવા માટે ખુલ્લો પડકાર પણ ફેંક્યો હતો. આ ઘટના બાદ સિદ્ધરાજસિંહે ઇન્સ્ટાગ્રામ પર પણ દલિત વિદ્યાર્થીને મેસેજ કરીને ધમકીઓ આપવાનું ચાલુ રાખ્યું હતું.
આ પણ વાંચો: કોંગ્રેસના જિલ્લા અધ્યક્ષ ગુટખા ખાઈને પક્ષના વાલ્મિકી નેતા પર થૂંક્યા

રસ્તા પર ઘેરીને લાફા અને ગડદાપાટુનો માર માર્યો
આ વિવાદ અહીં જ ન અટક્યો, પરંતુ સોમવારે એટલે કે 6 જુલાઈના રોજ સાંજે જ્યારે શાળા છૂટી ત્યારે વધુ વણસ્યો હતો. દલિત વિદ્યાર્થી પોતાના ગામ જવા માટે જ્યાં વાહનો ભરાય છે તે જગ્યાએ આવેલા હિન્દુસ્તાન પાન પાર્લર પાસે ઊભો હતો. આ દરમિયાન એક સફેદ રંગની કારમાં આરોપી સિદ્ધરાજસિંહ ચૌહાણ તેના અન્ય બે સાગરીતો સાથે ત્યાં ધસી આવ્યો હતો. આ ત્રણેય ઇસમોએ સગીરને એકલો જોઈને ઘેરી લીધો હતો અને તેને પકડી રાખી ગડદાપાટુનો માર મારવાનું શરૂ કર્યું હતું. તેમાંથી એક આરોપીએ સગીરના કાનના ભાગે જોરદાર લાફો મારી દીધો હતો, જેનાથી તેને ગંભીર ઈજા થઈ હતી.
‘ડમ્પર ચડાવી દઈશું’ તેવી ધમકી આપી
આરોપીઓએ જાહેરમાં હુમલો કરવાની સાથે ફરીથી જાતિવિષયક અપમાનજનક શબ્દોનો પ્રયોગ કર્યો હતો. આસપાસ લોકોની હાજરી હોવા છતાં તેઓએ બૂમો પાડીને ધમકી આપી હતી કે, “જો તું અમારી સામે પડીશ તો તને જાનથી મારી નાખીશું અને તારા ઉપર ડમ્પર ચડાવી દઈશું.” આ ધમકી સાંભળીને આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક ત્યાં એકઠા થઈ ગયા હતા અને વચ્ચે પડીને સગીરનો બચાવ કર્યો હતો, જેથી આરોપીઓ કાર લઈને ત્યાંથી નાસી છૂટ્યા હતા.
આ પણ વાંચો: ઓવૈસીની પાર્ટી AIMIM એ UPની ચૂંટણીમાં BSP ને જોડાણની ઓફર કરી
ઈજાગ્રસ્ત સગીર હોસ્પિટલમાં દાખલ, પોલીસ તપાસ શરૂ
હુમલાની ઘટના બાદ પીડિતના કુટુંબી ભાઈએ મામલો થાળે પાડવા માટે આરોપી વિદ્યાર્થીને ફોન કરીને પૂછપરછ કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ ઉદ્ધત આરોપીએ ફોન પર પણ ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બીજી તરફ, કાનના ભાગે અસહ્ય દુખાવો થવાને કારણે સગીર વિદ્યાર્થીને તાત્કાલિક સારવાર અર્થે સતલાસણા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
પીડિતે ફરિયાદમાં સ્પષ્ટ કર્યું છે કે તે અનુસૂચિત જાતિનો હોવાનું જાણવા છતાં આરોપીઓએ તેનું અપમાન કરવાના ઈરાદે આ કૃત્ય આચર્યું છે. હાલ સતલાસણા પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો: ઉના કાંડના 10 વર્ષ: ન્યાય હજુ અધૂરો, ફેક્ટ ફાઈન્ડિંગ કમિટીનો દાવો











