મેરઠઃ યુપીના મેરઠમાં ગત 16 મેના રોજ થયેલી બીએની વિદ્યાર્થઈની લલિતા ગૌતમની હત્યા મામલે ન્યાયની માંગ સાથે બુધવારે કલેક્ટર કચેરી ખાતે આયોજિત દલિત મહાપંચાયત દરમિયાન ભારે હોબાળો થયો હતો. કચેરીનો મુખ્ય ગેટ બંધ કરાતા ભડકેલા પ્રદર્શનકારીઓને હટાવવા પોલીસે લાઠીચાર્જ કર્યો હતો, જ્યારે કસ્ટડીમાં લેવાયેલા એક વકીલે પોલીસ વાનની અંદર જ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.
મહાપંચાયતનું આયોજન અને ચક્કાજામ
છાત્રા લલિતા ગૌતમને ન્યાય અપાવવા અને દોષિતોને ફાંસીની સજા આપવાની માંગ સાથે કોંગ્રેસ નેતા હેમંત પ્રધાન અને દલિત સમાજના પ્રતિનિધિઓ દ્વારા મહાપંચાયત બોલાવાઈ હતી. પ્રદર્શનકારીઓને માત્ર આવેદનપત્ર આપવાની મંજૂરી હતી, પરંતુ મેરઠ ઉપરાંત નોઈડા, ગાઝિયાબાદ અને હાપુડથી હજારોની સંખ્યામાં લોકો કલેક્ટ્રેટ પહોંચી ગયા હતા. ભીડના ઉગ્ર વલણને જોઈને વહીવટીતંત્રે કલેક્ટ્રેટનો મુખ્ય દરવાજો બંધ કરી દીધો હતો. આનાથી નારાજ પ્રદર્શનકારીઓ મુખ્ય માર્ગ પર ધરણા પર બેસી ગયા હતા, જેના કારણે કલાકો સુધી ટ્રાફિક વ્યવસ્થા સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ હતી.

આ પણ વાંચો: રામ મંદિરમાંથી ચોરાયેલા 2000 કરોડ UBT-TMC ને તોડવામાં વપરાયા?
પોલીસ તંત્ર સાથે મડાગાંઠ અને લાઠીચાર્જ
રસ્તો જામ થવાની માહિતી મળતાં એસપી ગ્રામીણ અભિજીત કુમાર અને એસપી ટ્રાફિક રાકેશ કુમાર ભારે પોલીસ ફોર્સ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. અધિકારીઓએ પ્રદર્શનકારીઓને રસ્તો ખાલી કરવા કહ્યું હતું, પરંતુ પ્રદર્શનકારીઓ પોતાની ચાર મુદ્દાની માંગણીઓ પર અડગ રહ્યા હતા. આશરે 3 કલાક સુધી વિરોધ પ્રદર્શન ચાલ્યા બાદ SSP અવિનાશ પાંડે પોલીસ કાફલા સાથે ત્યાં પહોંચ્યા હતા. પ્રદર્શનકારીઓનો આરોપ છે કે SSP એ ઘટનાસ્થળે હાજર લોકોને થપ્પડ મારી હતી, ત્યારબાદ પોલીસે નિઃશસ્ત્ર પ્રદર્શનકારીઓ પર આડેધડ લાઠીચાર્જ શરૂ કર્યો હતો, જેમાં અનેક લોકો ઘાયલ થયા હતા.
અટકાયત અને વાનની અંદર આત્મહત્યાનો પ્રયાસ
પોલીસે કડક વલણ અપનાવીને કોંગ્રેસ નેતા હેમંત પ્રધાન, સુશીલ ગૌતમ, ડીએસપી જાટવ અને પ્રમોદ શેરગઢી સહિત આશરે 50 થી 60 પ્રદર્શનકારીઓની અટકાયત કરી પોલીસ લાઈન મોકલવા માટે વાનમાં બેસાડ્યા હતા. પ્રદર્શનકારીઓનો ગંભીર આરોપ છે કે ગુસ્સે ભરાયેલા એસએસપી અવિનાશ પાંડે જાતે પોલીસ વાનની અંદર ઘૂસ્યા હતા અને અટકાયત કરાયેલા લોકો સાથે મારામારી કરી હતી. પોલીસની આવી દાદાગીરી જોઈ નોઈડાથી આવેલા એડવોકેટ રવિ ગૌતમે વાનની અંદર જ પોતાના ગમછા વડે ફાંસો તૈયાર કરી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં વહીવટીતંત્રમાં દોડધામ મચી ગઈ હતી.
આ પણ વાંચો: દલિત યુવકે કામ કરવાની ના પાડતા વીજ કરંટ આપી હત્યા

પોલીસ તંત્રનો લૂલો બચાવ
બીજી તરફ, પોલીસે પ્રદર્શનકારીઓના તમામ આરોપોને પાયાવિહોણા ગણાવી નકારી કાઢ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર, અટકાયતમાં લેવાયેલા રવિ ગૌતમ અને દિગ્વિજય સિંહ ભાટી ભીડને ભડકાવવાનું કામ કરી રહ્યા હતા અને તેમનો જૂનો ગુનાહિત ઈતિહાસ પણ છે. પોલીસે આ બંને સામે માહોલ બગાડવાની કલમો હેઠળ નવો ગુનો નોંધ્યો છે અને કુલ ઝડપાયેલા લોકોમાંથી ૨૦ અગ્રણી નેતાઓ સામે નામજોગ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે.
આ પણ વાંચો: ઉના કાંડના 10 વર્ષ નિમિત્તે અમદાવાદમાં રાજ્ય કક્ષાનો સંકલ્પ કાર્યક્રમ યોજાશે











