ગીર અને તેની આસપાસના વિસ્તારોમાં છેલ્લાં કેટલાક સમયથી સિંહોના માણસ પર હુમલાની ઘટનાઓ વધી છે ત્યારે આજે ગિરનાર પર્વત પર એક અત્યંત ચોંકાવનારી ઘટના બની હતી. ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના મોડજ ગામથી ગિરનારની યાત્રાએ આવેલા પ્રવાસી પરિવારના 12 વર્ષના નિર્દોષ બાળક પર વહેલી સવારે એક સિંહે અચાનક હુમલો કર્યો હતો. સિંહ બાળકને પરિવારની નજર સામેથી જ જંગલ તરફ ખેંચી ગયો હતો. આ ઘટનાને પગલે સમગ્ર જૂનાગઢ પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. ઘટનાની જાણ થતાં જ વન વિભાગ અને પોલીસનો મોટો કાફલો સ્થળ પર દોડી ગયો હતો. હાલ સુરક્ષાના ભાગરૂપે ગિરનારની મુખ્ય સીડી પર શ્રદ્ધાળુઓની સામાન્ય અવરજવર તદ્દન બંધ કરી દેવામાં આવી છે.
50 પગથિયાં ચઢતાં જ સિંહે તરાપ મારી
બાળકના પરિવારજનોના જણાવ્યા મુજબ, તેઓ સવારે ગિરનારના પગથિયાં ચઢી રહ્યા હતા. ગેટથી અંદર પ્રવેશીને આશરે 50 જેટલા પગથિયાં ઉપર પહોંચ્યા ત્યારે અંધારામાંથી અચાનક એક સિંહે આવીને પાછળથી તેમના 12 વર્ષના ભત્રીજા મયુરસિંહ મહેન્દ્રસિંહ પર તરાપ મારી હતી.

આ પણ વાંચો: સંગઠિત થવાને બદલે વિખેરવાના માર્ગે આંબેડકરવાદી સંગઠનો
સિંહ બાળકને કાકાના હાથમાંથી જ આંચકીને ગાઢ જંગલ તરફ ભાગ્યો હતો, જેના કારણે યાત્રિકોમાં ભારે ચીસાચીસ અને દોડધામ મચી ગઈ હતી. ઘટના બાદ વન વિભાગ અને સ્થાનિકો દ્વારા જંગલમાં શોધખોળ કરવામાં આવતા બાળકના બૂટ, કપડાં અને શરીરના કેટલાક અવશેષો જ હાથ લાગ્યા હતા, જે દર્શાવે છે કે સિંહે બાળકને ફાડી ખાધો છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, છેલ્લા 3-4 દિવસથી આ સિંહ ગિરનારની સીડીઓની આસપાસ જ આટાફેરા કરતો જોવા મળતો હતો.
યાત્રિકોમાં ભારે રોષ
આ ઘટનાને પગલે પ્રવાસીઓ અને સ્થાનિક લોકોમાં વહીવટી તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. યાત્રિકોનો આક્ષેપ છે કે ગિરનારની મુખ્ય સીડીઓ પર લાઈટની કોઈ યોગ્ય વ્યવસ્થા નથી, જેના કારણે વહેલી સવારે કે રાત્રે અંધારામાં હિંસક વન્યજીવો બેઠા હોય તો પણ ખ્યાલ આવતો નથી. પરિવારે અહીં તાત્કાલિક લાઈટિંગની સગવડ કરવા અને ચોક્કસ અંતરે ફોરેસ્ટ ગાર્ડ તહેનાત કરવાની માંગ કરી છે.
બનાવની ગંભીરતાને જોતાં પોલીસે મુખ્ય સીડીનો આજુબાજુનો વિસ્તાર સીલ કરી દીધો છે અને શ્રદ્ધાળુઓને જટાશંકર નજીકની જૂની સીડી તરફથી ડાયવર્ટ કરવામાં આવ્યા છે. વન વિભાગની અલગ-અલગ ટીમો બનાવીને જંગલમાં સિંહની શોધખોળ શરૂ કરવામાં આવી છે અને તેને પકડવા માટે ઘટનાસ્થળની આસપાસ રેસ્કયૂ પાંજરા પણ ગોઠવી દેવાયા છે.

આ પણ વાંચો: રામ મંદિરમાં દાન ગણતા અનુકલ્પ મિશ્રાએ 3 વર્ષમાં ફાર્મહાઉસ-ઘર ખરીદ્યા
ગીર અને આસપાસના વિસ્તારોમાં માનવ-સિંહ વચ્ચે સંઘર્ષ વધ્યો
છેલ્લા 1 મહિનામાં જૂનાગઢ, અમરેલી અને ગીર-સોમનાથ જિલ્લાના બોર્ડર વિસ્તારોમાં સિંહો દ્વારા મનુષ્યો પર હુમલા કરવાની અને પશુધનને નુકસાન પહોંચાડવાની 3થી વધુ ઘટનાઓ નોંધાઈ ચૂકી છે. વન્યજીવ નિષ્ણાતો અને ઇન્ટરનેટ પર ઉપલબ્ધ પર્યાવરણીય અહેવાલો મુજબ, આ વિસ્તારોમાં સિંહોના હુમલા વધવા પાછળ અનેક કારણો જવાબદાર છે.
રેડિયો કોલર ઇન્ફેક્શન અને અકળામણ: વન વિભાગ દ્વારા સિંહોના લોકેશન ટ્રેક કરવા માટે તેમના ગળામાં રેડિયો કોલર લગાવવામાં આવે છે. ચોમાસા દરમિયાન કે ભેજવાળા વાતાવરણમાં આ કોલરના કારણે સિંહોના ગળાના ભાગે ગંભીર ઇન્ફેક્શન (મેગોટ્સ) થવાના કિસ્સા બને છે. આ શારીરિક પીડા અને અકળામણના કારણે સિંહો અત્યંત આક્રમક (Irritated) બની જાય છે અને સામે આવતા મનુષ્યો પર હુમલો કરી બેસે છે.
આ પણ વાંચો: ‘ચંપત રાયના બોયફ્રેન્ડ હોય છે, છોકરાઓ વિના ઉંઘ નથી આવતી!’
ક્ષમતા કરતા વધુ વસ્તીઃ ગીર અભયારણ્યની ભૌગોલિક ક્ષમતા કરતાં સિંહોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. પોતાનો ચોક્કસ વિસ્તાર નક્કી કરવા માટે નર સિંહો વચ્ચે અંદરોઅંદર લડાઈ થાય છે, જેના કારણે નબળા કે યુવાન સિંહો અભયારણ્યની બહાર નીકળીને ગિરનારની સીડીઓ, મહેસૂલી વિસ્તારો અને માનવ વસાહતો તરફ સ્થળાંતર કરી રહ્યા છે.
ખોરાક અને પાણીની શોધ: ઉનાળા અને ચોમાસાની શરૂઆતમાં જંગલની અંદર કુદરતી પાણીના સ્ત્રોત સુકાઈ જવાથી અથવા સ્થળાંતર થવાથી સિંહો પાણી અને શિકારની શોધમાં રેવન્યુ વિસ્તારો તરફ આવે છે, જ્યાં માનવ સંઘર્ષ અનિવાર્ય બને છે.
આ પણ વાંચો: ઉના કાંડના 10 વર્ષ: ન્યાય હજુ અધૂરો, ફેક્ટ ફાઈન્ડિંગ કમિટીનો દાવો











