દલિત વિદ્યાર્થીનીએ સવાલ પૂછતા શિક્ષિકાએ કહ્યું, ‘તું ચમારી છે…’

દલિત વિદ્યાર્થીનીએ ક્લાસમાં સવાલ કરતા શિક્ષિકા અપૂર્વા શર્માએ, ‘તું ચમારી, બીજાની વકીલાત કરવાનું બંધ કરી દે’ કહીને જાહેરમાં અપમાનિત કરી!
dalit news
Ai jenerated image

શિક્ષણ જગતમાં શિક્ષકનું સ્થાન સર્વોપરી માનવામાં આવે છે. એક આદર્શ શિક્ષકની પવિત્ર ફરજ છે કે તેમની નજરમાં તમામ વિદ્યાર્થીઓ સમાન હોવા જોઈએ અને કોઈની પણ સાથે જ્ઞાતિ, ધર્મ કે લિંગના આધારે ભેદભાવ ન થાય. પરંતુ કમનસીબે, આજે પણ ભારતમાં આંગણવાડીથી લઈને યુનિવર્સિટીઓ સુધી અમુક ચોક્કસ માનસિકતા ધરાવતા લોકો અડિંગો જમાવીને બેસી ગયા છે, જેઓ દલિતો સાથે તેમની જાતિના આધારે ભેદભાવ કરવાની એકપણ તક ચૂકતા નથી.

આવી જ એક ઘટના રાજસ્થાનના ચુરુ જિલ્લાની ગવર્મેન્ટ લો કોલેજમાંથી સામે આવી છે, જ્યાં એક બ્રાહ્મણ શિક્ષિકાએ એક દલિત વિદ્યાર્થીનીએ ક્લાસમાં સવાલ પૂછતા તેને જાતિસૂચક અપશબ્દો કહીને જાહેરમાં ઉતારી પાડી હતી. આ મામલે હવે યુવતીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, પરંતુ તેમ છતાં મનુવાદી શિક્ષિકા સામે કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી.

આ પણ વાંચો: સુપ્રીમ કોર્ટે UGCના નવા નિયમો પર સ્ટે મૂક્યો, કેન્દ્ર સરકાર પાસે માંગ્યો જવાબ

મામલો શું હતો?

મળતી માહિતી મુજબ, આ કોલેજમાં લો (LL.B.) ના ત્રીજા સેમેસ્ટરમાં અભ્યાસ કરતી દલિત વિદ્યાર્થિની મીના મેઘવાલે આરોપ લગાવ્યો છે કે તેની પ્રોફેસર અપૂર્વ શર્મા દ્વારા તેનું સતત માનસિક શોષણ કરવામાં આવ્યું છે. ઘટનાની શરૂઆત ડિસેમ્બર 2025માં થઈ હતી, જ્યારે કોલેજમાં આયોજિત એક શૈક્ષણિક કાર્યક્રમ દરમિયાન મીનાએ જિજ્ઞાસાવશ પ્રોફેસરને એક પ્રશ્ન પૂછ્યો હતો. એક વિદ્યાર્થી તરીકે પ્રશ્ન પૂછવો એ તેનો અધિકાર હતો, પરંતુ પ્રોફેસરને આ ગમ્યું નહીં. સવાલનો જવાબ આપવાને બદલે પ્રોફેસર ઉશ્કેરાઈ ગયા હતા અને જાહેરમાં મીનાને “ચમારી” કહીને ઉતારી પડી હતી. એટલું જ નહીં, પ્રોફેસરે તેને હડધૂત કરતા કડવા શબ્દોમાં કહ્યું હતું કે, “તું નીચી જાતિની છે, તારે બીજાની વકીલાત ન કરવી જોઈએ.”

શિક્ષિકાએ કરિયર ખતમ કરી દેવાની ધમકી આપી?

મીના મેઘવાલ અને તેના પિતા ટોરુરામ મેઘવાલે પોલીસ ફરિયાદમાં ગંભીર આક્ષેપો કર્યા છે કે પ્રોફેસરની હેરાનગતિ માત્ર શબ્દો સુધી મર્યાદિત નહોતી. પ્રોફેસર અપૂર્વ શર્માએ કિન્નાખોરી રાખીને મીનાને પ્રેક્ટિકલ પરીક્ષામાં પણ ફેલ કરી દીધી હતી, જેથી તેનું શૈક્ષણિક વર્ષ બગડે અને તેનું ભવિષ્ય અંધકારમય બને. મીનાનું કહેવું છે કે પ્રોફેસર ઈચ્છતા જ નથી કે તે ભણી-ગણીને વકીલ બને. આ મામલે કોલેજ પ્રશાસન અને ઉચ્ચ અધિકારીઓને વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ સવર્ણ માનસિકતા ધરાવતા વહીવટી તંત્રે લાંબા સમય સુધી આ ગંભીર ફરિયાદ પર મૌન સેવ્યું હતું. છેવટે કોઈ ન્યાય ન મળતા, વિદ્યાર્થિનીએ હિંમત ભેગી કરી 27 ફેબ્રુઆરીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

આ પણ વાંચો: આણંદના કાવઠની બે સગી બહેનોએ PSI બની ઈતિહાસ રચ્યો

શૈક્ષણિક સંસ્થાઓમાં વ્યાપેલો જાતિગત પૂર્વગ્રહ

આ ઘટના શિક્ષણ જગતની એ કાળી બાજુને ઉજાગર કરે છે જ્યાં દલિત-બહુજન સમાજના બાળકોને ધિક્કારવામાં આવે છે. શિક્ષણ સંસ્થાઓમાં ચોક્કસ જાતિના લોકોનો પ્રભાવ એટલો વધી ગયો છે કે તેઓ અન્ય સમાજના પ્રતિભાશાળી બાળકોને આગળ વધતા રોકવા માટે કોઈપણ હદ સુધી જઈ શકે છે. જ્યારે દલિત બાળકો પોતાની મહેનતથી ઉચ્ચ શિક્ષણ મેળવવા મથે છે, ત્યારે આવા જ્ઞાતિવાદી તત્વો તેમને જાતિના નામે ઉતારી પાડવા અને માનસિક રીતે તોડી પાડવાના પ્રયાસો કરે છે. ચુરુના આરપીએસ સુનીલ કુમાર ઝાઝડિયા આ કેસની ગંભીરતાથી તપાસ કરી રહ્યા છે અને પ્રાથમિક તપાસમાં અન્ય દલિત વિદ્યાર્થીઓએ પણ કોલેજમાં થતા ભેદભાવની પુષ્ટિ કરી છે.

UGC ના નવા નિયમો ઝડપથી લાગુ કરવા જરૂરી

આ સમગ્ર મામલો સૂચવે છે કે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) દ્વારા જે એન્ટી-ડિસ્ક્રિમિનેશન (ભેદભાવ વિરોધી) નિયમો બનાવવામાં આવ્યા છે, તેનો અમલ માત્ર કાગળ પર નહીં પણ વાસ્તવમાં થવો જોઈએ. શિક્ષણ જગતમાં જ્ઞાતિવાદના નામે દીકરીઓના સપના રોળનારા તત્વો સામે દાખલારૂપ કાર્યવાહી થવી જોઈએ. હવે સૌની નજર પોલીસ તપાસ પર છે કે શું આ દલિત દીકરીને ન્યાય મળશે કે પછી ફરી જાતિવાદી તત્વોની દાદાગીરી કામ કરી જશે.

આ પણ વાંચો: UGC ના સમાનતાના નિયમ સામે સવર્ણોને શું વાંધો છે?

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
પ્રેમલગ્નોમાં માતાપિતાની સહી ફરજિયાત કરવા વિશે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x