વર્તમાન વૈશ્વિક રાજકારણના વહેણમાં ભારત જેવા વિશાળ લોકશાહી દેશની ભૂમિકા અત્યંત નિર્ણાયક બની રહી છે. તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઈઝરાયેલ મુલાકાત અને તે દરમિયાનના તેમના નિવેદનોએ ભારતની પરંપરાગત વિદેશ નીતિ અને નૈતિક મૂલ્યો પર અનેક ગંભીર પ્રશ્નાર્થો ઊભા કર્યા છે. જ્યારે વિશ્વ યુદ્ધના ઉંબરે ઊભું હોય, ત્યારે એક બુદ્ધની ધરતી તરીકે ભારતની ભૂમિકા શાંતિ સ્થાપવાની હોવી જોઈએ, નહીં કે કોઈ ચોક્કસ પક્ષની માર્કેટિંગ કરવાની.
યુદ્ધના મેદાનમાં ‘બુદ્ધ’ ની ગેરહાજરી કેમ?
પીએમ મોદી ઈરાન પરના હુમલાની આશંકાઓ વચ્ચે ઈઝરાયેલની મુલાકાતે ગયા, ત્યારે આખું વિશ્વ ભારત તરફ જોઈ રહ્યું હતું. અપેક્ષા એવી હતી કે પીએમ મોદી ભારતને ગૌતમ બુદ્ધ અને મહાત્મા ગાંધીના દેશ તરીકે રજૂ કરશે. ભારતની ઓળખ હંમેશા ‘યુદ્ધ નહીં પણ બુદ્ધ’ ના સંદેશાથી રહી છે. પરંતુ, પોતાના ભાષણમાં તેમણે ઈઝરાયેલના ગામડાઓ સુધી બુદ્ધનો અહિંસાનો સંદેશ પહોંચાડવાને બદલે, ઈઝરાયેલની ટેકનોલોજીને ભારતના ગામડાઓ સુધી પહોંચાડવાની વાત કરી.

આ પણ વાંચો: વડા પ્રધાન નરેન્દ્ર મોદી ખરેખર કદી રજા નથી લેતા?
આ નિવેદન એવા સમયે આવ્યું જ્યારે ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે યુદ્ધની જ્વાળાઓ ભભૂકી રહી હતી. પ્રશ્ન એ થાય છે કે શું પીએમ મોદી ઈઝરાયેલની એ ટેકનોલોજીની વાત કરી રહ્યા છે, જેનો ઉપયોગ ઈરાન પરના હુમલા દરમિયાન એક શાળાને નિશાન બનાવવા માટે થયો હતો? એ હુમલામાં 100 થી વધુ નિર્દોષ વિદ્યાર્થીનીઓના કરુણ મોત થયા હતા. શું લોકશાહીના રક્ષક તરીકે આપણે આવી હિંસક ટેકનોલોજીના પ્રચારક બનવું જોઈએ?

પીએમ મોદીની એવોર્ડ મેળવવાની ઘેલછા
પીએમ મોદીની કાર્યશૈલીમાં એક વાત વારંવાર ઉભરી આવે છે, અને તે છે આંતરરાષ્ટ્રીય મંચ પર એવોર્ડ મેળવવાની ઘેલછા. ટીકાકારો માને છે કે તેમની માનસિકતા એક એવા સ્કૂલે જતા બાળક જેવી છે જે યુનિફોર્મ પહેરીને સ્ટેજ પર એવોર્ડ લેવા માટે ઉતાવળું હોય છે. આ મુલાકાતનો સમય પણ શંકાસ્પદ છે. મોદીના ઈઝરાયેલથી પરત ફરતાની સાથે જ ઈરાન અને અમેરિકાએ સંયુક્ત રીતે ઈરાન પર હુમલો કર્યો. આટલી મોટી ઘટના છતાં વડાપ્રધાનનું મૌન ઘણું બધું કહી જાય છે.
આ પણ વાંચો: આયાતુલ્લા ખામેનેઈનું મોત કે માત્ર અફવા?
ઈરાન ભારતનું પરંપરાગત અને વર્ષો જૂનું મિત્ર રહ્યું છે. સંકટના સમયે ઈરાને હંમેશા ભારતનો સાથ આપ્યો છે. આમ છતાં, ઈરાન પરના હુમલા અંગે કંઈ પણ ન બોલવું એ સાબિત કરે છે કે ભારત હવે પોતાની સ્વતંત્ર વિદેશ નીતિ ગુમાવી રહ્યું છે અને અમેરિકાના દબાણ હેઠળ જીવી રહ્યું છે.
શું ભારત અમેરિકાના દબાણ હેઠળ છે?
ભારત અત્યારે અમેરિકાને ખુશ કરવા માટે રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરી રહ્યું છે, જેનાથી આપણું સૌથી જૂનું અને વિશ્વાસુ મિત્ર રશિયા નારાજ થઈ રહ્યું છે. બીજી તરફ, ઈઝરાયેલ સાથે ખુલ્લેઆમ ઊભા રહીને આપણે ઈરાન સાથેની મિત્રતાને પણ જોખમમાં મૂકી છે. આપણે એવા અમેરિકાના પક્ષમાં ઊભા છીએ જેણે ક્યારેય ભારતનું ભલું ઈચ્છ્યું નથી. અમેરિકાએ હંમેશા પાકિસ્તાનને હથિયારો અને આર્થિક મદદ પૂરી પાડી છે.
ડોનાલ્ડ ટ્રમ્પ અને અમેરિકી વહીવટીતંત્ર સતત ભારતનું અપમાન કરી રહ્યા છે. ટ્રમ્પ દુનિયાને ડરાવે છે કે ઈરાન પાસે પરમાણુ શક્તિ હોવી એ ખતરો છે. તો શું પાકિસ્તાન પાસેની પરમાણુ શક્તિ વિશ્વમાં શાંતિ ફેલાવવા માટે છે? વાસ્તવમાં, માનવજાતના ઇતિહાસમાં પરમાણુ બોમ્બનો ઉપયોગ કરનાર એકમાત્ર દેશ અમેરિકા છે. જાપાનના હિરોશિમા અને નાગાસાકી આજે પણ તે વિનાશના સાક્ષી છે. શું એવા દેશ પર વિશ્વાસ મૂકી શકાય જેણે તેલના કુવાઓ પર કબજો કરવા માટે ઈરાક પર ખોટા આરોપો લગાવ્યા અને વેનેઝુએલામાં દાદાગીરી કરી?
આ પણ વાંચો: બ્રાહ્મણવાદ જિંદાબાદ’ના નારા લગાવતી મેઘા લવારિયની બોલતી બંધ!
પીએમ મોદીના નિર્ણયોમાં વિદેશ નીતિની કુશળતા નથી
જો ઈરાન પર અમેરિકાનો પૂર્ણ કબજો થઈ જશે, તો તેની સૌથી માઠી અસર ભારત પર પડશે. ટ્રમ્પ તેલના ભાવોમાં હેરાફેરી કરીને ભારત જેવા દેશોને આર્થિક રીતે ઘૂંટણિયે લાવી દેશે. સવાલ એ પણ છે કે શું કાશ્મીર મુદ્દે ઈઝરાયેલે ક્યારેય ભારતનો સાથ આપ્યો છે? જવાબ ‘ના’ છે. જ્યારે ઈરાને અનેક આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતનો પક્ષ લીધો છે.
વડાપ્રધાન મોદીના આ નિર્ણયો વિદેશ નીતિની કુશળતા નથી, પરંતુ દબાણ હેઠળ લેવાયેલા ડરપોક નિર્ણયો છે. પછી તે ટ્રેડ ડીલ હોય, અમેરિકી ખેડૂતો માટે ભારતનું કૃષિ બજાર ખોલવાની વાત હોય કે ટેરિફ વધારવાનો મુદ્દો હોય – દરેક જગ્યાએ મોદી સરકાર નબળી સાબિત થઈ રહી છે. વ્યક્તિગત પ્રતિષ્ઠા વધારવાના ચક્કરમાં દેશની સાર્વભૌમત્વ અને આર્થિક સુરક્ષા સાથે સમાધાન કરવામાં આવી રહ્યું છે.
ભારતને એવા નેતૃત્વની જરૂર છે જે અમેરિકા કે ઈઝરાયેલની આંખોમાં આંખ મિલાવીને વાત કરી શકે. દેશ અને સમાજનું હિત ત્યારે જ જળવાશે જ્યારે આપણે કોઈના હાથની કઠપૂતળી બનવાને બદલે આપણી પોતાની ‘અલિપ્તતા’ (Non-Alignment) ની નીતિ પર પાછા ફરીશું. જો પીએમ મોદી ઈઝરાયેલમાં ટેકનોલોજીને બદલે બુદ્ધના ‘અપ્પ દીપો ભવ’ ના સંદેશ પર ભાર મૂક્યો હોત, તો આજે ભારત વિશ્વ શાંતિનું સાચું પ્રતીક બન્યું હોત.
આ પણ વાંચો: શરમજનક! એક ડોલ પાણીમાં માત્ર બે પેકેટ દૂધ નાખી બાળકોને પીવડાવ્યું











