સુરત: દક્ષિણ ગુજરાતના આર્થિક અને શૈક્ષણિક કેન્દ્ર ગણાતા સુરત શહેરમાં એક એવી હૃદયદ્રાવક ઘટના બની છે, જેણે આખા ગુજરાતને સ્તબ્ધ કરી દીધું છે. સુરતના ડીંડોલી વિસ્તારમાં આવેલા સણીયા કણદે રોડ પરના આત્મીય સંસ્કારધામ સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી બે વિદ્યાર્થિનીઓના મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.
મામલો શું હતો?
મૃતક યુવતીઓની ઓળખ 18 વર્ષીય રોશની શરદ શિરસાઠ અને 20 વર્ષીય જ્યોત્સના અતુલ ચૌધરી તરીકે થઈ છે. બંને યુવતીઓ ઉધનાની સિટીઝન કોલેજમાં અભ્યાસ કરતી હતી. શુક્રવારે સવારે 7 વાગ્યે બંને સખીઓ રાબેતા મુજબ કોલેજ જવા માટે ઘરેથી નીકળી હતી. પરિવારજનોના જણાવ્યા મુજબ, સામાન્ય રીતે તેઓ બપોરે 12:30 વાગ્યા સુધીમાં ઘરે પરત ફરી જતી હતી. જોકે, ગઈકાલે બપોર વીતી જવા છતાં બંને ઘરે ન પહોંચતા પરિવારે ચિંતામાં મુકાઈને તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. લાંબા સમય સુધી ફોન ન ઉપાડ્યા બાદ અને કોઈ પ્રતિસાદ ન મળતા આખરે પરિવારે પોલીસની મદદ લીધી હતી.

આ પણ વાંચો: દલિત વિદ્યાર્થીની પર શિક્ષકે 20 દિવસ સુધી રેપ કરી ગર્ભપાત કરાવ્યો
ડીંડોલી પોલીસે મામલાની ગંભીરતા સમજી ટેકનિકલ સર્વેલન્સ અને મોબાઈલ લોકેશનના આધારે તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન તેમનું છેલ્લું લોકેશન સણીયા ગામના સ્વામિનારાયણ મંદિર પાસે મળ્યું હતું. જ્યારે પરિવાર અને પોલીસ ત્યાં પહોંચ્યા ત્યારે પરિસરમાં તેમની સ્કૂટી મળી આવી હતી. મંદિરના સીસીટીવી ફૂટેજ ચેક કરતા જાણવા મળ્યું કે બંને યુવતીઓ સવારે 7:15 વાગ્યે મંદિરમાં પ્રવેશી હતી અને 7:30 વાગ્યે બાથરૂમ તરફ જઈ અંદરથી દરવાજો બંધ કરી દીધો હતો. બાથરૂમનો દરવાજો તોડતા જ અંદર બંનેના નિષ્પ્રાણ દેહ મળી આવ્યા હતા.

ChatGPT પર કેવી રીતે આત્મહત્યા કરવી તે સર્ચ કર્યું
આ કેસમાં સૌથી વધુ ચોંકાવનારી અને ચિંતાજનક બાબત પોલીસ તપાસમાં સામે આવી છે. તપાસ દરમિયાન રોશની શિરસાઠના મોબાઈલ ફોનમાં જોવા મળ્યું કે તેણે આત્મઘાતી પગલું ભરતા પહેલા AI પ્લેટફોર્મ ChatGPT પર ‘How to commit suicide’ (આત્મહત્યા કઈ રીતે કરવી) સર્ચ કરીને જીવન ટૂંકાવવાની રીતો વિશે જાણકારી મેળવી હતી.
ઘટનાસ્થળેથી પોલીસને ઇન્જેક્શનની સિરીંજ, દવાની ત્રણ બોટલો અને ઝેરના પડીકા મળી આવ્યા છે. આ પુરાવાઓ સૂચવે છે કે યુવતીઓએ ઇન્ટરનેટ પરથી સર્ચ કરેલી પદ્ધતિ મુજબ કોઈ ઝેરી દવાનો ઓવરડોઝ લીધો હતો અથવા ઇન્જેક્શન દ્વારા શરીરમાં ઝેર દાખલ કર્યું હતું. એફએસએલ (FSL)ની ટીમ હાલ આ દવાઓ અને ઇન્જેક્શનના ઘટકોની તપાસ કરી રહી છે.
આ પણ વાંચો: ટોઈલેટ સાફ કરતો છોકરો કેવી રીતે દુનિયાનો ‘સેમિકન્ડક્ટર કિંગ’ બન્યો?
બંને વિદ્યાર્થીનીઓ રહસ્યમય મિત્રતા
રોશની અને જ્યોત્સના બાળપણની સખીઓ હતી. તેઓ પહેલા ધોરણથી બારમા ધોરણ સુધી સાથે જ ભણી હતી. જોકે કોલેજમાં આવ્યા બાદ તેઓ અલગ થઈ હતી, છતાં તેમની મિત્રતા અકબંધ હતી. આટલી ગાઢ મિત્રતા અને ભવિષ્યના સપનાઓ વચ્ચે અચાનક આવો અંત કેમ આવ્યો? શું આ પાછળ કોલેજનું ભારણ હતું, કોઈ અંગત સમસ્યા હતી કે માનસિક તણાવ? આ સવાલો હાલ પોલીસ અને પરિવાર માટે કોયડો બન્યા છે. ડીંડોલીના પી.આઈ. આર. જે. ચુડાસમાના જણાવ્યા મુજબ, હાલ અકસ્માત મોતનો ગુનો નોંધી ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરાઈ છે.
સમાજ માટે એક લાલબત્તી સમાન કિસ્સો
આ ઘટના આજના ડિજિટલ યુગમાં એક મોટી લાલબત્તી સમાન છે. જ્યારે યુવા પેઢી ગૂગલ કે AI જેવા પ્લેટફોર્મ પર સમસ્યાના ઉકેલને બદલે મૃત્યુના રસ્તા શોધતી હોય, ત્યારે સમાજે વિચારવાની જરૂર છે. વાલીઓએ પોતાના સંતાનોના વ્યવહાર અને તેમની ડિજિટલ પ્રવૃત્તિઓ પ્રત્યે વધુ સજાગ રહેવું પડશે. યુવાનોમાં વધતું જતું માનસિક તણાવ અને એકલતા તેમને આવા ભયાનક અંત તરફ ધકેલી રહ્યા છે. શું આપણે ટેકનોલોજીની દોડમાં આપણા બાળકો સાથેનો સંવાદ ગુમાવી રહ્યા છીએ?
આ પ્રશ્ન આજના દરેક વાલી માટે વિચારવા લાયક છે. આશાસ્પદ યુવતીઓના આવા કરુણ મોતે સમગ્ર સુરતને ગમગીન કરી દીધું છે. પોલીસ હાલ આ મામલે એ.ડી (અકસ્માત મોત) ક્રમાંક 32, 33/2026 મુજબ તપાસ કરી રહી છે. પીએમ રિપોર્ટ અને એફએસએલ રિપોર્ટ બાદ જ મોતના ચોક્કસ કારણો અને વપરાયેલા કેમિકલ વિશે સ્પષ્ટતા થશે.
આ પણ વાંચો: મંદિરમાં મહંતની મહિલા સાથેની લિવ-ઈન રિલેશનશીપથી બાળક જન્મ્યું!










