મેંદરડામાં બે દલિત પ્રમુખને ટર્મ પુરી થાય તે પહેલા પદ છોડવા મજબૂર કરાયા

જૂનાગઢના મેંદરડામાં બે દલિત પ્રમુખોને ટર્મ પૂરી થાય તે પહેલા માનસિક ત્રાસ આપી રાજીનામું આપવા મજબૂર કરાતા વિવાદ સર્જાયો છે.
Dalit leaders in Mendarda forced to resign

જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકા પંચાયતનું રાજકારણ હાલ જ્ઞાતિવાદ અને ભેદભાવના ગંભીર આક્ષેપોથી ગરમાયું છે. સત્તાના નશામાં ચૂર જાતિવાદી તત્વો દ્વારા અનુસૂચિત જાતિના પ્રતિનિધિઓને કઈ રીતે હેરાન કરવામાં આવે છે અને તેમને બંધારણીય હોદ્દા પરથી કઈ રીતે હટાવવામાં આવે છે તેનું વરવું ઉદાહરણ અહીં જોવા મળ્યું છે. તાજેતરમાં મેંદરડા તાલુકા પંચાયતના પ્રમુખ જયકિશનભાઈ માકડીયાએ તેમની અઢી વર્ષની ટર્મ પૂર્ણ થવાના માત્ર ત્રણ જ દિવસ પહેલા રાજીનામું આપી દેતા સમગ્ર જિલ્લામાં ખળભળાટ મચી ગયો છે.

જિલ્લા પંચાયત પ્રમુખ હરેશ ઠુંમર સામે અનેક આક્ષેપ

મેંદરડા તાલુકા પંચાયતના પ્રમુખના રાજીનામા બાદ જૂનાગઢ અનુસૂચિત જાતિ સમાજના પ્રમુખ દેવદાન મુછડિયાએ મેદાનમાં આવી જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશ ઠુંમર સામે આકરા પ્રહારો કર્યા છે. દેવદાનભાઈએ જાહેરમાં આક્ષેપ કર્યો છે કે જૂનાગઢ જિલ્લાની 9 તાલુકા પંચાયતોમાંથી માત્ર મેંદરડામાં જ દલિત પ્રમુખ હોવાથી હરેશ ઠુંમર દ્વારા તેમને સ્વતંત્ર રીતે વહીવટ કરવા દેવામાં આવતો નહોતો.

આ પણ વાંચો: ટોઈલેટ સાફ કરતો છોકરો કેવી રીતે દુનિયાનો ‘સેમિકન્ડક્ટર કિંગ’ બન્યો?

રાજકીય વર્ચસ્વ જમાવવા માટે ભાજપના સંસ્કારોનું ચીરહરણ કરીને એક સામાન્ય પરિવારના દલિત દીકરાને પદ છોડવા મજબૂર કરવામાં આવ્યો છે. આ મામલે પ્રદેશ નેતાગીરી અને જગદીશ વિશ્વકર્માને લેખિત ફરિયાદ કરવામાં આવી છે. દલિત સમાજે માંગ કરી છે કે જો પક્ષના હોદ્દેદારો જ આવી રીતે જાતિવાદ ફેલાવતા હોય, તો આગામી ચૂંટણીમાં તેમની ટિકિટ કાપવી જોઈએ. જોકે, હરેશ ઠુંમરે આ તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવી પોતે ભાઈચારામાં માનતા હોવાનો બચાવ કર્યો છે.

સવર્ણ અધિકારીઓનું પૂર્વગ્રહયુક્ત વલણ

જયકિશનભાઈ માકડીયાએ રાજીનામું આપતી વખતે માત્ર રાજકીય નેતાઓ જ નહીં, પણ વહીવટી તંત્રના અધિકારીઓ સામે પણ રોષ ઠાલવ્યો છે. તેમણે જિલ્લા વિકાસ અધિકારીને મોકલેલા પત્રમાં ચોંકાવનારા ખુલાસા કર્યા છે. પ્રમુખના જણાવ્યા મુજબ, તાલુકા વિકાસ અધિકારી (TDO) અને બાંધકામ શાખાના ઇજનેર દ્વારા તેમની સાથે સતત જ્ઞાતિવાદ આધારિત ભેદભાવ રાખવામાં આવતો હતો. પ્રમુખે વ્યથા ઠાલવી હતી કે તેઓ અનુસૂચિત જાતિના હોવાથી ઉચ્ચ જ્ઞાતિના અધિકારીઓ તેમનું વર્ચસ્વ સ્વીકારવા તૈયાર નહોતા. વિકાસના કામોની ફાઈલો અટકાવી દેવી, પ્રોટોકોલનું પાલન ન કરવું અને જાણીજોઈને વહીવટી અડચણો ઊભી કરવી એ રોજિંદી પ્રક્રિયા બની ગઈ હતી. જ્યારે એક ચૂંટાયેલો પ્રમુખ પોતાના હોદ્દાનું સન્માન જાળવી ન શકે તેવી સ્થિતિ નિર્માણ કરવામાં આવે, ત્યારે તે માનસિક અત્યાચારની પરાકાષ્ઠા છે.

આ પણ વાંચો: જામનગરના સિક્કામાં SSD દ્વારા માતંગ સાહેબની જન્મ જયંતિ ઉજવાઈ

આયોજનબદ્ધ અપમાન: મિનિટબુકમાં સહીઓ છેકી નખાઈ

વહીવટી તંત્ર દ્વારા એક દલિત પ્રમુખનું કઈ રીતે પદ્ધતિસર અપમાન કરવામાં આવતું હતું તેનું ઉદાહરણ આપતા જયકિશનભાઈએ જણાવ્યું કે, 9 સપ્ટેમ્બર 2025ની બેઠકમાં તેઓ પોતે હાજર હતા અને કાર્યવાહીમાં ભાગ લીધો હતો, તેમ છતાં પાછળથી મિનિટબુકમાં તેમની સહીઓ છેકી નાખી તેમને ગેરહાજર બતાવવામાં આવ્યા હતા. આ હદની અવમાનના ભાગ્યે જ ક્યાંય જોવા મળી હશે. આટલું જ નહીં, 26 ફેબ્રુઆરી 2026 અને 16 માર્ચ 2026ની નિર્ધારિત આયોજન બેઠકો પણ કોઈપણ પૂર્વ જાણકારી વગર માત્ર ટેલિફોનિક રીતે રદ કરી દેવામાં આવી હતી. પ્રમુખની સત્તાને બાયપાસ કરીને અધિકારીઓ પોતાની મરજી મુજબ કામ કરતા હતા, જે સાબિત કરે છે કે મેંદરડામાં લોકશાહી નહીં પણ જાતિવાદી અમલદારશાહી ચાલી રહી હતી.

અગાઉ પણ દલિત મહિલા પ્રમુખનો ભોગ લેવાયો હતો

મેંદરડા તાલુકા પંચાયતમાં દલિત પ્રતિનિધિઓને હટાવવાનો આ એક સુનિયોજિત ખેલ હોય તેમ જણાય છે. આ અગાઉ 26 જુલાઈ 2024ના રોજ દલિત મહિલા પ્રમુખ દયાબેન મકવાણાએ પણ ટર્મ પૂરી થાય તે પહેલા જ પદત્યાગ કરવો પડ્યો હતો. તે સમયે પણ તેમના પતિએ આક્ષેપ કર્યો હતો કે અનુસૂચિત જાતિના હોવાના કારણે ઉચ્ચ હોદ્દેદારો તેમને કામ કરવા દેતા નહોતા અને સતત અપમાનિત કરતા હતા. આમ, સતત બે દલિત પ્રમુખોને અધવચ્ચે પદ છોડવા મજબૂર કરવા એ સ્પષ્ટ સંકેત છે કે અહીં ચોક્કસ લોબી દલિતોને નેતૃત્વના સ્થાને સહન કરી શકતી નથી. રાજકીય કિન્નાખોરી અને જ્ઞાતિવાદના આ સમન્વયે મેંદરડાના રાજકારણને કલંકિત કર્યું છે.

આ પણ વાંચો: બિહારમાં ડે.કલેક્ટર વન-કન્યાએ બંધારણની સાક્ષીએ બૌદ્ધ રીતિ રિવાજથી લગ્ન કર્યા

દલિતોના બંધારણીય અધિકારો પર જાતિવાદની તરાપ

મેંદરડાની આ ઘટનાઓ દર્શાવે છે કે આજે પણ પંચાયતી રાજમાં દલિતોની સ્થિતિ દયનીય છે. અનામતને કારણે પદ તો મળે છે, પણ તે પદ ભોગવવા દેવામાં આવતું નથી. જ્યારે ચૂંટાયેલા દલિત લોકપ્રતિનિધિઓ આ રીતે પદ છોડવા મજબૂર બને, ત્યારે તે સમાજમાં અસલામતી અને અસંતોષની લાગણી જન્માવે છે. જો તંત્ર અને શાસક પક્ષ આવા જાતિવાદી તત્વો સામે કડક પગલાં નહીં ભરે, તો ભવિષ્યમાં કોઈ દલિત યુવાન રાજકારણમાં આવતા ડરશે. મેંદરડાનો આ કિસ્સો માત્ર બે રાજીનામા નથી, પણ ગુજરાતના રાજકારણમાં હજુ પણ જીવંત એવા જાતિવાદનો જીવતો જાગતો પુરાવો છે.

આ પણ વાંચો: જાતિવાદી તત્વો મધરાતે ડો.આંબેડકરની પ્રતિમાનું મોં કાળું કરી ફરાર

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
પ્રેમલગ્નોમાં માતાપિતાની સહી ફરજિયાત કરવા વિશે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x