દેશના અગ્રણી એડ્યુ-ટેક પ્લેટફોર્મ ફિઝિક્સવાલા (PW) હાલમાં એક ગંભીર વિવાદના વમળમાં ફસાયું છે. આ વિવાદનું મુખ્ય કારણ કંપનીના એક શિક્ષક દ્વારા લાઈવ ક્લાસ દરમિયાન કરવામાં આવેલું જાતિવાદી નિવેદન છે. હજારો વિદ્યાર્થીઓ જ્યારે ઓનલાઈન માધ્યમથી અભ્યાસ કરી રહ્યા હતા, ત્યારે આ શિક્ષકે અચાનક જ દલિત અને પછાત સમાજ માટે અત્યંત અપમાનજનક અને ગેરબંધારણીય શબ્દ ‘ચોરી ચમારી’નો ઉપયોગ કર્યો હતો.
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર વાયરલ થતા જ દેશભરમાં આંબેડકરવાદી સંગઠનો અને સામાજિક કાર્યકરો દ્વારા તેનો સખત વિરોધ કરવામાં આવ્યો હતો. સોશિયલ મીડિયા પર લોકોએ પ્રશ્ન ઉઠાવ્યો છે કે શું આજના આધુનિક યુગમાં પણ શિક્ષકોના મનમાં જ્ઞાતિવાદનું ઝેર આટલી હદે વ્યાપેલું છે?

સોશિયલ મીડિયા પર લોકોનો રોષ ફાટી નીકળ્યો
આ ઘટના બાદ ટ્વિટર પર હેશટેગ સાથે ફિઝિક્સવાલા અને તેના સ્થાપક અલખ પાંડે વિરુદ્ધ રોષ પ્રગટ કરવામાં આવ્યો હતો. આંબેડકરવાદી સંગઠનોએ આક્ષેપ કર્યો હતો કે ફિઝિક્સવાલા જેવી મોટી સંસ્થામાં શિક્ષકોની નિમણૂક કરતી વખતે તેમના નૈતિક અને સામાજિક મૂલ્યોની તપાસ કરવામાં આવતી નથી. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે શિક્ષક કોઈપણ ડર વગર એક મહેનતકશ સમાજને અપમાનિત કરી રહ્યો છે. લોકોએ માગણી કરી હતી કે માત્ર સસ્પેન્ડ કરવાથી આ ગુનાનું પ્રાયશ્ચિત થઈ શકે નહીં, પરંતુ આવા શિક્ષકો સામે એસસી-એસટી એટ્રોસિટી એક્ટ હેઠળ કડક કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ. આ ઘટનાથી દલિત સમાજના વિદ્યાર્થીઓમાં પણ રોષની લાગણી જન્મી છે, જેઓ આ પ્લેટફોર્મ પર વિશ્વાસ મૂકીને શિક્ષણ મેળવી રહ્યા છે.
આ પણ વાંચો: શું આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ(AI) ‘જાતિવાદી’ છે?
કંપનીએ સત્તાવાર સ્પષ્ટતા કરી, શિક્ષકને સસ્પેન્ડ કર્યો
ચારેબાજુથી ઘેરાયા બાદ ફિઝિક્સવાલા મેનેજમેન્ટે આ મામલે મૌન તોડ્યું હતું. કંપનીએ તેમના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ પરથી એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે તેઓ કોઈપણ પ્રકારની અસંવેદનશીલ કે ભેદભાવપૂર્ણ ભાષા પ્રત્યે ‘ઝીરો ટોલરન્સ’ની નીતિ ધરાવે છે. સંસ્થાએ સ્વીકાર્યું હતું કે લાઈવ ક્લાસ દરમિયાન ફેકલ્ટી ઋષિ જૈન દ્વારા કરવામાં આવેલું નિવેજન તેમના આંતરિક મૂલ્યો અને નિયમોનું ગંભીર ઉલ્લંઘન છે. આ મામલાને ગંભીરતાથી લેતા મેનેજમેન્ટે સંબંધિત શિક્ષકને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધો છે.
#Casteism A teacher at Physics Wallah insulted a hardworking community during his class, even using the casteist slur “chori chamari.”
He is an associate of Alakh Pandey. It reflects the level of prejudice that still exists among such people. pic.twitter.com/DJJCDhUCyL
— The Dalit Voice (@ambedkariteIND) March 21, 2026
આ પણ વાંચો: રેતીમાં ઉછરેલો દલિત યુવક ‘સૂરજ’ હવે ‘આકાશ’ના તારા ગણશે

વધુમાં, વરિષ્ઠ શિસ્ત સમિતિ દ્વારા આ ઘટનાની ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી હોવાનું પણ જણાવાયું હતું. કંપનીએ આ સમગ્ર પ્રકરણ માટે જાહેર જનતાની માફી માંગી છે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તેની ખાતરી આપી છે. વિવાદિત શિક્ષકે પણ પોતાની ભૂલ સ્વીકારી સંસ્થા દ્વારા માફીનામું રજૂ કરવાની વિનંતી કરી હતી.
ફિઝિક્સવાલા અગાઉ પણ વિવાદોમાં આવી ચૂક્યું છે
ફિઝિક્સવાલાના સ્થાપક અલખ પાંડે પોતે બ્રાહ્મણ છે, તેમને વિદ્યાર્થીઓ ખૂબ માન આપે છે. જોકે, તેમના જ પ્લેટફોર્મ પર જ્યારે આ પ્રકારે દલિત વિરોધી માનસિકતા ખુલ્લેઆમ જોવા મળે છે, ત્યારે સંસ્થાના વાતાવરણ પર સવાલો ઉઠે છે. આ અગાઉ પણ ફિઝિક્સવાલાના વિવિધ શિક્ષકો વિવાદોમાં રહ્યા છે. ક્યારેક બે શિક્ષકો વચ્ચેની લાઈવ ક્લાસમાં બોલાચાલી તો ક્યારેક વિદ્યાર્થીઓ સાથેનું અસભ્ય વર્તન ચર્ચાના કેન્દ્રમાં રહ્યું છે. અગાઉ એક કિસ્સામાં શિક્ષકો વચ્ચેની સ્પર્ધા અને આક્ષેપબાજીમાં પણ ભાષાની મર્યાદા ઓળંગાઈ હોવાના રિપોર્ટ્સ સામે આવ્યા હતા. સતત વધતી લોકપ્રિયતા વચ્ચે સંસ્થા તેના સ્ટાફ પર નૈતિક અંકુશ રાખવામાં ક્યાંક ને ક્યાંક ઉણી ઉતરી હોય તેમ જણાય છે.
PhysicsWallah maintains a zero-tolerance policy toward any form of discriminatory or insensitive language. We are deeply concerned by the recent remarks made by a faculty member, which represent a grave violation of our core values and institutional code of conduct.
Taking this… pic.twitter.com/0jkpYtmPG9
— Physics Wallah (PW) (@physics__wallah) March 21, 2026
શિક્ષણ એ સમાજમાં સમાનતા અને બંધુત્વ લાવવાનું શસ્ત્ર છે, પરંતુ જ્યારે તે જ શસ્ત્રનો ઉપયોગ કોઈ ચોક્કસ જ્ઞાતિ કે સમાજને ઉતારી પાડવા માટે કરવામાં આવે, ત્યારે તે આખા સમાજ માટે ચિંતાનો વિષય બની જાય છે. ફિઝિક્સવાલાની આ ઘટનાએ સાબિત કર્યું છે કે ડિજિટલ શિક્ષણના આ યુગમાં શિક્ષકો માટે માત્ર વિષયનું જ્ઞાન જ નહીં, પરંતુ સામાજિક સંવેદનશીલતા અને બંધારણીય મૂલ્યોનું શિક્ષણ પણ એટલું જ અનિવાર્ય છે.
આ પણ વાંચો: એક ‘થીસિસ ચોર’ના નામે Teacher’s Day કેવી રીતે મનાવી શકાય?











