લીંબડીના 8 ગામમાં બિરસા મુંડા જયંતિએ આદિવાસીઓ જ ગાયબ!

સુરેન્દ્રનગરના લીંબડીમાં આદિવાસી મહાનાયક બિરસા મુંડાની જન્મજયંતિની ઉજવણી થવાની છે, તે ગામ સહિત 8 ગામોમાં 80% આદિવાસીઓ રોજગારીના અભાવે હિજરત કરી ગયા.
ભાલમાં આદિવાસીઓની હિજરત

સુરેન્દ્રનગરઃ એક તરફ સરકાર આદિવાસી સમાજના ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ઉજવણી માટે તડામાર તૈયારીઓ કરી રહી છે, તો બીજી તરફ સુરેન્દ્રનગરના લીંબડી તાલુકાના ભાલ પંથકનાં આદિવાસી ગામોમાં રોજગારીના અભાવે ઘરોને તાળાં લાગી રહ્યાં છે. રાણાગઢ સહિતનાં 8 ગામોમાં આશરે 80% પરિવારો હિજરત કરી ગયાનો સ્થાનિકોનો દાવો છે. જે ગામમાં બિરસા મુંડાની જન્મજયંતિનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાવાનો છે, ત્યાંથી જ મોટી સંખ્યામાં આદિવાસી પરિવારો રોજીરોટી માટે વતન છોડીને જવા મજબૂર બન્યા છે. સવાલ એ છે કે આદિવાસી સમાજને ઉજવણી અને ભાષણો જોઈએ છે કે પોતાના વતનમાં રોજગારી, પીવાનું પાણી અને જીવન જીવવા માટેની પાયાની સુવિધાઓ?

8 ગામોમાં ઘરોને તાળાં, ગામોમાં માત્ર વૃદ્ધો અને બાળકો

લીંબડી તાલુકાના ભાલ પંથકમાં આવેલા રાણાગઢ, પરાલી, પરનાળા, રણોલ, કઠેચી સહિતનાં 8 ગામોમાં આદિવાસી પરિવારોની સ્થિતિ અત્યંત કફોડી બની છે. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે, આ ગામોમાં લગભગ 80% પરિવારો રોજગારીના અભાવે હિજરત કરી ચૂક્યા છે. એક સમયે જ્યાં પરિવારોની અવરજવર અને બાળકોના અવાજથી ઘરો જીવંત રહેતાં હતાં, ત્યાં આજે તાળાં લટકતાં જોવા મળે છે.

ગામોમાં મુખ્યત્વે વૃદ્ધો અને કેટલાક બાળકો જ રહી ગયા છે, જ્યારે યુવાનો અને કામ કરી શકે તેવા લોકો રોજગારીની શોધમાં અન્ય રાજ્યોમાં જતા રહ્યા છે. પરિવારોને પોતાના બાળકોના શિક્ષણનો ખર્ચ ઉઠાવવો મુશ્કેલ બની રહ્યો છે. પીવાનું પાણી મેળવવા માટે પણ દૂર સુધી જવું પડે છે. રસ્તા અને અન્ય પાયાની સુવિધાઓના અભાવે જીવન વધુ મુશ્કેલ બન્યું છે. સ્થાનિક પરિવારોનું કહેવું છે કે ગામમાં રહીને પરિવારનું ગુજરાન ચલાવી શકાય તેવી રોજગારી જ ઉપલબ્ધ નથી. આવી સ્થિતિમાં બાળકો અને વૃદ્ધ માતા-પિતાને સાથે લઈને વતન છોડવા સિવાય બીજો કોઈ વિકલ્પ રહેતો નથી.

નળકાંઠામાં માછીમારી બંધ થતાં પરંપરાગત રોજગાર છીનવાયો

આ વિસ્તારનાં ગામોમાં મુખ્યત્વે પઢાર સમાજના આદિવાસી પરિવારો વસે છે. વર્ષોથી આ પરિવારોનો મુખ્ય વ્યવસાય માછીમારી અને ખેતમજૂરી રહ્યો છે. નળકાંઠા વિસ્તારમાં માછીમારી કરીને તેઓ પરિવારનું ગુજરાન ચલાવતા હતા. પરંતુ હવે નળકાંઠામાં માછીમારી કરવા પર પ્રતિબંધ અને નિયંત્રણોને કારણે તેમની પરંપરાગત રોજગારી છીનવાઈ ગઈ હોવાની સ્થાનિકોની ફરિયાદ છે. માછીમારી ઉપરાંત નળકાંઠામાંથી ફળ-ફ્રૂટ સહિતની પેદાશો એકત્રિત કરીને પણ કેટલાક પરિવારો આવક મેળવતા હતા. પરંતુ હવે ફોરેસ્ટ વિભાગની કાર્યવાહી અને મંજૂરી સંબંધિત મુશ્કેલીઓને કારણે આ પ્રવૃત્તિ પણ બંધ થઈ ગઈ હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે.

બિરસા મુંડાની જન્મજયંતિની ઉજવણી, પણ ગામના લોકો જ ગાયબ!

આ સમગ્ર મામલે સૌથી મોટો વિરોધાભાસ એ છે કે આગામી 15 નવેમ્બરે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવનાર છે. આ નિમિત્તે સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લીંબડી તાલુકાના રણોલ ગામમાં જિલ્લા કક્ષાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. પરંતુ સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે, જે રણોલ ગામમાં આદિવાસી સમાજના મહાનાયક બિરસા મુંડાની જન્મજયંતિની ઉજવણી થવાની છે, તે જ ગામના આશરે 80% લોકો રોજગારીના અભાવે હિજરત કરી ગયા છે.

આ પણ વાંચોઃ ‘ન્યાય આપો અથવા મારી નાખો’, સૂળી પર લટકી આદિવાસીઓનું આંદોલન

આ સ્થિતિમાં આદિવાસી સમાજના આગેવાનો સવાલ કરી રહ્યા છે કે જે ગામના લોકો જ રોજગારીના અભાવે પોતાના વતનથી દૂર જવા મજબૂર બન્યા છે, ત્યાં મોટા મંડપ બાંધીને ઉજવણી કરવાનો અર્થ શું? આદિવાસી સમાજને માત્ર ભાષણો અને કાર્યક્રમો નહીં, પરંતુ જીવન જીવવા માટે જરૂરી સુવિધાઓ જોઈએ છે.

2,800થી વધુ આવાસ આપવાની જાહેરાત, પણ રોજગારીનું શું?

જિલ્લા કલેક્ટરે બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે યોજાનારા કાર્યક્રમ અંગે જણાવ્યું છે કે આ પ્રસંગે 2,800થી વધુ આવાસ યોજનાનાં મકાનો આદિવાસી પરિવારોને આપવામાં આવશે. બીજી તરફ, સ્થાનિક આગેવાનોનું કહેવું છે કે સરકાર PM-JANMAN યોજના હેઠળ આવાસ આપવાની વાત કરે છે, પરંતુ ગામોમાં રહેવા માટે જ લોકો નથી.

તેમનો સવાલ છે કે જો પરિવારોને ગામમાં રોજગારી જ નહીં મળે તો આવાસમાં રહીને તેઓ પરિવારનું ગુજરાન કેવી રીતે ચલાવશે? પહેલાં રોજગારીની વ્યવસ્થા થવી જોઈએ, ત્યારબાદ આવાસ સહિતની યોજનાઓનો લાભ અસરકારક બની શકે. સ્થાનિક આગેવાનોના મતે માત્ર મકાનો ફાળવવાથી આદિવાસી પરિવારોની સમસ્યાઓનો ઉકેલ આવવાનો નથી. પીવાનું પાણી, રસ્તા, શિક્ષણ અને સ્થાનિક સ્તરે રોજગારીની વ્યવસ્થા ઊભી કરવી એટલી જ જરૂરી છે.

આદિવાસીઓને ઉજવણી નહીં, વતનમાં રોજગારી જોઈએ!

આદિવાસી સમાજના આગેવાનોની મુખ્ય માગ છે કે નળકાંઠામાં માછીમારી અને ફળ-ફ્રૂટ એકત્રિત કરવાની પરવાનગી આપવામાં આવે અથવા તેના માટે યોગ્ય વૈકલ્પિક રોજગારીની વ્યવસ્થા કરવામાં આવે. આ ઉપરાંત, સ્થાનિકોની માગ છે કે તેમની જમીનો પર લાગુ ઇકો ઝોનના નિયંત્રણો અંગે પણ યોગ્ય નિર્ણય લેવામાં આવે, જેથી જમીનના ઉપયોગ અને આર્થિક પ્રવૃત્તિઓમાં પડતી મુશ્કેલીઓ દૂર થાય.

તેઓ તંત્રને અપીલ કરી રહ્યા છે કે બિરસા મુંડાની જન્મજયંતિની ઉજવણી પહેલાં અધિકારીઓ ગામોની મુલાકાત લઈને વાસ્તવિક પરિસ્થિતિ સમજે. સરકારી યોજનાઓનો લાભ ખરેખર જરૂરિયાતમંદ પરિવારો સુધી પહોંચે અને આદિવાસીઓને પોતાના વતનમાં જ રોજગારી મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવે.

એક તરફ આદિવાસી સમાજના મહાનાયક બિરસા મુંડાની જન્મજયંતિની ઉજવણી માટે તૈયારીઓ થઈ રહી છે, તો બીજી તરફ તેમના જ સમાજના પરિવારો રોજીરોટી માટે વતન છોડીને જઈ રહ્યા છે. આ સ્થિતિમાં સૌથી મોટો સવાલ એ છે કે આદિવાસી સમાજના ઉત્થાનની વાતો માત્ર ઉજવણી અને સરકારી જાહેરાતો પૂરતી જ સીમિત રહેશે કે પછી ભાલ પંથકનાં આ ગામોમાં રોજગારી અને પાયાની સુવિધાઓ પહોંચાડવા માટે ખરેખર નક્કર પગલાં પણ લેવામાં આવશે?

આ પણ વાંચોઃ  જય જોહાર બોલતા આદિવાસી વિદ્યાર્થીઓને PI એ ગાળો ભાંડી

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
GPSC ના ચેરમેન હસમુખ પટેલ પર લાગેલા જાતિવાદના આરોપો અંગે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x