ગુજરાતમાં સામાજિક સમાનતા અને અસ્પૃશ્યતા નાબૂદીના દાવાઓ વચ્ચે ગ્રામ્ય વિસ્તારોની એક ચોંકાવનારી વાસ્તવિકતા સામે આવી છે. ‘Understanding Untouchability – A Comprehensive Study of Practices and Conditions in 1589 Villages’ નામના અભ્યાસમાં ગુજરાતનાં 1,589 ગામો અને 5,462 પ્રતિભાવદાતાઓને આવરી લેવામાં આવ્યા છે. આ અભ્યાસમાં બિન-દલિતો દ્વારા દલિતો સામે આચરવામાં આવતી અસ્પૃશ્યતાની 98 પ્રકારની પ્રથાઓ અને દલિત સમાજની અંદર જોવા મળતી 99 પ્રકારની ભેદભાવપૂર્ણ પ્રથાઓનું દસ્તાવેજીકરણ કરવામાં આવ્યું છે.
અમદાવાદના માનવ અધિકાર કાર્યકર્તા કાંતિલાલ પરમાર દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ તેમાં ચા-પાણી, ભોજન, મંદિર પ્રવેશ, ધાર્મિક પ્રસંગો, જાહેર રસ્તાઓ, શિક્ષણ, ગ્રામ પંચાયત અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં દલિતો સાથે થતા ભેદભાવના વિવિધ પાસાઓ રજૂ કરવામાં આવ્યા છે. આ આંકડાઓ ગુજરાતના ગ્રામ્ય સમાજમાં જાતિ આધારિત અસમાનતાના પ્રશ્નને ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં લાવે છે.

ચા-પાણી અને ધાર્મિક વ્યવહારમાં ભેદભાવના ચોંકાવનારા આંકડા
અભ્યાસમાં નોંધાયેલા આંકડાઓ મુજબ, 98 ટકા બિનદલિતો દ્વારા દલિતોને તેમના ઘરે ચા પીવડાવવા મુદ્દે ભેદભાવ દાખવવામાં આવે છે. તેમને અલગ કપ કે રકાબીમાં ચા અપાય છે. મોટાભાગના બિનદલિતો દલિતોને તેમના ઘરની બહાર જ ચા પીવડાવે છે. 97.3 ટકા બિન દલિતો પૂજાની સામગ્રી અને તેની સાથે જોડાયેલી પ્રથા બાબતે દલિતોને સ્પર્શ ન થઈ જાય તે બાબતે આભડછેટ રાખે છે. 97.2 ટકા બિન દલિતો માતાના મઢ સંબંધિત પ્રથા મામલે દલિતો સાથે ભેદભાવ રાખે છે. 96.9 ટકા બિન-દલિત પૂજારી દ્વારા ધાર્મિક સેવા સંબંધિત પ્રથાના નામે દલિતો સાથે ભેદભાવ રાખવામાં આવે છે. તેવી જ રીતે 96.9 ટકા બિન-દલિતોના ઘરમાં દલિતોના પ્રવેશ સંબંધિત પ્રથાઓને લઈને આભડછેટ પાળવામાં આવે છે. એ જ રીતે 96.8 ટકા ઘરોમાં ખેતમજૂરો માટે ભોજન સંબંધિત પ્રથાઓના નામે આભડછેટ રાખવામાં આવે છે.
અભ્યાસમાં સામૂહિક ભોજન સંબંધિત પ્રથામાં 94.3%, ખાટલા અથવા ખુરશી પર બેસવા સંબંધિત પ્રથાના નામે 93.6%, કથા-પારાયણમાં 93.1%, પ્રસાદમાં 92.3% અને સત્સંગ સંબંધિત પ્રથાઓના નામે 91.1% કિસ્સાઓમાં દલિતો સાથે આભડછેટ અને ભેદભાવ રાખવામાં આવતો હોવાનું સામે આવ્યું છે.
મંદિર પ્રવેશ સંબંધિત પ્રથાઓના નામે 90.8% અને નવરાત્રિના ગરબામાં ભાગીદારી સંબંધિત પ્રથાના નામે 85.2% કિસ્સાઓમાં દલિતો સાથે આભડછેટ નોંધાઈ છે. આ ઉપરાંત 73.6 ટકા કિસ્સાઓમાં પ્રથાના નામે વાળંદની દુકાને દલિતોના વાળ કાપવામાં ન આવતા હોવાનું નોંધાયું હતું. 71.4 ટકા કિસ્સાઓમાં જાહેર પાણીના નળ પર દલિતો સાથે આભડછેટ રાખવામાં આવતી હોવાનું જણાયું હતું.
આ આંકડાઓ દર્શાવે છે કે સામાજિક વ્યવહારમાં સમાનતાનો પ્રશ્ન માત્ર ધાર્મિક સ્થળો પૂરતો મર્યાદિત નથી, પરંતુ રોજિંદા જીવનની સામાન્ય બાબતોમાં પણ જાતિ આધારિત ભેદભાવના સ્વરૂપો જોવા મળે છે.
પંચાયતથી ગ્રામસભા સુધી દલિતોની ભાગીદારીનો પ્રશ્ન
અભ્યાસમાં જાહેર જીવન અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં દલિતોની ભાગીદારી સાથે જોડાયેલા મુદ્દાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. અભ્યાસના આંકડાઓ મુજબ, 55.6 ટકા ગ્રામ પંચાયત કચેરીઓમાં દલિતો સાથે ખુરશી પર બેસવા સહિતના મુદ્દે ભેદભાવ દાખવવામાં આવે છે. ગામના ચોરા પર બેસવા બાબતે 54.7 ટકા કેસોમાં દલિતો સાથે ભેદભાવ રખાય છે. 49.3 ટકા કિસ્સાઓમાં ગૌચરની જમીન સુધી પહોંચને લઈને પણ દલિતોને દૂર રખાય છે. પંચાયતની બેઠકોમાં હાજરી આપવા બાબતે પણ 47.8 ટકા કિસ્સાઓમાં દલિતો સાથે અસ્પૃશ્યતા પાળવામાં આવે છે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં દલિતો પર અત્યાચારો વધ્યા, 34ની હત્યા, 147 મહિલા પર દુષ્કર્મ
44.5 ટકા કિસ્સાઓમાં ગ્રામસભામાં દલિતોની ભાગીદારી બાબતે પણ આભડછેટ સામે આવી હતી. 24.1 ટકા કિસ્સાઓમાં જાહેર રસ્તા પર ચાલવામાં પણ ભેદભાવ સામે આવ્યો હતો. 22.9 ટકા કિસ્સાઓમાં શાળાઓમાં દલિત બાળકો સાથે આભડછેટ પાળવામાં આવે છે. 22.5 ટકા કિસ્સાઓમાં દલિતો સાથે રેશનની દુકાને ભેદભાવ રાખવામાં આવે છે, સ્કૂલોમાં 21.7 ટકા કિસ્સાઓમાં દલિત શિક્ષકો સાથે સમાન વ્યવહાર કરવામાં આવતો નથી.
આ આંકડાઓનો અર્થ એ છે કે જાતિ આધારિત ભેદભાવનો પ્રશ્ન માત્ર ખાનગી સામાજિક વ્યવહાર સુધી સીમિત નથી. સ્થાનિક વહીવટ, જાહેર સુવિધાઓ, શિક્ષણ અને લોકશાહી પ્રક્રિયામાં ભાગીદારી જેવા ક્ષેત્રોમાં પણ આ સમસ્યાના વિવિધ સ્વરૂપોનો અભ્યાસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
દલિત સમાજની અંદર પણ 99 પ્રકારની ભેદભાવપૂર્ણ પ્રથાઓ
આ અભ્યાસની એક વિશેષ બાબત એ છે કે તેમાં માત્ર બિન-દલિતો દ્વારા દલિતો સામે થતા ભેદભાવનું જ દસ્તાવેજીકરણ કરવામાં આવ્યું નથી, પરંતુ દલિત સમાજની અંદર જોવા મળતી 99 પ્રકારની ભેદભાવપૂર્ણ પ્રથાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
આ બાબત સામાજિક સમાનતાની લડાઈનો એક મહત્વપૂર્ણ પાસો ઉજાગર કરે છે. સમાજમાં જાતિ આધારિત ઊંચ-નીચ અને આંતરિક સામાજિક અંતર જેવી પ્રથાઓ સામે પણ જાગૃતિ અને સુધારાની જરૂરિયાત છે. અસ્પૃશ્યતાનો અંત લાવવા માટે માત્ર બહારથી થતા ભેદભાવનો વિરોધ પૂરતો નથી, પરંતુ સમાજની અંદર રહેલી અસમાનતાનો પણ અંત આવવો જરૂરી છે.
બંધારણમાં અસ્પૃશ્યતા નાબૂદી છતાં સ્થિતિ ચિંતાજનક
ભારતીય બંધારણની કલમ 17 હેઠળ અસ્પૃશ્યતાને નાબૂદ કરવામાં આવી છે અને તેના કોઈપણ સ્વરૂપના આચરણ પર પ્રતિબંધ છે. કલમ 14 કાયદા સમક્ષ સમાનતાની ખાતરી આપે છે, જ્યારે કલમ 15 ધર્મ, જાતિ, વંશ, લિંગ અને જન્મસ્થળના આધારે ભેદભાવ સામે રક્ષણ આપે છે. આ ઉપરાંત Protection of Civil Rights Act, 1955 હેઠળ અસ્પૃશ્યતા સંબંધિત ગુનાઓ સામે કાયદાકીય કાર્યવાહી કરવાની જોગવાઈ છે. તેમ છતાં, અભ્યાસમાં નોંધાયેલી પ્રથાઓ બંધારણીય મૂલ્યો અને ગ્રામ્ય સામાજિક વાસ્તવિકતા વચ્ચેના અંતર તરફ ધ્યાન દોરે છે. અસ્પૃશ્યતા માત્ર સામાજિક ભેદભાવનો મુદ્દો નથી, પરંતુ માનવ ગૌરવ, સમાન નાગરિકતા અને મૂળભૂત અધિકારો સાથે જોડાયેલો પ્રશ્ન છે.
અસ્પૃશ્યતામુક્ત ગુજરાત માટે સરકાર સમક્ષ 9 માગણીઓ
માનવ અધિકાર કાર્યકર્તા કાંતિલાલ પરમારે ગુજરાતમાં અસ્પૃશ્યતામુક્ત સમાજના નિર્માણ માટે સરકાર સમક્ષ અનેક માગણીઓ રજૂ કરી છે. તેમણે તમામ જિલ્લાઓમાં અસ્પૃશ્યતા વિરોધી વિશેષ મોનિટરિંગ વ્યવસ્થા સ્થાપિત કરવા, ગ્રામ પંચાયત અને ગ્રામસભામાં દલિતોની સમાન ભાગીદારી સુનિશ્ચિત કરવા તથા જાહેર પાણીના સ્ત્રોતો, મંદિરો, રસ્તાઓ, શાળાઓ અને અન્ય જાહેર સુવિધાઓમાં જાતિ આધારિત ભેદભાવ અટકાવવા માગ કરી છે. આ ઉપરાંત ફરિયાદ નિવારણની અસરકારક વ્યવસ્થા ઊભી કરવા, શાળાઓ અને આંગણવાડીઓમાં ભેદભાવ સામે કડક કાર્યવાહી કરવા, દલિત વસાહતોમાં મૂળભૂત સુવિધાઓનું નિરીક્ષણ કરવા તથા ગામડાંઓમાં અસ્પૃશ્યતા વિરોધી કાયદાઓ અંગે જાગૃતિ ફેલાવવા રજૂઆત કરવામાં આવી છે. ભેદભાવની ફરિયાદોમાં જવાબદાર વ્યક્તિઓ અને અધિકારીઓની કાયદેસરની જવાબદારી નક્કી કરવા તથા ગુજરાતમાં અસ્પૃશ્યતાની વર્તમાન સ્થિતિ જાણવા નિયમિત અને પારદર્શક સામાજિક સર્વે હાથ ધરવાની પણ માગ કરવામાં આવી છે.
ખાસ નોંધઃ અભ્યાસમાં દર્શાવવામાં આવેલી ટકાવારી સંબંધિત પ્રથા નોંધાયેલી ગામોની ટકાવારી દર્શાવે છે. તેનો અર્થ એ નથી કે ગુજરાતનાં તમામ ગામોમાં આટલા ટકા લોકો ભેદભાવ કરે છે અથવા દરેક ગામમાં એકસરખી સ્થિતિ છે. આ આંકડાઓ અભ્યાસમાં આવરી લેવાયેલા 1,589 ગામોના સંદર્ભમાં સમજવા જરૂરી છે.
આ પણ વાંચોઃ ગુજરાતમાં 90 ટકા ગામોમાં SC-ST સમાજનું સ્મશાન નથી











