Dalit News: અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના નિલેશ રાઠોડ નામના અનુસૂચિત જાતિના યુવાનની થયેલી કરપીણ અને ક્રૂર હત્યાના મામલે હવે રાષ્ટ્રીય સ્તરે અત્યંત ગંભીર નોંધ લેવામાં આવી છે. સામાજિક કાર્યકર કાંતિલાલ પરમાર દ્વારા આ કેસમાં કરવામાં આવેલી ધારદાર રજૂઆત અને માનવ અધિકાર ભંગની ફરિયાદને પગલે રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ (NHRC), નવી દિલ્હીએ આ ઘટનાને માનવ અધિકારોનું અત્યંત ગંભીર હનન ગણાવ્યું છે. આયોગે અમરેલીના જિલ્લા કલેક્ટરને કડક શબ્દોમાં આદેશ આપ્યો છે કે આ સમગ્ર કિસ્સાની તટસ્થ અને ત્વરિત તપાસ કરી આગામી બે અઠવાડિયાની અંદર વિગતવાર ‘એક્શન ટેકન રિપોર્ટ’ (ATR) રજૂ કરવામાં આવે. આ ઘટનાએ સાબિત કરી દીધું છે કે લોકશાહીમાં હજુ પણ જાતિવાદી માનસિકતા કેટલી હદે ઘાતક બની શકે છે.
મામલો શું હતો?
આ હૃદયદ્રાવક ઘટનાની વિગતો મુજબ, ગત 16 મે 2025ના રોજ અમરેલીના સાવરકુંડલા રોડ નજીક માર્કેટિંગ યાર્ડ વિસ્તારમાં નિલેશ કાંતિભાઈ રાઠોડ અને તેના સાથીઓ એક પાન પાર્લર અને ફરસાણની દુકાને વેફર લેવા માટે ગયા હતા. ત્યાં હાજર એક નાના બાળકને નિલેશે માનવતાના નાતે અને વહાલથી ‘બેટા’ કહીને સંબોધ્યો હતો. માત્ર આટલી જ વાતમાં ત્યાં હાજર ભરવાડ સમાજના આશરે 15 જેટલા શખ્સો ઉશ્કેરાઈ ગયા હતા. જાતિવાદી ઝેરથી ભરેલા આ હુમલાખોરોએ નિલેશ અને તેના મિત્રો પર લાકડીઓ અને જીવલેણ હથિયારો વડે તૂટી પડ્યા હતા. હુમલાખોરોએ નિલેશને પશુની જેમ માર્યો હતો અને સતત જાતિવાદી ગાળો આપી તેને અપમાનિત કર્યો હતો. આ હુમલામાં 20 વર્ષીય નિલેશને માથાના અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.

આ પણ વાંચો: દલિત વૃદ્ધને સરપંચના પરિવારે પેટ્રોલ છાંટીને જીવતા સળગાવી દીધાં
સમગ્ર ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા
નિલેશ રાઠોડને લોહીલુહાણ હાલતમાં પ્રથમ અમરેલીની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, પરંતુ તેની સ્થિતિ અત્યંત નાજુક હોવાથી તેને તાત્કાલિક ભાવનગરની સર તખ્તસિંહજી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો. હોસ્પિટલના બિછાને જીવન-મરણ વચ્ચે ઝોલા ખાધા બાદ આખરે 22 મે 2025ના રોજ નિલેશે અંતિમ શ્વાસ લીધા હતા અને આ ગુનો હાફ મર્ડરથી બદલાઈને હત્યામાં પલટાયો હતો. આ ઘટના બાદ અમરેલી ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS) અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો, પરંતુ પીડિત પરિવારને ન્યાય અપાવવા માટે સામાજિક સ્તરે અનેક સવાલો ઉભા થયા હતા.
કાંતિલાલ પરમારે શું માંગ કરી હતી?
માનવ અધિકાર કાર્યકર કાંતિલાલ પરમારે આ મામલે 28 મે 2026 ના રોજ આયોગમાં ફરિયાદ કરી હતી કે આ કેસમાં પોલીસની કામગીરીમાં કોઈ કચાશ ન રહેવી જોઈએ. તેમની મુખ્ય માંગણીઓમાં તમામ 15 આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવી, કેસમાં હત્યાની કલમ મજબૂતીથી ઉમેરવી, કેસના સંચાલન માટે સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂક કરવી અને પીડિત પરિવારને વળતરની સાથે યોગ્ય પુનર્વસન પૂરું પાડવાનો સમાવેશ થાય છે. રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગે આ તમામ પાસાઓને ગંભીરતાથી નોંધ્યા છે અને પ્રશાસનને સવાલ કર્યો છે કે આટલી અમાનવીય ઘટનામાં અત્યાર સુધી શું પગલાં લેવાયા છે. આ આદેશથી સ્થાનિક તંત્રમાં દોડધામ મચી ગઈ છે.
આ પણ વાંચો: ભાઈ સરપંચ બન્યો અને હત્યા થઈ, પછી બહેનની હત્યા થઈ…

જાતિવાદી તત્વોને કાયદાનો ડર કેમ નથી?
સામાજિક કાર્યકર કાંતિલાલ પરમારનું કહેવું છે કે દલિતો પર થતા અત્યાચારના મુદ્દાઓને ઘણીવાર સ્થાનિક દબાણ હેઠળ દબાવી દેવાની કોશિશ કરવામાં આવે છે, પરંતુ હવે આ લડત રાષ્ટ્રીય સ્તરે પહોંચી હોવાથી ન્યાયની આશા જાગી છે. આ કેસ માત્ર એક પરિવારનો પ્રશ્ન નથી, પરંતુ તે આપણા બંધારણીય અધિકારો અને સામાજિક ન્યાયની રક્ષા સાથે જોડાયેલો મહત્વનો મુદ્દો છે. માત્ર ‘બેટા’ કહેવાથી કોઈની હત્યા કરી નાખવામાં આવે તે બતાવે છે કે, જાતિવાદી તત્વોને કાયદાનો કોઈ ડર નથી. હવે જ્યારે NHRC એ આ કેસમાં દખલ કરી છે, ત્યારે સૌની નજર જિલ્લા પ્રશાસન અને પોલીસની આગામી બે અઠવાડિયાની કાર્યવાહી પર ટકેલી છે.
આ પણ વાંચો: છેડતીથી કંટાળીને 16 વર્ષની દલિત વિદ્યાર્થીનીએ ગળેફાંસો ખાઈ લીધો











