દલિત વિદ્યાર્થીઓને ભણાવવાને બદલે શિક્ષક લાકડા વીણવા મોકલે છે

Dalit News: દલિત વિદ્યાર્થીઓને ભણાવવાને બદલે આ શાળાના શિક્ષક દરરોજ તેમને સ્કૂલના રસોડા માટે લાકડા વીણવા સીમમાં મોકલી દે છે.
Dalit News
Ai Image

Dalit News: દલિત વિદ્યાર્થીઓ ભણીગણીને આગળ ન વધે તે માટે દેશના શિક્ષણ તંત્રમાં બેઠેલા જાતિવાદી શિક્ષકો કઈ હદે નિમ્ન સ્તરે જઈ શકે છે તેની આ વાત છે. એક શાળાામાં શિક્ષક દલિત વિદ્યાર્થીઓને ભણાવવાને બદલે શાળાના રસોડા માટે લાકડા કાપવા માટે કુહાડી લઈને સીમમાં મોકલી દેતા હતા. આ ઘટના સામે આવતા હોબાળો મચી ગયો છે.

મામલો જાતિવાદ માટે કુખ્યાત ઉત્તર પ્રદેશનો છે. અહીંના ઉન્નાવ (Unnao UP)જિલ્લામાં એક એવી ઘટના સામે આવી છે, જેણે દલિતો સાથે કઈ હદે ભેદભાવ દાખવવામાં આવે છે તેની પોલ ખોલી નાખી છે. અહીંના ગંજમુરાદાબાદની એક સરકારી શાળામાં શિક્ષકો દલિત વિદ્યાર્થીને ભણાવવાને બદલે તેમની પાસે લાકડા વીણવાની મજૂરી કરાવી, જાતિસૂચક ગાળો ભાંડી ઢોર માર મારતા હોવાનું સામે આવ્યું છે.

શિક્ષકે દલિત વિદ્યાર્થીઓને પુસ્તકોને બદલે કુહાડી પકડાવી

ગંજમુરાદાબાદની હીરામન પુરવા પ્રાથમિક શાળામાં જે ઉંમરે બાળકોના કોમળ હાથમાં પેન અને પુસ્તકો હોવા જોઈએ, ત્યાં એક નિર્દય અને જાતિવાદી માનસિકતા ધરાવતા શિક્ષકે માસૂમ દલિત વિદ્યાર્થીઓના હાથમાં કુહાડી અને લાકડાં પકડાવી દીધા હોવાનો ગંભીર આરોપ લાગ્યો છે. રબડી ગામના રહેવાસી ગુડ્ડુના પુત્ર સચિન સાથે બનેલી આ ઘટનાએ સમગ્ર રાજ્યના શિક્ષણ વિભાગ અને સામાજિક સંગઠનોમાં ભારે રોષ જગાડ્યો છે.

આ પણ વાંચો: વંચિત વર્ગના વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિના કરોડો રૂપિયા સરકારે વાપર્યા જ નહીં!

એક મહિનાથી દલિત બાળકોનું શોષણ ચાલતું હતું

સચિન, જે ધોરણ 5નો વિદ્યાર્થી છે, તે બુધવારે શાળામાં તેના કેટલાક જરૂરી શૈક્ષણિક દસ્તાવેજો લેવા માટે ગયો હતો. આ સમયે શાળાના શિક્ષકે તેને કહ્યું કે, “જો તારે તારા કાગળિયા જોઈતા હોય તો પહેલા જા અને શાળાના રસોડા માટે બહારથી લાકડાં વીણીને લાવ, તો જ તને તારા દસ્તાવેજો મળશે.” આ બાબત અત્યંત આઘાતજનક છે કે એક સરકારી સંસ્થામાં ભણતા બાળકને તેના હકના કાગળો આપવા માટે તેની પાસે મજૂરી કરાવવાની માંગ કરવામાં આવી હતી. તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે આ પ્રકારનું શોષણ છેલ્લા એક મહિનાથી સતત ચાલતું હતું અને બાળકોને ભણાવવાને બદલે તેમની પાસે કાળી મજૂરી કરાવવામાં આવતી હતી.

દલિત વિદ્યાર્થી લાકડાનો ટાર્ગેટ પુરો ન કરી શકતા ઢોર માર માર્યો

ચોંકાવનારી વાત એ છે કે, દલિત વિદ્યાર્થી સચિન તે દિવસે પુરતા લાકડાની વ્યવસ્થા ન કરી શક્યો. જેના કારણે જાતિવાદી શિક્ષક ગુસ્સે ભરાયા હતા અને સચિન પર પશુની જેમ તૂટી પડ્યા હતા. પ્રત્યક્ષદર્શીઓ અને પીડિત વિદ્યાર્થીના જણાવ્યા અનુસાર, શિક્ષકે તેને ઢીંકાપાટૂથી બેરહમીપૂર્વક માર માર્યો હતો, એટલું જ નહીં અન્ય વિદ્યાર્થીઓ સામે સચિનને તેની જાતિને લઈને અપશબ્દો કહ્યા હતા. એક પાંચમા ધોરણના બાળકના આત્મસન્માનને જે રીતે ઠેસ પહોંચાડવામાં આવી છે, તે તેની માનસિક સ્થિતિ પર લાંબા ગાળાની અસર કરી શકે છે.

આ પણ વાંચો: રાજકોટની M G હોસ્ટેલના પૂર્વ વિદ્યાર્થીઓએ છાત્રાલયને લાઈબ્રેરી ભેટ આપી

વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો

આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં શાળાના અન્ય બાળકો પણ કેમેરા સામે ધ્રૂજતા અવાજે કબૂલાત કરી રહ્યા છે કે તેમની પાસે નિયમિતપણે શાળામાં વેઠ મજૂરી કરાવવામાં આવે છે. એક નાની બાળકીએ પણ વીડિયોમાં પુષ્ટિ કરી છે કે શાળામાં ભણતર ઓછું અને લાકડાં વીણવાનું કામ વધારે કરાવવામાં આવે છે. શિક્ષણ વિભાગના નાકની નીચે ચાલી રહેલા આ બાળશ્રમ અને ખુલ્લેઆમ જાતિવાદના નગ્ન નાચે સમગ્ર વહીવટી તંત્રની પોલ ખોલી નાખી છે. ગામલોકોમાં પણ એ વાતને લઈને આક્રોશ છે કે જેમના ભરોસે તેઓ પોતાના બાળકોને શાળાએ મોકલે છે, તે શિક્ષકો જ તેમના બાળકોનું શોષણ કરી રહ્યા છે.

ગેસના બાટલા બ્લેકમાં વેચી લાકડાથી રસોઈ બને છે

આ મામલે જ્યારે ઊંડા ઉતરીને તપાસ કરવામાં આવી ત્યારે એક વધુ સનસનાટીપૂર્ણ પાસું સામે આવ્યું છે. એવી ચર્ચા છે કે જે શાળામાં બાળકો પાસે બળતણ માટે લાકડાં વીણાવવામાં આવે છે, ત્યાં મધ્યાહન ભોજન (Mid-day Meal) માટે આવતા સરકારી ગેસ સિલિન્ડરોનો કાળો કારોબાર ચાલી રહ્યો છે. સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, હનુમાન જયંતિ એટલે કે 2 એપ્રિલના રોજ ગામમાં પ્રસાદ બનાવવા માટે બે ગેસ સિલિન્ડર કાળાબજારમાં 3000 રૂપિયામાં વેચાયા હતા. આ ગોઠવણ કરવામાં શાળાના જ એક લાગવગ ધરાવતા શિક્ષકની મુખ્ય ભૂમિકા હોવાનું મનાય છે. જે સ્પષ્ટ કરે છે કે સરકારી સવલતો હોવા છતાં, પોતાનો અંગત સ્વાર્થ સાધવા માટે માસૂમ બાળકોને મજૂરીમાં ધકેલી દેવામાં આવ્યા છે.

આ પણ વાંચો: નશામાં ધૂત બ્રાહ્મણ રસોઈયાએ આદિવાસી વિદ્યાર્થી પર કુહાડીથી હુમલો કર્યો

એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધાયો

આ મામલે પોલીસે હવે કડક વલણ અપનાવ્યું છે. પોલીસ અધિકારી અખિલેશ ચંદ્ર પાંડેએ જણાવ્યું હતું કે, દલિત અત્યાચાર (SC/ST Act) અને મારામારીની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. મામલાની સંવેદનશીલતાને જોતા ક્ષેત્રાધિકારી (CO) સ્તરે ઉચ્ચ તપાસ શરૂ કરી દેવામાં આવી છે. બીજી તરફ, બ્લોક શિક્ષણ અધિકારી (BEO) દેવેન્દ્ર સિંહે અપેક્ષા મુજબ ‘પોતાને કોઈ માહિતી નથી’ તેમ કહી હાથ ખંખેરી લેવાનો પ્રયાસ કર્યો છે, જોકે વધતા દબાણને કારણે તેમણે કડક ખાતાકીય કાર્યવાહીનું આશ્વાસન આપ્યું છે.

દલિત સમાજ માટે લાલબત્તી સમાન કિસ્સો

ઉન્નાવની આ ઘટના ફરી એકવાર સાબિત કરે છે કે અંતરિયાળ વિસ્તારોની શાળાઓમાં હજુ પણ મધ્યયુગીન જાતિવાદના ઝેર નાબૂદ થયા નથી. જો રક્ષક ગણાતો શિક્ષક જ ભક્ષક બનીને માસૂમ દલિત બાળકોનું શોષણ કરે, તો બંધારણીય સમાનતાના દાવાઓ માત્ર કાગળ પર જ રહી જશે. આ કિસ્સો સમગ્ર દલિત સમાજ માટે એક લાલબત્તી સમાન છે.

આ પણ વાંચો: મહિલા IAS એ દલિત વિદ્યાર્થીઓને કહ્યું, ‘ટોઈલેટ સાફ કેમ નથી કરતા?’

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
પ્રેમલગ્નોમાં માતાપિતાની સહી ફરજિયાત કરવા વિશે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x