મંદબુદ્ધિ દલિત યુવકને ટોળાએ ઘઉં ચોરીના આરોપમાં ઝાડ સાથે બાંધીને માર્યો

ઘઉંની ચોરીના આરોપમાં મંદબુદ્ધિ દલિત યુવકને ઝાડ સાથે બાંધી ટોળાએ બેરહેમીથી માર માર્યો. પોલીસે આરોપી દુકાનદાર સહિત 12 લોકો સામે એટ્રોસિટીની ફરિયાદ નોંધી.
Dalit youth beaten by a mob

ઉત્તર પ્રદેશના બારાબંકી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડાવતી એક હૃદયદ્રાવક ઘટના પ્રકાશમાં આવી છે. અહીંના કોઠી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક દલિત યુવકને માત્ર એક બોરી ઘઉંની ચોરીની શંકાના આધારે ટોળાએ ઝાડ સાથે બાંધીને નિર્દયતાથી ફટકાર્યો હતો. આ મામલે પોલીસે ત્વરિત કાર્યવાહી કરતા વેપારી અમન વર્માની ધરપકડ કરી છે. આ કેસમાં 12 લોકો સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ છે.

મામલો શું હતો

પ્રાપ્ત માહિતી અનુસાર આ ઘટના મંગળવારે સવારે કોઠી પોલીસ સ્ટેશન હેઠળના બુધનાઈ ચોક વિસ્તારમાં બની હતી. અહીં ગલ્લા વેપારી અમન વર્માનો અનાજનો વાળો આવેલો છે. એ દરમિયાન વિજય રાવત નામનો દલિત યુવક આ વિસ્તારમાં જોવા મળ્યો હતો. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર વિજય મંદબુદ્ધિ છે અને તે અવારનવાર રખડતો જોવા મળે છે.

ઘટનાના દિવસે અમન વર્માના વાડામાંથી એક બોરી ઘઉં ગાયબ થયા હોવાની શંકા ઉપજી હતી. આ શંકાની સોય સીધી મંદબુદ્ધિ વિજય રાવત તરફ તકાઈ હતી. વેપારી અને તેના સાથીઓએ વિજયને પકડી પાડ્યો હતો. કોઈ પણ પુરાવા કે તપાસ વગર, ભીડે પોતે જ ન્યાયાધીશ બનવાનું નક્કી કર્યું અને કાયદો હાથમાં લીધો હતો.

આ પણ વાંચો: નેપાળની બાલેન શાહ સરકારે સત્તાવાર રીતે દલિતોની માફી માંગી

મંદબુદ્ધિ યુવકને ઝાડ સાથે બાંધીને માર માર્યો

યુવકને પકડ્યા બાદ તેને જાહેરમાં સજા આપવાના આશયથી બુધનાઈ ચોક પાસે એક ઝાડ સાથે દોરડાથી બાંધી દેવામાં આવ્યો હતો. આસપાસના ગ્રામીણોનું ટોળું ત્યાં એકઠું થઈ ગયું હતું. આરોપી વેપારી અને અન્ય અજાણ્યા શખ્સોએ વિજયને લાકડીઓ અને લાતો વડે માર મારવાનું શરૂ કર્યું હતું. પીડિત યુવક પોતાની નિર્દોષતા માટે વિનવણી કરતો રહ્યો અને દયાની ભીખ માંગતો રહ્યો, પરંતુ ટોળાનું હૃદય પીગળ્યું નહોતું.

Dalit youth beaten by a mob

આ આખી ઘટનાનો વીડિયો કોઈ સ્થાનિક વ્યક્તિએ પોતાના મોબાઈલમાં કેદ કરી લીધો હતો. વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે કેવી રીતે એક લાચાર દલિત યુવકને લોકોના ટોળા વચ્ચે અપમાનિત કરવામાં આવી રહ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઈ હતી.

પોલીસની વિવાદાસ્પદ ભૂમિકા

આશ્ચર્યની વાત એ છે કે, ઘટનાની જાણ થતા જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી, ત્યારે તેમણે પહેલા પીડિત વિજય રાવતને જ કસ્ટડીમાં લીધો હતો. પોલીસ તેને પોલીસ સ્ટેશન લઈ આવી અને તેની પૂછપરછ કરી હતી. પોલીસે શરૂઆતમાં તેની સામે જ શાંતિભંગની કલમ હેઠળ કાર્યવાહી કરી હૈદરગઢ કોર્ટમાં મોકલી આપ્યો હતો. આ તબક્કે પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉઠ્યા હતા કે માર ખાનાર વ્યક્તિ પર જ કાર્યવાહી કેમ કરવામાં આવી?

આ પણ વાંચો: મોદી સરકારે 11 વર્ષમાં જાહેરાત પાછળ ₹5,987 કરોડનો ખર્ચ કર્યો

જોકે, બુધવારે જ્યારે સોશિયલ મીડિયા પર અત્યાચારનો વીડિયો વાયરલ થયો અને માનવ અધિકાર કાર્યકરો તેમજ ઉચ્ચ અધિકારીઓએ આ બાબતની ગંભીર નોંધ લીધી, ત્યારે કોઠી પોલીસ એક્શનમાં આવી હતી. કોઠી પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર અમિત સિંહ ભદૌરિયાએ તાત્કાલિક ધોરણે પોલીસ સ્ટેશનના ચોકીદાર બિંદ્રાની ફરિયાદ પર ગુનો નોંધ્યો હતો.

મુખ્ય આરોપીની ધરપકડ કરાઈ

પોલીસે મુખ્ય આરોપી ગલ્લા વેપારી અમન વર્મા અને અન્ય 12 જેટલા અજાણ્યા શખ્સો વિરુદ્ધ મારપીટ, ગેરકાયદેસર રીતે અટકાયત અને એટ્રોસિટી એક્ટની વિવિધ ધારાઓ હેઠળ ગુનો દાખલ કર્યો છે. ઈન્સ્પેક્ટર ભદૌરિયાએ પુષ્ટિ કરી છે કે અમન વર્માની ધરપકડ કરી તેને જેલમાં મોકલી દેવામાં આવ્યો છે.

સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, આ કૃત્યમાં ગામના પ્રધાન પ્રતિનિધિની સંડોવણી હોવાની પણ ચર્ચા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સરપંચ પ્રતિનિધિના કહેવા પર જ યુવકને બાંધીને સજા આપવામાં આવી હતી. પોલીસ અત્યારે વીડિયોમાં દેખાતા દરેક ચહેરાની ઓળખ કરી રહી છે જેથી કોઈ પણ ગુનેગાર બચી ન જાય. આ ઘટનાએ બારાબંકીમાં સામાજિક સમાનતા અને કાયદાના શાસન સામે મોટા પ્રશ્નો ઉભા કર્યા છે.

આ પણ વાંચો: ધોળકાના કોઠમાં દલિતો 25 વર્ષથી પીવાના પાણીથી વંચિત!

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
પ્રેમલગ્નોમાં માતાપિતાની સહી ફરજિયાત કરવા વિશે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x