આજના આધુનિક યુગમાં જ્યાં દુનિયા મંગળ પર વસવાટ કરવાના સપના જોઈ રહી છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવી ટેકનોલોજી દ્વારા શિક્ષણમાં ક્રાંતિ લાવવાની વાતો થઈ રહી છે, ત્યારે ઉત્તરાખંડના બાગેશ્વર જિલ્લાના કૌસાનીમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક સરકારી હાઈસ્કૂલમાં વિજ્ઞાનને બદલે અંધશ્રદ્ધાના પાઠ ભણાવવામાં આવી રહ્યા છે. શાળા પરિસરમાં એક કથિત ‘ભટકતી આત્મા’ને શાંત કરવા માટે ‘ભૂત મંદિર’નું નિર્માણ કરવામાં આવ્યું હોવાની ઘટનાએ સમગ્ર રાજ્યના શિક્ષણ જગતમાં ખળભળાટ મચાવી દીધો છે.
શું છે સમગ્ર મામલો?
મળતી માહિતી મુજબ, કૌસાની સ્થિત રાજકીય ઇન્ટર કોલેજમાં છેલ્લા કેટલાક સમયથી અજીબોગરીબ અફવાઓ ફેલાવવામાં આવી રહી હતી. સ્થાનિક લોકો અને શાળાના કેટલાક લોકોનું માનવું હતું કે 35 વર્ષ પહેલા શાળાના નિર્માણ કાર્ય દરમિયાન એક નેપાળી મજૂરનું અકસ્માતે મૃત્યુ થયું હતું. હવે, દાયકાઓ પછી એવો દાવો કરવામાં આવ્યો કે આ મજૂરની આત્મા શાળામાં ભટકે છે અને બાળકોને હેરાન કરે છે. આ અંધશ્રદ્ધાને ત્યારે બળ મળ્યું જ્યારે શાળાની કેટલીક વિદ્યાર્થિનીઓ અચાનક બેભાન થવા લાગી. મેડિકલ સાયન્સ મુજબ આ ‘માસ હિસ્ટીરિયા’ અથવા લોહીની ઉણપ કે માનસિક તણાવ હોઈ શકે છે, પરંતુ તેને ભૂત-પ્રેતનો વળગાડ માની લેવામાં આવ્યો.

આ પણ વાંચો: રાજકોટ AIIMSના દલિત ઈન્ટર્ન ડૉક્ટરે ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કર્યો
વિદ્યાર્થીઓ પાસેથી 100-100 રૂપિયા વસૂલાયા, છાનામાના બલિ ચડાવાઈ
આશ્ચર્યની વાત એ છે કે આ અંધશ્રદ્ધાને પોષવા માટે શાળાના નાના બાળકોનો જ ઉપયોગ કરવામાં આવ્યો. શાળાના 218 વિદ્યાર્થીઓ પાસેથી 100-100 રૂપિયાનું ઉઘરાણું કરવામાં આવ્યું. કુલ 21,800 થી 25,000 રૂપિયા ભેગા કરીને શાળાના પ્રાંગણમાં જ એક નાનકડું ભૂતનું મંદિર બનાવવામાં આવ્યું. આરોપ છે કે આ મંદિરના ઉદ્ઘાટન સમયે અંધારામાં ચોરી-છૂપીથી બલિ પણ આપવામાં આવી હતી. એક સરકારી શિક્ષણ સંસ્થામાં જ્યાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વિકસાવવો જોઈએ, ત્યાં અંધશ્રદ્ધાની ખેતી કરવામાં આવી.
શાળા વહીવટીતંત્રનો લૂલો બચાવ
આ મામલે જ્યારે વિવાદ વધ્યો ત્યારે શાળાના આચાર્ય તાજબર સિંહ નેગી અને વાલી મંડળના અધ્યક્ષ ચંદન ભંડારીએ અત્યંત વાહિયાત દલીલો રજૂ કરી હતી. આચાર્યનું કહેવું હતું કે, “બાળકો ડરના માર્યા ભણી શકતા નહોતા, એટલે તેમની શાંતિ માટે આ પગલું ભર્યું છે.” અહીં પ્રશ્ન એ થાય છે કે શું શિક્ષણવિદો પણ હવે તાંત્રિકોની જેમ વિચારવા લાગ્યા છે? જો બાળકો ડરતા હતા, તો તેમને મનોવૈજ્ઞાનિક મદદ આપવી જોઈએ કે પછી ભૂત-પ્રેત જેવી કાલ્પનિક વાતોમાં તેમનો વિશ્વાસ મજબૂત કરવો જોઈએ?
આ પણ વાંચો: શું ધર્મ બદલવાથી જાતિ બદલાય? પાદરી બનેલી વ્યક્તિને સુપ્રીમ કોર્ટનો આંચકો

ભૂત-પ્રેત એ માત્ર માનસિક ભ્રમ છે
વૈજ્ઞાનિક રીતે સાબિત થયેલું છે કે ભૂત-પ્રેત જેવું દુનિયામાં કશું જ હોતું નથી. આ માત્ર નબળા મનના લોકોનો ભય અથવા સમાજના લેભાગુ તત્વો દ્વારા ફેલાવવામાં આવેલી અફવાઓ હોય છે. ભોળા અને ગ્રામીણ વિસ્તારના લોકોને ડરાવીને તેમની પાસેથી પૈસા પડાવવા માટે આવા કિસ્સાઓ ઊભા કરવામાં આવે છે. શાળા જેવી જગ્યાએ જ્યારે આવી ઘટના બને છે, ત્યારે તે આવનારી પેઢીના માનસપટલ પર ઘાતક અસર કરે છે. બાળકો તર્ક કરવાનું છોડીને નસીબ અને ચમત્કારો પર જીવવા લાગે છે.
તંત્રની કડક કાર્યવાહીના સંકેત
આ ઘટનાની ગંભીરતાને જોતા બાગેશ્વરના જિલ્લા મેજિસ્ટ્રેટ (DM) આકાંક્ષા કોંડેએ તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે. તેમણે મુખ્ય શિક્ષણ અધિકારીને પોતે શાળાએ જઈને રિપોર્ટ તૈયાર કરવા જણાવ્યું છે. ડીએમએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, “શાળામાં આવી પ્રવૃત્તિઓ ચલાવી લેવામાં આવશે નહીં. જો કોઈની બેદરકારી જણાશે તો તેમની સામે શિસ્તભંગના કડક પગલાં લેવાશે.” શિક્ષણ વિભાગે પણ ગેરકાયદે નાણાંની વસૂલાત અને નાણાકીય અનિયમિતતા બાબતે તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો: ‘તારા બાપનો રસ્તો છે?’ કહી દેવીપૂજકોએ દલિત યુવકો પર હુમલો કર્યો
આવા શિક્ષકો શું દેશનું ભલું કરે?
શાળા એ જ્ઞાનનું કેન્દ્ર છે, અંધશ્રદ્ધાનું નહીં. જો શિક્ષકો જ ભૂત-પ્રેતની વાતોને પ્રોત્સાહન આપશે, તો દેશનું ભવિષ્ય અંધકારમાં ધકેલાઈ જશે. સમાજે જાગૃત થવાની જરૂર છે કે બીમારીની સારવાર ડોક્ટર પાસે હોય છે, ભુવા કે તાંત્રિક પાસે નહીં. આ ઘટના સમગ્ર સમાજ માટે લાલબત્તી સમાન છે. દોષિતો સામે કાર્યવાહી થવી જોઈએ, જેથી બીજી કોઈ શાળા આવી અંધશ્રદ્ધા ન ફેલાવે.
આ પણ વાંચો: દલિત યુટ્યુબર મુકેશ મોહનને 50 કરોડની માનહાનિ નોટિસ ફટકારાઈ












