14મી એપ્રિલ 2026ના રોજ દેશભરમાં બંધારણના ઘડવૈયા ડો.બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતી ઉજવાઈ રહી હતી, ત્યારે રામની નગરી ગણાતા અયોધ્યાના બેનીપુર ખિદિરપુર ગામમાં એક હૃદયદ્રાવક ઘટના ઘટી હતી. ડો. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિની ઉજવણી પૂરી થયાના ગણતરીના કલાકોમાં જ અસામાજિક તત્વો દ્વારા દલિત વસ્તીને નિશાન બનાવી આગ લગાડી દેવામાં આવી હતી. આ ઘટનાને પગલે સમગ્ર જિલ્લામાં ચકચાર મચી ગઈ હતી અને સામાજિક તણાવ વધવાની ભીતિને જોતા પ્રશાસને ગામમાં લોખંડી પોલીસ બંદોબસ્ત સાથે પીએસી (PAC) તૈનાત કરી દેવામાં આવી હતી.
મામલો શું બન્યો હતો
પ્રાપ્ત વિગતો અનુસાર, 14મી એપ્રિલના રોજ ગામમાં આંબેડકર જયંતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. રાત્રે અંદાજે 10.30 કલાકે કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયો હતો અને દલિતો પોતપોતાના ઘરે જઈને સુઈ ગયા હતા. જોકે, મધ્યરાત્રિના આશરે 1.00 વાગ્યાના સુમારે અચાનક દલિતવાસમાં બૂમાબૂમ મચી ગઈ હતી. પીડિત મણીરામના જણાવ્યા અનુસાર, જ્યારે તેઓ ગાઢ નિદ્રામાં હતા ત્યારે કેટલાક શખ્સોએ દલિતવાસમાં આગ ચાંપી દીધી હતી.

આ પણ વાંચો: દલિત નેતાએ મેળાનું ઉદ્ઘાટન કરતા સરપંચના પુત્રે જીવલેણ હુમલો કર્યો
10 લોકો દલિતવાસ સળગાવી ભાગી ગયા
મણીરામે પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે તેમણે આશરે 8 થી 10 લોકોને અંધારામાં છાપરામાં આગ લગાવીને ખેતરો તરફ ભાગતા જોયા હતા. સૂકી ઘાસ અને લાકડાના બનેલા છાપરા હોવાથી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ગ્રામજનોએ એકઠા થઈને આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી, પરંતુ ત્યાં સુધીમાં ઘણું નુકસાન થઈ ચૂક્યું હતું.
ત્રણ પરિવારો પાયમાલ, લોકો દાઝ્યા
આ ભયાનક આગમાં દલિતવાસના ત્રણ મુખ્ય પરિવારોના ઘર અને તેમાં રહેલી તમામ જીવનજરૂરી ચીજવસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ હતી. અનાજ, કપડાં અને ઘરવખરીનો સામાન નાશ પામ્યો હતો. આગ ઓલવવાના પ્રયાસમાં અને અચાનક લાગેલી આગમાંથી બચવા જતાં ત્રણ લોકો આંશિક રીતે દાઝી ગયા હતા, જેમને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, પીડિત પરિવારો અત્યારે ખુલ્લા આકાશ નીચે આવી ગયા છે.
આ પણ વાંચો: દલિત યુટ્યુબર મુકેશ મોહનને 50 કરોડની માનહાનિ નોટિસ ફટકારાઈ

પોલીસ કાર્યવાહી કરીને 11 લોકો સામે ગુનો નોંધ્યો
ઘટનાની ગંભીરતાને જોતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ કાફલા સાથે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પીડિત મણીરામની લેખિત ફરિયાદના આધારે કોતવાલી પોલીસે ગામના જ 11 શખ્સો વિરુદ્ધ નામજોગ ફરિયાદ દાખલ કરી છે. આ હુમલાખોરો સામે આઈપીસી (IPC) ની આગજનીની કલમો તેમજ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અત્યાચાર નિવારણ અધિનિયમ (એટ્રોસિટી એક્ટ) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
જમીનની જૂની અદાવતમાં જાતિવાદી તત્વોએ ઘા કાઢ્યો
પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ ઘટના પાછળ કોઈ તાત્કાલિક કારણ નહીં પણ વર્ષો જૂનો જમીન વિવાદ જવાબદાર છે. બંને પક્ષો વચ્ચે જમીનના ટુકડાને લઈને લાંબા સમયથી તકરાર ચાલી રહી છે અને આ મામલો હાલ એસડીએમ (SDM) ન્યાયાલયમાં વિચારાધીન છે. આ અદાવતનો બદલો લેવા માટે આંબેડકર જયંતિના દિવસની પસંદગી કરવામાં આવી હોવાનું મનાય છે.
આ પણ વાંચો: દલિત વિદ્યાર્થીઓને ભણાવવાને બદલે શિક્ષક લાકડા વીણવા મોકલે છે
જોકે, ગામમાં બીજી તરફ એવી પણ ચર્ચા છે કે ફરિયાદમાં જે 11 લોકોના નામ આપવામાં આવ્યા છે તેમાં કેટલાક અશક્ત અને વૃદ્ધ વ્યક્તિઓ પણ સામેલ છે. ગ્રામજનોનું કહેવું છે કે રાત્રિના અંધારામાં આટલી ઝડપથી ભાગવું વૃદ્ધો માટે શક્ય નથી. આ બાબતે પોલીસનું કહેવું છે કે કોઈ નિર્દોષ ન ફસાય તે માટે સાવચેતી રાખવામાં આવશે.
ગામમાં તણાવનો માહોલ
બીકાપુરના પ્રભારી નિરીક્ષક અમરેન્દ્ર બહાદુર સિંહે જણાવ્યું હતું કે, “ગામમાં શાંતિ જાળવી રાખવી અમારી પ્રાથમિકતા છે. સીઓ (CO) કક્ષાના અધિકારી દ્વારા સમગ્ર મામલાની તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પુરાવાઓ અને સાક્ષીઓની તપાસ બાદ જ ધરપકડની કાર્યવાહી કરવામાં આવશે.” હાલમાં ગામમાં પીએસીની ટુકડીઓ ગોઠવવામાં આવી છે જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને. તંત્ર દ્વારા પીડિતોને વળતર મળે તે માટેની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો: 14મી એપ્રિલે ગુજરાતના દલિતો 14 મુદ્દાનું માંગણીપત્ર રજૂ કરશે











