ગુજરાતમાં બે દિવસ પહેલા એક પાટીદાર યુવતીની એક મુસ્લિમ યુવક દ્વારા છેડતી કરવામાં આવતા પાટીદારોએ આખું સુરત માથે લીધું હતું. ભાજપના નેતાઓએ રાજકીય લાભ મેળવવા માટે આરોપીનું સરઘસ કાઢ્યું હતું, જ્યાં પોલીસે પણ આરોપીને જાહેરમાં મેથીપાક આપ્યો હતો. ગૃહમંત્રી ખુદ સુરતના છે છતાં આ રીતે જાહેરમાં કાયદાનું હનન થાય, ટોળાંને આરોપીને માર મારવા દેવાયો.
આ ઘટના અહીં ટાંકવાનો મતલબ એટલો જ છે કે છેડતી, રેપ, ગેંગરેપ જેવા ગુનાઓ જ્યારે કથિત સવર્ણ જાતિની યુવતીઓ સાથે બને છે ત્યારે જ પોલીસ, મીડિયા, નેતાઓ, એનજીઓ, મહિલા આયોગ, એક્ટિવિસ્ટો વગેરે જાગે છે, પરંતુ દેશમાં દરરોજ અનેક દલિત, આદિવાસી યુવતીઓ, મહિલાઓ પર બળાત્કાર, ગેંગરેપ, હત્યા જેવી ઘટનાઓ બનતી રહે છે પરંતુ ત્યારે કોઈના પેટનું પાણી પણ હલતું નથી. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે, મનુવાદી આપણો દેશ રેપ અને હત્યા જેવી ઘટનામાં પણ કઈ હદે દલિતો, આદિવાસીઓ સાથે ભેદભાવ દાખવે છે.

આ પણ વાંચો: દલિત મજૂરનું અપહરણ કરી ગળું દબાવી હત્યા કરી દેવાઈ
ભાજપની જ જ્યાં સરકાર છે તે ઉત્તરપ્રદેશમાં સમયાંતરે આવી ઘટનાઓ બનતી રહે છે, અને તાજી ઘટના અહીંના પ્રતાપગઢ જિલ્લામાંથી સામે આવી છે. અહીંના માનિકપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રવિવારે વહેલી સવારે એક 19 વર્ષની દલિત યુવતીની લાશ ઘરથી થોડે દૂર આવેલા બગીચામાં ઝાડ પર લટકતી હાલતમાં મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાસ્થળેથી મળેલા પુરાવા અને યુવતીના શરીર પરના ઈજાના નિશાનને જોતા પ્રાથમિક દ્રષ્ટિએ આ હત્યાનો મામલો હોવાનું સામે આવ્યું છે.
મામલો શું હતો?
માનિકપુર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના એક ગામમાં રહેતી 19 વર્ષીય દલિત યુવતી શનિવારે રાત્રે પરિવાર સાથે જમી લીધા બાદ સૂવા માટે ગઈ હતી. રવિવારે સવારે જ્યારે પરિવારજનો જાગ્યા ત્યારે યુવતી ઘરમાં નહોતી. શોધખોળ દરમિયાન, ઘરથી આશરે 400 મીટર દૂર આવેલા એક બગીચામાં ઝાડ પર તેની લાશ લટકતી હાલતમાં મળી આવી હતી. એડિશનલ સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ (ASP પશ્ચિમ) બ્રજનંદન રાયે જણાવ્યું હતું કે યુવતીના શરીર પર સ્પષ્ટપણે ઈજાના નિશાન જોવા મળ્યા છે, જે તેની સાથે કરવામાં આવેલી બર્બરતા તરફ ઈશારો કરે છે.
આ પણ વાંચો: ‘આ દરબારનો એરિયા છે..’ કહી ભાવનગરમાં દલિત દંપતી પર હુમલો

દુષ્કર્મ બાદ હત્યા કરાયાની આશંકા
ઘટનાસ્થળનું નિરીક્ષણ કરતા પોલીસને લાશથી લગભગ 50 મીટર દૂર યુવતીના ચંપલ અને અંતઃવસ્ત્રો મળી આવ્યા છે. આ પુરાવાઓને પગલે ગ્રામીણો અને પરિવારજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામીણોનો આક્ષેપ છે કે યુવતી સાથે સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું છે અને ત્યારબાદ પુરાવા ભૂંસવા માટે તેની હત્યા કરી લાશને ઝાડ પર લટકાવી આત્મહત્યાનું રૂપ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જોકે, પોલીસે જણાવ્યું છે કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ દુષ્કર્મની સત્તાવાર પુષ્ટિ થઈ શકશે.
પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા
ઘટનાની જાણ થતા જ એસપી અને ફોરેન્સિક ટીમે સ્થળ પર પહોંચીને પુરાવા એકત્ર કર્યા હતા. પોલીસે યુવતીના ભાઈની ફરિયાદના આધારે અજાણ્યા શખ્સો વિરુદ્ધ હત્યાનો ગુનો (FIR) દાખલ કર્યો છે. એએસપી બ્રજનંદન રાયે જણાવ્યું કે, “અમે તમામ પાસાઓ પર તપાસ કરી રહ્યા છીએ. જો પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં દુષ્કર્મની પુષ્ટિ થશે, તો કેસમાં તાત્કાલિક ધોરણે સંબંધિત કલમો ઉમેરવામાં આવશે.” હાલમાં પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે અને રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે.
આ પણ વાંચો: નશામાં ધૂત ભાજપ નેતાએ ડૉ. આંબેડકરની પ્રતિમા ખંડિત કરી નાખી!
હજુ સુધી એક પણ આરોપીની ધરપકડ નહીં
દલિત યુવતીની હત્યાના સમાચાર વાયુવેગે પ્રસરતા ગામમાં ભારે તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ છે. અપ્રિય ઘટનાને ટાળવા માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સ્થાનિકો આરોપીઓની વહેલી તકે ધરપકડ કરવાની માંગ કરી રહ્યા છે. પોલીસની વિવિધ ટીમો શંકાસ્પદ લોકોની પૂછપરછ કરી રહી છે અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી હત્યારાઓ સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે. આ ઘટનાએ ફરી એકવાર મહિલા સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા સામે અનેક સવાલો ઉભા કર્યા છે. અત્યાર સુધી આ મામલે કોઈની ધરપકડ કરવામાં આવી નથી, પરંતુ પોલીસનો દાવો છે કે ટૂંક સમયમાં આરોપીઓ જેલના સળિયા પાછળ હશે.
આ પણ વાંચો: હંગરીનો રોમા સમાજ કેમ ડૉ.આંબેડકરને મુક્તિદાતા માની પૂજે છે?











