મહેસાણા:કડીની 15 વર્ષની દલિત સગીરાને ઈન્સ્ટાગ્રામ પર ભોળવી લગ્નની લાલચ આપી અલગ અલગ હોટલમાં લઈ જઈ હવસનો શિકાર બનાવ્યા બાદ ‘તું દલિત છે એટલે હું તારી સાથે લગ્ન નહીં કરી શકું’ એમ કહીને તરછોડી દેનાર નરાધમ હવે આખી જિંદગી જેલમાં સબડશે. મહેસાણાની સ્પેશિયલ પોક્સો અદાલતે એક મજબૂત ચુકાદો આપ્યો છે. કડી તાલુકાની માત્ર 15 વર્ષની દલિત સગીરાને ઈન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રેમજાળમાં ફસાવી, તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરનાર આરોપી ઠાકોર ઈસુજી જુજારજીને અદાલતે આજીવન કેદની સજા ફટકારી છે.
મામલો શું હતો?
મૂળ મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના દકાનીયા ગામનો વતની ઠાકોર ઈસુજી જુજારજી કડી ખાતે રહેતી સગીરાના સંપર્કમાં આવ્યો હતો. આરોપીએ સગીરાને લગ્ન કરવાની લાલચ આપી ભોળવી હતી. તારીખ 24 માર્ચ 2025ના રોજ બનેલી આ ઘટનામાં આરોપી સગીરાને અલગ-અલગ ગેસ્ટ હાઉસ અને વિવિધ સ્થળોએ લઈ ગયો હતો, જ્યાં તેણે સગીરા પર વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો. જ્યારે પીડિતાએ લગ્ન કરી લેવાની માંગ કરી, ત્યારે આરોપીએ તેની અસલિયત બતાવી હતી. તેણે સગીરાને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરતા કહ્યું હતું કે, “તું દલિત છે તે મને ખબર નહોતી, હવે હું તારી સાથે લગ્ન નહીં કરું.” આટલું કહી તેણે સગીરાને તરછોડી દીધી હતી.

આ પણ વાંચો: આદિવાસી યુવતીને જંગલમાં ખેંચી જઈ પાંચ શખ્સોએ ગેંગરેપ કર્યો
સગીરા ગુમ થતા ચિંતાતુર પરિવારે શોધખોળ આદરી હતી, પરંતુ પતો ન મળતા તેમણે નવસર્જન ટ્રસ્ટ મેહસાણાના કાર્યકરોની મદદ લીધી હતી. કડી પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ BNS 87, 65(1), 137(2) તેમજ પોક્સો એક્ટ 4(2), 7 અને એટ્રોસિટી એક્ટ 3(1)r, 3(1)s, 3(2)(5) મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
મધરાતે પોલીસે ધરપકડ ઓપરેશન ચલાવ્યું
ફરિયાદ બાદ કડી પોલીસ અને નવસર્જન ટ્રસ્ટની ટીમે આરોપીને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા હતા. પી.એસ.આઈ. વાઘેલા અને તેમની ટીમે પીડિતા સાથે જી.આઈ.ડી.સી. ઈરાણા પાટિયા ખાતે તપાસ કરી, પરંતુ ત્યાં સફળતા મળી નહોતી. અંતે, રાત્રિના એક વાગ્યે ટેકનિકલ સર્વેલન્સ અને અન્ય મોબાઈલ નંબર દ્વારા સગીરા સાથે વાત કરાવી લોકેશન મેળવવામાં આવ્યું હતું. આરોપી ઈરાણા પાટિયા પાસેની એક કંપનીની ઓરડીમાં ગોદડી ઓઢીને છુપાયો હતો. પોલીસે કંપનીનો ગેટ કૂદીને આરોપીને રંગેહાથ ઝડપી પાડ્યો હતો.
આ પણ વાંચો: ‘તમારો વરઘોડો રોકે તો અમને કંકોતરી આપજો, ધામધૂમથી લગ્ન કરાવીશું’

કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી
આ કેસ મહેસાણાના સ્પેશિયલ પોક્સો જજ એસ. એસ. કાળેની કોર્ટમાં ચાલ્યો હતો. નવસર્જન ટ્રસ્ટ દ્વારા ભોગ બનનારને કાનૂની માર્ગદર્શન અને ન્યાયિક લડતમાં સંપૂર્ણ સહકાર આપવામાં આવ્યો હતો. અદાલતે તમામ પુરાવાઓ અને સાક્ષીઓને ધ્યાને રાખી તારીખ 23 એપ્રિલ 2026ના રોજ આરોપીને તકસીરવાન ઠેરવી આજીવન કેદની સજા ફટકારી હતી. સાથે જ આરોપીને રૂ. 50,000નો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.
આ પણ વાંચો: અમરેલીમાં કેન્ટીનમાં ભોજન એઠું મૂકવા બદલ દલિત યુવકની હત્યા!
નવર્સજન ટ્રસ્ટના બે કાર્યકરોની ઉમદા કામીગીરી
ન્યાયની આ લડત માત્ર સજા સુધી સીમિત નહોતી. નવસર્જન ટ્રસ્ટના બે કાર્યકરો ભરતભાઈ પરમાર અને શાંતાબેન દ્રારા પીડિત દીકરીને માનસિક અને આર્થિક રીતે સક્ષમ બનાવવા માટે દલિત શક્તિ કેન્દ્ર, નાની દેવતી ખાતે બ્યુટી પાર્લરની વ્યાવસાયિક તાલીમ અપાવી હતી. આજે આ દીકરી સ્વનિર્ભર બનીને ગૌરવપૂર્ણ જીવન જીવી રહી છે.
અહીં એ પણ યાદ રાખવું રહ્યું કે, વર્ષ 2024 થી 2026 દરમિયાન નવસર્જન ટ્રસ્ટના સઘન પ્રયાસોથી પોક્સો અને એટ્રોસિટી એક્ટના કુલ 10 ગંભીર કેસોમાં આરોપીઓને સજા મળી છે, જેમાંથી 5 કેસમાં આજીવન કેદ અને 5 કેસમાં ત્રણ વર્ષ સુધીની સજાનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો: કડીમાં આખા વિસ્તારનો દસ્તાવેજ બિલ્ડરના નામે થઈ ગયો!











