એટ્રોસિટીનો આરોપી પણ છૂટી જશે, પોલીસે છટકબારી શોધી કાઢી!

ગુજરાતમાં એટ્રોસિટી એક્ટ હેઠળના ગુનાઓમાં આરોપીઓને BNSS કલમ 35 હેઠળ નોટિસ આપી મુક્ત કરવાની પોલીસ પદ્ધતિ સામે મુખ્યમંત્રી અને DGPને રજૂઆત કરાઈ.
atrocity

અમદાવાદ: ગુજરાતમાં અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) વિરુદ્ધના અત્યાચારના કેસોમાં પોલીસ તંત્ર દ્વારા અપનાવવામાં આવતી કાર્યપદ્ધતિ સામે ગંભીર સવાલો ઉભા થયા છે. સામાજિક કાર્યકર્તા કાંતિલાલ પરમારે રાજ્યના મુખ્યમંત્રી, ગૃહમંત્રી, પોલીસ મહાનિદેશક (DGP) અને સામાજિક ન્યાય વિભાગને લેખિત રજૂઆત કરી છે કે, એટ્રોસિટી એક્ટ હેઠળના ગંભીર ગુનાઓમાં આરોપીઓની ધરપકડ કરવાને બદલે ‘ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા’ (BNSS) ની કલમ 35 હેઠળ માત્ર નોટિસ આપીને મુક્ત કરવાની પ્રથા કાયદાના મૂળ હેતુને નબળો પાડી રહી છે.

કાયદાકીય જોગવાઈઓનું ખોટું અર્થઘટન

કાંતિલાલ પરમારે રજૂઆતમાં જણાવ્યું છે કે, એટ્રોસિટી એક્ટની કલમ 18-એ સ્પષ્ટપણે નિર્દેશ કરે છે કે આવા ગુનાઓમાં આરોપીની ધરપકડ માટે કોઈ પૂર્વ મંજૂરી કે પ્રાથમિક તપાસની આવશ્યકતા નથી. તેમ છતાં, રાજ્યના વિવિધ પોલીસ સ્ટેશનોમાં સુપ્રીમ કોર્ટના ‘અર્નેશ કુમાર’ ચુકાદાનું મનસ્વી અને ખોટું અર્થઘટન કરવામાં આવી રહ્યું છે. સાત વર્ષથી ઓછી સજા હોય તેવા કેસોમાં નોટિસ આપવાની જોગવાઈનો ઉપયોગ કરીને એટ્રોસિટી જેવા સંવેદનશીલ કેસોમાં આરોપીઓને ધરપકડમાંથી રક્ષણ આપવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો: અમરેલીના દલિત યુવાનની હત્યાના બે દિવસ બાદ પણ ન્યાયની પ્રતીક્ષા

પીડિતોની સુરક્ષા અને ન્યાયિક પ્રક્રિયામાં અવરોધ

કાંતિલાલ પરમારની રજૂઆત મુજબ, આરોપીઓની તુરંત ધરપકડ ન થવાને કારણે તેઓ બહાર રહીને પીડિતો અને સાક્ષીઓ પર દબાણ લાવે છે અથવા તેમને ધમકાવે છે. BNSS ની કલમ 35(6) મુજબ જો આરોપી સાક્ષીઓને પ્રભાવિત કરે તેવી શક્યતા હોય તો ધરપકડ અનિવાર્ય છે, પરંતુ પોલીસ આ પાસાની અવગણના કરી રહી છે. વધુમાં, એટ્રોસિટી એક્ટની કલમ 15-A હેઠળ પીડિતને જામીન અરજી વખતે સાંભળવાનો જે કાનૂની અધિકાર છે, તે ધરપકડ વગર નોટિસ આપીને મુક્ત કરવાની પદ્ધતિને કારણે બાયપાસ થઈ રહ્યો છે.

આ પણ વાંચો: ભાજપની રાજપૂત મહિલા નેતા નકલી SC સર્ટિફિકેટ પર મંત્રી બની ગઈ?

મુખ્ય માંગણીઓ

કાંતિલાલ પરમારે સરકાર સમક્ષ માંગ કરી છે કે એટ્રોસિટી કેસોમાં BNSS કલમ 35નો યાંત્રિક ઉપયોગ તત્કાલ બંધ કરવામાં આવે. ગુનાની ગંભીરતા અને સામાજિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે તે અનિવાર્ય છે. જો કોઈ સંજોગોમાં ધરપકડ ન કરવામાં આવે, તો તેના કારણો લેખિતમાં અને ન્યાયસંગત હોવા જોઈએ. રાજ્ય સ્તરે આ બાબતે સ્પષ્ટ માર્ગદર્શિકા જાહેર કરી એટ્રોસિટી એક્ટની કલમ 18-એ અને 15-એ નો કડક અમલ સુનિશ્ચિત કરવાની માંગ કરવામાં આવી છે. આ લડત બંધારણીય અધિકારો અને સામાજિક ન્યાયના રક્ષણ માટે હોવાનું જણાવી, તેમણે રાજ્ય સરકારને આ બાબતે ત્વરિત હસ્તક્ષેપ કરવા અપીલ કરી છે.

આ પણ વાંચો: મમતા બેનરજી સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાશે!

4 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
પ્રેમલગ્નોમાં માતાપિતાની સહી ફરજિયાત કરવા વિશે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x