મહેસાણાની સ્પેશિયલ પોક્સો કોર્ટે (Mehsana POCSO Court Verdict) કડી પંથકની દલિત સગીરા પર થયેલા શ્રેણીબદ્ધ સામુહિક દુષ્કર્મ (Kadi Dalit Minor Rape Case) અને તેના પરિવારના આત્મહત્યાના મામલે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. કોર્ટે તમામ 6 નરાધમોને અંતિમ શ્વાસ સુધી આજીવન કેદની આકરી સજા ફટકારી છે. ઘટના કેટલી ગંભીર હતી તેનો અંદાજ એ બાબત પરથી પણ આવી જાય છે કે, સગીરાએ બદનામીના કારણે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. સગીર દીકરી સાથે બનેલી આ ઘટનાથી તેનો પરિવાર પર હતપ્રભ થઈ ગયો હતો અને સગીરાના મજૂર પિતાએ બદનામીના કારણે કેનાલમાં કૂદીને આપઘાત કરી લીધો હતો. આમ નરાધમોને કારણે એક હર્યુંભર્યું કુટુંબ ખતમ થઈ ગયું હતું.
સગીરાને 7 દિવસ સુધી અલગ અલગ જગ્યાએ લઈ જઈને નજીવી રકમમાં વેચી દઈને આરોપીઓએ તેના પર દુષ્કર્મ આચર્યું હતું. ગુજરાત આખાને હચમચાવી નાખનારા આ કેસમાં મહેસાણાની સ્પેશિયલ પોક્સો કોર્ટે સજા સંભળાવી છે. કડી પંથકની એક 15 વર્ષની દલિત સગીરાને લાલચ આપી ભગાડી ગયા બાદ, નરાધમોએ તેને રમતનું સાધન બનાવી એકબીજાને વેચી દીધી હતી. આ કેસમાં કાયદાકીય લડત બાદ જજ એસ.એસ. કાલેએ તમામ છ આરોપીઓને કસૂરવાર ઠેરવી મૃત્યુ સુધી જેલની સજા અને પ્રત્યેકને રૂપિયા 30 હજારના દંડનો હુકમ કર્યો છે.

મિત્રતાથી શરૂ થયેલો અત્યાચારનો સિલસિલો
આ કેસની હકીકત કોઈ ફિલ્મથી પણ વધુ કરુણ છે. માર્ચ 2025માં કડીના મેડાઆદરજ ગામનો રોનક ચાવડા નામનો યુવક સગીરા સાથે મિત્રતા કેળવી તેને લલચાવી ફોસલાવી અમદાવાદ લઈ આવ્યો હતો. અમદાવાદના ગોતા વિસ્તારમાં હોટલ સંચાલકોએ સગીરાની ઉંમર નાની હોવાનું જણાતા રૂમ આપવાનો ઇનકાર કર્યો હતો. પકડાઈ જવાની બીકે રોનક સગીરાને રસ્તા પર નિસહાય હાલતમાં છોડીને ભાગી ગયો હતો. અહીંથી સગીરાની ખરી યાતના શરૂ થઈ હતી. રસ્તા પર ઉભેલી સગીરાને મદદ કરવાના બહાને સાહિલ બાદરાણી નામનો રિક્ષાચાલક પોતાની જાળમાં ફસાવી સુરેન્દ્રનગર લઈ ગયો હતો. સાહિલે અવાવરું જગ્યાએ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું અને ત્યારબાદ પોતાની હવસ સંતોષવા અને પૈસા કમાવવા તેને અન્ય નરાધમોને સોંપી દીધી હતી.
સગીરાને 20-20 હજારમાં વેચી નરાધમોએ હવસ સંતોષી
પોલીસ તપાસ અને કોર્ટમાં રજૂ થયેલા પુરાવા મુજબ, સગીરાને કોઈ વસ્તુની જેમ 20-20 હજાર રૂપિયામાં એકબીજાને વેચવામાં આવી હતી. 12મી માર્ચથી 19મી માર્ચ દરમિયાન સગીરા પર સાહિલ બાદરાણી, ઇમરાન મુલતાની, અકબર મુલ્લા, ભાવિન શાહ અને રાહુલ રાવળ નામના શખ્સોએ અલગ-અલગ શહેરોમાં લઈ જઈ પશુવત અત્યાચાર ગુજાર્યો હતો. આ સાત દિવસોમાં સગીરાને અસહ્ય માનસિક અને શારીરિક યાતનાઓ આપવામાં આવી હતી. અંતે હવસખોરો તેને અમદાવાદના એક બગીચામાં છોડીને ફરાર થઈ ગયા હતા, જ્યાંથી સિક્યુરિટી ગાર્ડની સતર્કતાને કારણે તે પોલીસ પાસે પહોંચી શકી હતી.
સગીરાએ ગળેફાંસો ખાધો, પિતા કેનાલમાં કૂદી ગયા
જ્યારે સગીરા તેના ઘરે પરત ફરી, ત્યારે તે અત્યંત આઘાતમાં હતી. નવસર્જન ટ્રસ્ટના કાર્યકરોએ પરિવારની વ્હારે આવી કાયદાકીય પ્રક્રિયામાં મદદ કરી અને પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જોકે, નરાધમોએ આચરેલા આ પાશવી કૃત્યનો આઘાત સગીરા સહન ન કરી શકી. 7 એપ્રિલ 2025ના રોજ તેણે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. પુત્રીના વિરહ અને સમાજમાં લાગેલી બદનામીથી ભાંગી પડેલા મજૂર પિતાએ પણ તેના એક મહિના બાદ 8 મે 2025ના રોજ કેનાલમાં ઝંપલાવી આત્મહત્યા કરી હતી. આખું હસતું-રમતું કુટુંબ વેરવિખેર થઈ ગયું હતું.
19 સાક્ષીઓની જુબાની રજૂ કરાઈ
સરકારી વકીલ નિર્મળભાઈ એસ. શાહ દ્વારા કોર્ટમાં 45 જેટલા દસ્તાવેજી પુરાવા અને 19 સાક્ષીઓની જુબાની રજૂ કરવામાં આવી હતી. આ ચુકાદા દ્વારા કોર્ટે એક મજબૂત મેસેજ આપ્યો છે. હાલમાં આ પીડિત પરિવારની વિધવા માતા ન્યાયની આ લડતમાં એકલી પડી ગઈ છે, પરંતુ કોર્ટના આ આકરા વલણથી પીડિત આત્માઓને ન્યાય મળ્યો હોવાનું પ્રતીત થાય છે. કોર્ટે નોંધ્યું કે આ કેસમાં પીડિતા અને તેના પિતાના મૃત્યુ માટે પણ આ આરોપીઓ જ જવાબદાર છે. તેથી તમામને આજીવન કેદની આકરી સજા ફટકારવામાં આવી હતી.

સજા પામેલા નરાધમોના નામ
રોનક જગદીશભાઈ ચાવડા (કડી)
ભાવિન ઉર્ફે ભીમાભાઇ સુરેશભાઈ શાહ (અમદાવાદ)
રાહુલ નટવરલાલ રાવળ (અમદાવાદ)
સાહિલ જુમ્માભાઈ બાદરાણી (રિક્ષા ચાલક, અમદાવાદ)
ઇમરાન ફિરોજભાઈ મુલતાની (સુરેન્દ્રનગર)
અકબર રહેમાનભાઈ મુલ્લા (સુરેન્દ્રનગર)
આ પણ વાંચોઃ કડીની દલિત સગીરાને 20 હજારમાં વેચી 5 લોકોએ રેપ કર્યો
આ પણ વાંચોઃ દલિત સગીરાને બગીચામાં ખેંચી જઈ ધોળા દિવસે 5 લોકોએ ગેંગરેપ કર્યો
આ પણ વાંચોઃ દલિત સગીરા પર બ્રાહ્મણ યુવકે રેપ કરી બ્લિડીંગ બંધ ન થતા ઝાડીમાં ફેંકી દીધી












