દેશમાં કથિત સવર્ણ જાતિના ગુંડાઓ ખૂલ્લેઆમ દલિતો પર અત્યાચાર કરી રહ્યાં છે. તેનું તાજું ઉદાહરણ આ ઘટના છે. મામલો જાતિવાદ અને સવર્ણ ગુંડાઓની દાદાગીરી માટે કુખ્યાત યુપીનો છે. અહીંના કાનપુરના ઝખરા-સંભરપુર ગામમાં એક જાહેર નળ પર પાણી પીતા 16 વર્ષીય દલિત સગીરને ગામના રાજપૂતોએ સબક શીખવડાવામાં માણસાઈની તમામ મર્યાદાઓ વટાવી નાખી હતી.
જાતિવાદી ગુંડાઓએ નિર્દોષ દલિત સગીરને મુર્ગા બનાવી પોતાના જૂતામાં પાણી ભરીને બળજબરીથી પીવડાવ્યું હતું. એટલું જ નહીં, આરોપીઓએ દલિત સગીરને નગ્ન કરી ઢોર માર માર્યો, જૂતામાં થૂંકીને તે થૂંક ચાટવા મજબૂર કર્યો અને પછી ગંગાજળ છાંટીને પોતે પવિત્ર થયા હતા. આ ઘટનાએ સમગ્ર કાનપુર પંથકમાં ચકચાર મચાવી દીધી છે.

નિર્દોષ દલિત સગીરને પાણી પીવાની સજા મળી
મળતી માહિતી મુજબ, ઝખરા-સંભરપુર ગામનો રહેવાસી અને મજૂરી કામ કરતો રિંકુ નામનો દલિત વ્યક્તિ 2 મેની રાત્રે આશરે 9.00 વાગ્યે તેના 16 વર્ષના સગીર પુત્ર સાથે ખેતરમાં કામ કરી રહ્યો હતો. આ દરમિયાન સગીર પુત્ર નજીકમાં આવેલા સરકારી હેન્ડપંપ પર પાણી પીવા માટે ગયો હતો. હેન્ડપંપ પાસે અગાઉથી હાજર સંજય લોધી (રાજપૂત), તેનો ભાઈ દીપક, અને તેમના સાથીદારો સાગર તથા પટિયાએ સગીરને પાણી પીતા અટકાવ્યો હતો. આરોપીઓએ ત્યાં રાખેલી પાણીની ડોલને સગીરે સ્પર્શ કર્યો હોવાનો આક્ષેપ લગાવી જાતિસૂચક અપશબ્દો બોલવાનું શરૂ કર્યું હતું.
આ પણ વાંચો: બોટાદના સમતા બુદ્ધ વિહારમાં ચૈત્ર પૂર્ણિમા ઉત્સવ ઉજવાયો
દલિત સગીરને નગ્ન કરી જૂતામાં થૂંક ચટાડ્યું
પીડિત પક્ષના જણાવ્યા અનુસાર, આરોપીઓએ ‘નીચી જ્ઞાતિના છોકરાએ ડોલ અડીને ધર્મ ભ્રષ્ટ કર્યો છે’ તેમ કહી નિર્દોષ દલિત સગીર પર હુમલો કર્યો હતો. આરોપીઓએ સગીરના કપડાં ઉતરાવી તેને નગ્ન કર્યો હતો અને ત્યારબાદ તેને ‘મુર્ગા’ બનવાની ફરજ પાડી હતી. આટલેથી ન અટકતા, આરોપીઓએ સગીરને લાકડીઓ અને લાતોથી બેરહમીથી માર માર્યો હતો. પીડિતે આક્ષેપ કર્યો છે કે આરોપીઓએ પોતાના જૂતામાં થૂંકીને તેને ચટાડવાની ફરજ પાડી હતી અને ત્યારબાદ તે જ જૂતામાં પાણી ભરીને તેને પીવડાવ્યું હતું. આ અમાનુષી કૃત્ય બાદ, આરોપીઓએ હેન્ડપંપ અને પોતાની આસપાસ ‘શુદ્ધિકરણ’ માટે ગંગાજળનો છંટકાવ પણ કર્યો હતો.
બચાવવા ગયેલા પિતાને પણ માર માર્યો
પુત્રની બૂમો સાંભળીને જ્યારે પિતા રિંકુ ઘટનાસ્થળે પહોંચ્યા, ત્યારે આરોપીઓએ તેમના પર પણ લાકડીઓથી હુમલો કર્યો હતો. આ હુમલામાં સગીર પુત્રનો હાથ તૂટી ગયો હતો અને પિતાની પાંસળીઓમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. બંને ઘાયલોને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં અને ત્યારબાદ ઉર્સલા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: ફિનલેન્ડ કેવી રીતે વર્ષોથી દુનિયાનો સૌથી ખુશ દેશ છે, શું છે રહસ્ય?
ગંભીર ઘટના છતાં પોલીસની ઢીલી કામગીરી
પીડિત પરિવારનો આક્ષેપ છે કે ઘટનાની રાત્રે જ ‘ડાયલ-112’ પર પોલીસને જાણ કરવામાં આવી હોવા છતાં ચોકી ઈન્ચાર્જ અને થાણા પ્રભારી દ્વારા 4-5 દિવસ સુધી મામલાને દબાવવાનો પ્રયાસ કરાયો હતો અને કોઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી ન હતી. આખરે પીડિત પરિવારે વકીલ મારફતે ઉચ્ચ પોલીસ અધિકારીઓનો સંપર્ક સાધતા મામલો ગરમાયો હતો અને પોલીસ હરકતમાં આવી હતી. ઉચ્ચ અધિકારીઓના હસ્તક્ષેપ બાદ સચેંડી પોલીસ મથકે ચાર નામજોગ આરોપીઓ વિરુદ્ધ SC-ST Act અને અન્ય સુસંગત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
પોલીસે શું કહ્યું?
વેસ્ટ કાનપુરના ડીસીપી એસ.એમ. કાસિમ આબિદીએ જણાવ્યું હતું કે, પ્રાથમિક તપાસમાં આ વિવાદ ખેતરમાં કચરો નાખવા અને શૌચ કરવા બાબતે બે પક્ષો વચ્ચે થયેલી મારામારીનો હોવાનું જણાય છે. પોલીસની તપાસ દરમિયાન જૂતામાં પાણી પીવડાવવા અને થૂંક ચટાડવાના આરોપોની સત્તાવાર પૃષ્ટિ થઈ નથી. જો કે, પીડિતની ફરિયાદના આધારે ગુનો નોંધી મુખ્ય આરોપી સંજય રાજપૂતને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે અને અન્ય ફરાર આરોપીઓની ધરપકડ માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. સમગ્ર મામલાની ઊંડાણપૂર્વકની તપાસ એસીપી પનકી દ્વારા ચલાવવામાં આવી રહી છે.
આ પણ વાંચો: દલિત સરપંચના પતિને મોં કાળું કરી, જૂતા પહેરાવી ગામમાં ફેરવ્યા











