Dalit News: મધ્યપ્રદેશના છતરપુર જિલ્લાના બનગાય ગામમાં જાતિગત ભેદભાવ અને હિંસાની એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. અહીં વાળ કાપવાની દુકાનમાં ખુરશી પર બેસવા જેવી સામાન્ય બાબતમાં એક 23 વર્ષીય મૂકબધિર દલિત યુવકને લોખંડની પાઇપ અને લાકડીઓ વડે બેરહેમીથી માર મારવામાં આવ્યો હતો. પીડિત યુવકને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા અડધો ડઝન જેટલા ટાંકા આવ્યા છે. આ ઘટના 2 મે ના રોજ ઘટી હોવા છતાં, સ્થાનિક પોલીસ દ્વારા 12 દિવસ સુધી ગુનો નોંધવામાં ન આવતા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ગંભીર સવાલો ઊભા થયા છે. શુક્રવારે પીડિત ન્યાયની આશાએ તેના પિતા સાથે એસપી કચેરીએ પહોંચ્યો હતો.
મળતી માહિતી મુજબ, ઓરછા થાણા વિસ્તારના ભગવંતપુરા ગામનો રહેવાસી રામકિશન અહિરવાર (ઉંમર 23 વર્ષ) મૂકબધિર છે. તેના પોતાના ગામમાં સલૂનની દુકાન ન હોવાથી તે પડોશના બનગાય ગામમાં વાળ કપાવવા ગયો હતો. દુકાનમાં ભીડ હોવાને કારણે રામકિશન ત્યાં પડેલી ખુરશી પર બેસી ગયો હતો. આ દરમિયાન ત્યાં હાજર સ્થાનિક લોકોએ તેનું નામ અને જાતિ પૂછી હતી. યુવક બોલી કે સાંભળી શકતો ન હોવાથી તે કોઈ જવાબ આપી શક્યો નહીં. જોકે, દુકાનદારે હાજર લોકોને જણાવ્યું કે આ યુવક પડોશના ગામનો દલિત સમાજનો છે.

આ પણ વાંચોઃ વાળંદો દલિતોના વાળ નહોતા કાપતા, સરકારે દલિતો માટે ‘સરકારી સલૂન’ ખોલ્યાં
પીડિતના પરિવારના જણાવ્યા અનુસાર, યુવકની જાતિની ખબર પડતાં જ ત્યાં હાજર હન્નુ વિશ્વકર્મા નામના વ્યક્તિએ ભારે વિરોધ નોંધાવ્યો હતો. તેણે જાતિસૂચક અપશબ્દો કહીને યુવકને ખુરશી પરથી ઊભા થઈ જવા આદેશ આપ્યો હતો. મૂકબધિર યુવક કશું સમજી ન શકતા તે ખુરશી પર જ બેસી રહ્યો હતો. આથી ઉશ્કેરાયેલા આરોપીએ ખુરશી અને યુવક પર પાણી રેડ્યું હતું અને ત્યારબાદ લોખંડની રોડ વડે તેના પર જીવલેણ હુમલો કરી દીધો હતો. હુમલામાં યુવક લોહીલુહાણ થઈ ગયો હતો.
પીડિતના પિતા કામતા અહિરવારના આક્ષેપ મુજબ, લોહીલુહાણ હાલતમાં જ્યારે તેઓ પુત્રને લઈને લુગાસી ચોકીએ પહોંચ્યા ત્યારે પોલીસે કેસ નોંધવાનો સાફ ઈનકાર કરી દીધો હતો. ચોકી પ્રભારી ઓશો ગુપ્તાએ તર્ક આપ્યો હતો કે યુવક મૂકબધિર હોવાથી પ્રથમ સાઇન લેંગ્વેજ એક્સપર્ટ (સંકેત ભાષાના નિષ્ણાત) સમક્ષ તેના નિવેદન લેવાશે, ત્યારબાદ જ FIR દાખલ થશે. પિતાએ સવાલ ઉઠાવ્યો હતો કે પીડિતનો પિતા પોતે હાજર રહીને ઘટનાની વિગત આપતો હોવા છતાં ફરિયાદ કેમ ન લેવાઈ? શું દિવ્યાંગો માટે કાયદો અલગ છે?
આ મામલો મીડિયામાં આવ્યા બાદ છતરપુરના એસપી રજત સકલેચાએ આખરે નોંધ લીધી હતી. તેમણે જણાવ્યું કે યુવકની ભાષા સમજવામાં મુશ્કેલી નડે તેમ હોવાથી, હવે તેના પિતાના સત્તાવાર નિવેદનના આધારે જ તાત્કાલિક FIR નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા આદેશ કરાયા છે. આ ઘટનાએ ફરી એકવાર જાતિવાદી તત્વોની દાદાગીરીને ઉજાગર કરી દીધી છે.

આ પણ વાંચોઃ બનાસકાંઠામાં આઝાદીના 78 વર્ષ બાદ વાળંદે દલિતોના વાળ કાપ્યા











