એક તરફ અયોધ્યા મંદિરમાં ચોરીના સમાચારો દેશભરમાં ચર્ચામાં છે અને તેની તપાસ ચાલી રહી છે, ત્યારે બીજી તરફ બિહારના નાલંદા જિલ્લામાંથી મોબ લિંચીંગની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. નાલંદાના રાજગીર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવેલા ઝુનકિયા બાબા મંદિર પાસે ચોરીના આરોપમાં બે દલિત યુવકોને ટોળા દ્વારા બેરહેમીથી માર મારવામાં આવ્યો હતો. આ હુમલામાં બંને યુવકો ગંભીર રીતે ઘાયલ થયા હતા અને હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મોત થયું છે.
મેળામાં ગયેલા દલિત યુવકો પર જીવલેણ હુમલો
પ્રાપ્ત માહિતી અનુસાર, બંને યુવકો રાજગીરના પ્રખ્યાત ઝુનકિયા બાબા મંદિરમાં આયોજિત મલમાસ મેળામાં ફરવા માટે ગયા હતા. ત્યાં હાજર ભીડે તેમને ચોર સમજીને પકડી લીધા હતા અને માર મારવાનું શરૂ કરી દીધું હતી. મૃતક યુવકોની ઓળખ પિન્ટૂ પાસવાન (ઉંમર 24 વર્ષ) અને શ્રવણ પાસવાન (ઉંમર 24 વર્ષ) તરીકે થઈ છે, જેઓ દલિત સમાજના હતા. આ વર્ષે જૂન મહિનામાં બિહારમાં આ ચોથો એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જ્યાં દલિત વ્યક્તિઓની પીટ-પીટમાર મારીને હત્યા કરવામાં આવી હોય.

આ પણ વાંચો: ‘તારા તો પગ ભાંગવાના છે!’ ખનન માફિયાઓની દલિત મહિલાને ધમકી
મંદિરના વહીવટકર્તાઓએ શું કહ્યું
અખિલ ભારતીય મહામંડલેશ્વર મહંત અંતર્યામી શરણના જણાવ્યા અનુસાર, છેલ્લા કેટલાક દિવસોથી મંદિરમાં ચોરીની અનેક ઘટનાઓ બની ચૂકી હતી, જેના કારણે ભક્તોમાં ભારે રોષ હતો. મલમાસ મેળાના કારણે મંદિર પરિસરમાં હજારો શ્રદ્ધાળુઓ એકત્રિત થયા હતા. 15 જૂન 2026ની વહેલી સવારે આશરે 3.30 વાગ્યે ચાર યુવકો પંગત વિસ્તારમાં શંકાસ્પદ સ્થિતિમાં જોવા મળ્યા હતા. કેટલાક લોકોએ તેમનો પીછો કરતા ભાગતી વખતે બે યુવકો નીચે પડી ગયા હતા, જેમને ભીડે પકડી લીધા હતા.
ટોળાએ તેમના પર ચોરીનો આરોપ લગાવી લાકડી અને દંડા વડે બેરહેમીથી માર મારવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ મંદિરની સુરક્ષા ટીમે દરમિયાનગીરી કરીને બંને યુવકોને ભીડમાંથી બચાવ્યા હતા અને સ્થાનિક પોલીસને સોંપ્યા હતા. પોલીસ બંને ગંભીર રીતે ઘાયલ યુવકોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલ લઈ ગઈ હતી, પરંતુ ગંભીર ઈજાઓના કારણે સારવાર દરમિયાન જ બંનેએ દમ તોડી દીધો હતો.
આ પણ વાંચો: ‘હું દલિત છું’ કહેતા જ કોક્રોચ જનતા પાર્ટીનો અભિજીત દીપકે ટ્રોલ થયો

પોલીસ અને વહીવટીતંત્રની કાર્યવાહી
રાજગીરના ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ (DSP) ના જણાવ્યા અનુસાર, સ્થાનિક પોલીસને માહિતી મળી હતી કે ચોરીના આરોપમાં બે યુવકોને પકડી રાખવામાં આવ્યા છે. માહિતી મળતાની સાથે જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને બંનેને કસ્ટડીમાં લઈને હોસ્પિટલ પહોંચાડ્યા હતા. પ્રશાસન હાલમાં આ સમગ્ર મામલાના તમામ પાસાઓની ગંભીરતાથી તપાસ કરી રહ્યું છે.
રાજગીર ડીએસપીએ સ્પષ્ટ કર્યું છે કે દેશમાં કોઈપણ વ્યક્તિને કાયદો પોતાના હાથમાં લેવાનો અધિકાર નથી. આ હુમલામાં સામેલ અને મારપીટ કરનારા તમામ દોષિતોની ઓળખ કરવા માટે શોધખોળ ચાલુ છે અને તેમની સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. હાલ અહીં સ્થિતિ નિયંત્રણમાં રાખવા સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે.
આ પણ વાંચો: આદિવાસીની રૂ. 6.60 કરોડની જમીન અધિકારીઓએ માત્ર 6 લાખમાં પડાવી











