કેન્દ્રીય મંત્રી ભગીરથ ચૌધરીને પોતાના જ મંત્રાલયે 99 લાખની સબસીડી આપી!

Union Minister Bhagirath Chaudhary

નવી દિલ્હી: કેન્દ્રીય કૃષિ અને કલ્યાણ રાજ્ય મંત્રી ભગીરથ ચૌધરી પોતાના જ મંત્રાલય હસ્તકની યોજનામાંથી મોટી રકમની સબસિડી મેળવીને વિવાદોમાં ઘેરાયા છે. ‘ધ ઈન્ડિયન એક્સપ્રેસ’ના એક ખોજી અહેવાલમાં દાવો કરાયો છે કે મંત્રીને કાકડીની વ્યાવસાયિક ખેતી માટે ₹99.03 લાખની સરકારી સબસિડી ફાળવવામાં આવી છે. આ ઉપરાંત એક વરિષ્ઠ IAS અધિકારી નરેશ પાલ ગંગવારના પરિવારને પણ આ જ યોજના હેઠળ ₹1.16 કરોડથી વધુની સબસિડી મળી છે. હિતોના ટકરાવ (કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ) નો આ મામલો સામે આવ્યા બાદ રાજકીય અને વહીવટી વર્તુળોમાં નૈતિકતા મુદ્દે મોટા સવાલો ઊભા થયા છે.

પ્રોજેક્ટની વિગત અને સબસિડીની પ્રક્રિયા

આ સમગ્ર મામલો રાજસ્થાનના દીડવાના-કુચામન જિલ્લાના પીહ ગામમાં આવેલા મંત્રી ભગીરથ ચૌધરીના ફાર્મ સાથે જોડાયેલો છે. ખેતરમાં મોટા પાયે કાકડીની વ્યાવસાયિક ખેતી કરવા માટે તેમણે એક પોલીહાઉસ પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. આ પ્રોજેક્ટની કુલ અંદાજિત કિંમત ₹1.99 કરોડ હતી. જેમાં ₹49.80 લાખ મંત્રીએ સ્વયં રોક્યા હતા, જ્યારે ₹1.49 કરોડની રકમ બેંકમાંથી લોન પેટે મેળવવામાં આવી હતી.

આ પણ વાંચો: બ્રાહ્મણ યુવકોએ કાર ન હટાવતા 14મી એપ્રિલની રેલીમાં હિંસા ફાટી નીકળી!

પ્રોજેક્ટ પ્રોડક્શન પૂર્ણ થયા બાદ રાષ્ટ્રીય બાગાયત બોર્ડ (NHB) ની યોજના હેઠળ ₹99.03 લાખની સબસિડી સીધી મંત્રીના બેંક લોન ખાતામાં જમા કરી દેવામાં આવી હતી. મંત્રીના ફાર્મ પર લાગેલા બોર્ડ પર બોર્ડ તરફથી સહાય મળી હોવાનો ઉલ્લેખ છે, પરંતુ તે મેળવનાર ખુદ કેન્દ્રીય મંત્રી છે તેવી કોઈ સ્પષ્ટતા ત્યાં કરાઈ નથી.

મંત્રાલયના હોદ્દા અને હિતોનું ટકરાવ

વિવાદનું મુખ્ય કારણ એ છે કે જે રાષ્ટ્રીય બાગાયત બોર્ડ દ્વારા આ સબસિડી મંજૂર કરવામાં આવી છે તે સીધું કેન્દ્રીય કૃષિ મંત્રાલય હેઠળ કામ કરે છે. આ બોર્ડના હોદ્દાની રૂએ કેન્દ્રીય કૃષિ મંત્રી તેના અધ્યક્ષ હોય છે અને કૃષિ રાજ્ય મંત્રી એટલે કે ખુદ ભગીરથ ચૌધરી તેના ઉપાધ્યક્ષ છે. જો કે, નિયમો અનુસાર પ્રોજેક્ટની અંતિમ મંજૂરી એક અલગ પ્રોજેક્ટ અપ્રૂવલ કમિટી આપે છે, જેમાં અધ્યક્ષ કે ઉપાધ્યક્ષ સામેલ હોતા નથી.

આ પણ વાંચો: બોટાદના યુવકની થાઈલેન્ડમાં બુદ્ધિઝમના ઉચ્ચ અભ્યાસ માટે પસંદગી

તેમ છતાં પોતાના જ મંત્રાલયની સબસિડી મેળવવી કેટલી યોગ્ય તે ચર્ચાનો વિષય બન્યો છે. દસ્તાવેજો દર્શાવે છે કે આ પ્રોજેક્ટ માટે 15 એપ્રિલ 2025ના રોજ અરજી કરાઈ હતી અને માત્ર 14 દિવસમાં એટલે કે 29 એપ્રિલ 2025ના રોજ તેને સૈદ્ધાંતિક મંજૂરી મળી ગઈ હતી. ત્યારબાદ 11 માર્ચ 2026ના રોજ આખરી મંજૂરી આપીને 30 માર્ચ 2026ના રોજ સબસિડી જમા કરાઈ હતી.

મંત્રી ભગીરથ ચૌધરીની સ્પષ્ટતા

આ અહેવાલ સામે આવ્યા બાદ કેન્દ્રીય મંત્રી ભગીરથ ચૌધરીએ સફાઈ આપતા જણાવ્યું છે કે, તેઓ સૌથી પહેલા એક ખેડૂત છે અને વર્ષોથી ખેતી કરતા આવ્યા છે. જમીન તેમના પોતાના નામે છે અને આખો પ્રોજેક્ટ સરકારની માર્ગદર્શિકા મુજબ જ તૈયાર કરાયો છે. તેમણે પ્રોજેક્ટ માટે બેંકમાંથી લોન લીધી છે અને ફાર્મ પર આધુનિક ખેતી માટે 2 કરોડ લીટર વરસાદી પાણીનો સંગ્રહ કરી શકાય તેવા ચાર મોટા જળાશયો બનાવ્યા છે. તેમાંથી લગભગ 60 વીઘા વિસ્તારમાં આધુનિક ખેતી કરવામાં આવી રહી છે.

તેમણે ઉમેર્યું કે આમાં કશું છિપાવવામાં આવ્યું નથી અને ખેડૂતો પ્રેરિત થાય તે માટે ખેતર પર વિગતો દર્શાવતું બોર્ડ પણ લગાવાયું છે. પીએમઓમાં જમા કરાયેલી 31 માર્ચ 2025 સુધીની તેમની સંપત્તિની ઘોષણામાં આ જમીનનો ઉલ્લેખ છે, પરંતુ પ્રોજેક્ટની વિગત નથી, જે ટૂંક સમયમાં સરકારને ઉપલબ્ધ કરાવાશે તેમ મંત્રી કાર્યાલયે જણાવ્યું છે. ભગીરથ ચૌધરીએ આ પહેલા 2018માં પણ અરજી કરી હતી પરંતુ તે ટેકનિકલ કારણોસર રદ થઈ હતી.

આ પણ વાંચો: એક મહિલા, જેમણે રાષ્ટ્રપતિ પદની ઓફર કલા ખાતર નકારી હતી

IAS અધિકારીના પરિવારને પણ લાભ

આ યોજનાનો લાભ લેવામાં મંત્રી ઉપરાંત કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલયના સચિવ નરેશ પાલ ગંગવારનો પરિવાર પણ સામેલ છે. તેમના પરિવારના ત્રણ સભ્યોને જયપુર જિલ્લામાં કાકડીની ખેતીના પ્રોજેક્ટ માટે કુલ ₹1.16 કરોડથી વધુની સબસિડી મળી છે. જેમાં તેમની માતા બિંદુમતીને જાન્યુઆરી 2025માં ₹46.03 લાખ, પુત્ર કુમાર વૃત્વિકને માર્ચ 2023માં ₹46.49 લાખ અને પત્ની ડૉ. રંજિતા સિંહને વર્ષ 2021-22 દરમિયાન ₹24.36 લાખની સબસિડી મળી છે.

સચિવે પોતાની સંપત્તિની ઘોષણામાં પુત્ર અને માતા આર્થિક રીતે તેમના પર નિર્ભર ન હોવાનું જણાવી તેમની વિગતો આપવી જરૂરી ન હોવાની સ્પષ્ટતા કરી છે. સરકારી નિયમો મુજબ 4000 ચોરસ મીટર ભૂમિ અને અન્ય તકનીકી માપદંડો પૂર્ણ કરતો કોઈ પણ ખેડૂત, કંપની કે ટ્રસ્ટ આ યોજનાનો લાભ લઈ શકે છે, પરંતુ ઉચ્ચ રાજકીય અને વહીવટી પદો પર બેઠેલા લોકો દ્વારા મેળવાયેલી સબસિડી હાલ નૈતિકતાના દાયરામાં શંકાના ઘેરામાં છે.

આ પણ વાંચો: 45 ગામના આદિવાસીઓ 1 મહિનાનું રાશન લઈ ધરણાં પર બેઠાં

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
0
Would love your thoughts, please comment.x
()
x