ધોળું એટલું દૂધ નહીં: કેવો છે ઉજળા દૂધનો કાળો કારોબાર?

ધોળું એટલું દૂધ નથી! વાંચો થાળીમાં પીરસાતા આ સફેદ પદાર્થ પાછળ છુપાયેલા કેમિકલ, યુરિયા અને ડિટર્જન્ટના કાળા કાળોબારનો પર્દાફાશ કરતો અહેવાલ.
black business of light milk

ચંદુ મહેરિયા

દૂધને સંપૂર્ણ ખોરાક ગણવામાં આવે છે. આપણા રોજિંદા આહારમાં દૂધનો નિયમિત ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવે છે. દૂધમાંથી પ્રોટીન, મિનરલ્સ અને કેલ્શિયમ જેવા પોષકતત્વો મળે છે. પરંતુ આપણે અવારનવાર દૂધમાં ભેળસેળ થતી હોવાનું અને નકલી દૂધ વેચાતું હોવાનું વાંચીએ-સાંભળીએ છીએ. મિલાવટી મિલ્ક સંપૂર્ણ આહાર મટી આરોગ્યને નુકસાન કરે છે. આંધ્રપ્રદેશના પૂર્વ ગોદાવરી જિલ્લાના પાંચેક ગામોના 16 લોકોના મોત ભેળસેળયુક્ત દૂધ પીવાથી થયા હોવાની ઘટના હજી થોડા મહિના પહેલાંની જ છે. દૂધમાં ભેળવેલા ઝેરી તત્વની અસર આ લોકોની કિડની પર થઈ અને મોત પણ થયા.

ઉજળા દૂધનો કાળો કારોબાર માંડી બેઠેલા લોકો દૂધમાં પાણી મેળવે તે તો હવે સાવ સામાન્ય બાબત છે. પરંતુ દૂધમાં યુરિયા, કોસ્ટિક સોડા, ગ્લુકોઝ, ડિટર્જન્ટ, બ્લીચ, સફેદ રંગ, રિફાઈન્ડ તેલ, ફોર્મેલિન અને બીજાં રસાયણો ભેળવવામાં આવે છે. નેશનલ સર્વે ઓફ મિલ્ક અડલ્ટ્રેશનમાં પણ આ વાતની પુષ્ટિ થઈ છે. મિલાવટ કરનારા પાણી ભેળવીને દૂધનું પ્રમાણ વધારે છે. તેનાથી દૂધ પાતળું થઈ જાય તો ડિટર્જન્ટ ભેળવીને દૂધને જાડું કરે છે અને ફીણ વળે છે. યુરિયા દૂધમાં મિક્સ કરીને પ્રોટીનયુક્ત દૂધ હોવાનું પુરવાર કરવામાં આવે છે. આ અને આવી ભેળસેળ માનવ શરીર માટે ઘાતક બને છે. તેથી દૂધ સંપૂર્ણ ખોરાક મટીને ઝેર બની જાય છે.

સંસદના અંદાજપત્ર સત્રમાં રાજ્યસભામાં ઝીરો અવર્સમાં તે વખતના આમ આદમી પાર્ટીના રાઘવ ચઢ્ઢાએ દૂધમાં ભેળસેળનો મૂદ્દો ઉઠાવી જણાવ્યું હતું કે દૂધના 71 ટકા નમૂનામાં યુરિયા અને 64 ટકામાં ન્યૂટ્રલાઈઝર જોવા મળ્યું છે. તેમણે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડડર્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)ના મિલ્ક સર્વેલાન્સ રિપોર્ટનો હવાલો આપ્યો હતો. આ અહેવાલ પ્રમાણે 2022માં જે 798 દૂધના નમૂનાની તપાસ થઈ હતી તેમાંથી અડધામાં મિલાવટ જોવા મળી હતી.

આ પણ વાંચો: આઝાદીની પોણી સદી વીતી તો ય આઠ જ દલિત મુખ્યમંત્રી થયા!

દર ત્રણમાંથી એક નમૂનો ગુણવત્તા પરીક્ષણમાં નિષ્ફળ હતો. 2015 કરતાં 2018માં દૂધમાં ભેળસેળ 16.4 ટકા વધી હતી. સ્વતંત્ર ટેસ્ટિંગ પ્લેટફોર્મ ‘ટ્રસ્ટિફાઈડ’ ના રિપોર્ટમાં દેશના પ્રતિષ્ઠિત બ્રાન્ડના પેકેજ્ડ દૂધમાં કોલિફોર્મ નામના હાનિકારક બેકટેરિયા નિર્ધારિત મર્યાદા કરતાં 98 ગણા વધુ જણાયા હતા. ઉત્તર ભારતમાં કાચા દૂધના 47 ટકા, પશ્ચિમ ભારતના 23 ટકા, દક્ષિણ ભારતના 18 ટકા અને પૂર્વના 13 ટકા નમૂના અપ્રમાણિત હતા. આ હકીકતો દૂધમાં ભેળસેળનું પ્રમાણ કેટલું હાનિકારક અને વધારે પ્રમાણમાં છે તે દર્શાવે છે.

ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં પ્રશ્નોતરી કાળમાં આમ આદમી પાર્ટીના જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવાના એક સવાલના જવાબમાં સરકારે જણાવ્યું હતું કે દૂધના નમૂનાઓના પરીક્ષણમાં તે નિયત ધોરણ મુજબનું કે હલકી ગુણવતાનું હોવાનું માલુમ પડેલ છે. પરંતુ કેમિકલયુક્ત જણાયું નથી. 11648 નમૂનાઓના પરીક્ષણમાંથી 868 નમૂના નિયત ધારાધોરણ કરતાં સબસ્ટાન્ડર્સ જણાયા હતા, જે કુલ નમૂનાના 7.45 ટકા છે.

આંધ્રપ્રદેશમાં મિલાવટી દૂધના કારણે 16 લોકોના મોતનો હાહાકાર મચ્યો હતો ત્યારે વિધાનસભા ગૃહમાં મુખ્યમંત્રી ચન્દ્રબાબુ નાયડુ તિરુમાલા મંદિરમાં ભેળસેળયુક્ત ઘીના ઉપયોગથી લાડુ બન્યા હોવાનું જણાવી રહ્યા હતા. પૂર્વ સરકારના 2019 થી 24ના સમયગાળા દરમિયાન 59.71 લાખ લીટર મિલાવટી ઘી થી 20 કરોડ લાડુ બનાવવામાં આવ્યા હતા અને મોટાપાયે ખાયકી થઈ હતી. તેના ઉકેલ માટે રૂ. 25 કરોડના ખર્ચે 40 લોકોની ટીમ સાથેની એક લેબોરેટરી બનાવી છે, જે લાડુના સ્વાદ અને સુગંધની તપાસ કરશે. ઈ ટંગ અને ઈ નોઝ બંને સેન્સર અને કમ્યુટર્સ સિસ્ટમ આધારિત છે, જે ઈલેકટ્રોનિક જીભ અને નાકથી ભેળસેળનું પરીક્ષણ કરશે.

આ પણ વાંચો: શું અમેરિકામાં કાળા લોકો સાથે તરવા બાબતે ભેદભાવ થાય છે?

જોકે વેંકેટેશ્વર મંદિર જેવી મોંઘી નહીં તો સસ્તી અને સરળ પધ્ધતિથી ભેળસેળ પકડવા માટે ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગરના 26 વર્ષીય ધ્રુવ તોમરે દૂધની શુધ્ધતાના પરીક્ષણ માટે પેપર પ્રો તૈયાર કર્યું છે. રૂ. 40ની કિમતનું અને ખિસ્સામાં રાખી શકાય તેવા આ કાર્ડ પર દૂધના થોડાં ટીંપા નાંખીને દૂધની મિલાવટ પકડી શકાય છે. ગ્રાહકો અને નાના દુકાનદારો માટે તે ઉપયોગી બની શકે તેમ છે.

પ્રતિદિન 3 કરોડ લીટર દૂધનું વેચાણ કરતી ભારતની સૌથી મોટી અમૂલ ડેરીના દૂધની ગુણવતા સામે સવાલ ઉઠાવતો આશરે 30 મિનિટનો એક વીડિયો ગયા વરસે રાજકોટના નિવૃત હોમિયોપેથિક તબીબે બનાવ્યો હતો. તેમણે અમૂલ દૂધ પેકીંગ પછી 7 દિવસે ગ્રાહકો સુધી પહોંચતું હોવાનો અને દૂધમાં ડીડીટી નામક જંતુનાશક સહિત અન્ય 22 કેમિકલ ભેળવાતા હોવાનો આરોપ લગાવ્યો હતો. અમૂલ સાથે ગુજરાતના 18600 ગામના 36 લાખથી વધુ કિસાનો અને પશુપાલકો જોડાયેલા છે. તેના દૂધ અને દૂધની અન્ય બનાવટો ભારતભરમાં અને વિદેશોમાં પણ જાણીતી છે એટલે તેના દૂધની ગુણવત્તા સામે સવાલો ઉઠાવનાર સામે અમૂલે પોલીસ ફરિયાદ કરી હતી, તેણે આરોપોને નિરાધાર, ભ્રામક અને જૂઠ્ઠા ગણાવ્યા હતા.

આ પણ વાંચો: કુટુંબ નિયોજન નીતિમાં રાજ્યો દ્વારા મુકાતી ઢીલ યોગ્ય છે?

દૂધના ઉત્પાદન અને વપરાશમાં સમગ્ર દુનિયામાં ભારત અવ્વલ છે. હાલ ભારતમાં 239.30 મિલિયન ટન દૂધનું ઉત્પાદન થાય છે. વિશ્વના કુલ દૂધના ઉત્પાદનમાં ભારતનું યોગદાન ચોથા ભાગનું કે 25 થી 32 ટકા આસપાસનું છે. 1951માં ભારતમાં 17 મિલિયન ટન દૂધનું ઉત્પાદન થતું હતું. આજે 240 મિલિયન ટન ઉત્પાદન થાય છે. દેશના જીડીપીમાં તેનો ફાળો 5 ટકા છે. દેશમાં દૂધાળા પશુઓ 112 મિલિયન છે. આ બધા કારણોથી 2026માં દેશ 242 મિલિયન ટન દૂધના ઉત્પાદનનો લક્ષ્યાંક ધરાવે છે. જોકે દૂધમાં થતી ભેળસેળ માટે દૂધના ઉત્પાદન કરતાં તેનો વપરાશ વધુ હોવાથી તેનો લાભ લઈને ભેળસેળ થતી હોવાની આશંકા રહે છે. દૂધના ઉત્પાદનના ચોક્કસ આંકડા મળે છે પરંતુ ઉપયોગના મળતા નથી તેથી આ આરોપ પુરવાર કરી શકાતો નથી.

દૂધના વપરાશકર્તા અને ગ્રાહકોએ પણ દૂધમાં થતી મિલાવટથી બચવા સાવધ રહેવાની જરૂર છે. ગ્રાહકોએ દેશની પ્રતિષ્ઠિત કંપનીનું જ દૂધ ખરીદવું જોઈએ. દૂધના વપરાશકની એકસપાયરી ડેટ સાથે તેના પેકેજિંગની ડેટ પણ ખાતરી કરીને ખરીદવું જોઈએ. દૂધને ચોખ્ખા વાસણમાં સારી રીતે ઉકાળીને ઢાંકીને રાખવાની કાળજી લેવી જોઈ. દૂધને ઉકાળીને રાખવાથી બેકટેરિયા નાશ પામે છે. સરકારી તંત્ર ભેળસેળ અટકાવવામાં નાકામ હોય ત્યારે ગ્રાહકોએ જ જાગ્રત થવું રહ્યું.

maheriyachandu@gmail.com

(લેખક વરિષ્ઠ પત્રકાર, રાજકીય વિશ્લેષક અને બહુજન સમાજના પ્રશ્નોના તલસ્પર્શી અભ્યાસુ છે.)

આ પણ વાંચો: ન્યાયની દેવીની આંખે પટ્ટી બાંધેલી છે, પણ ન્યાયાધીશો કેમ પૂર્વગ્રહી?

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
0
Would love your thoughts, please comment.x
()
x