બિહારના સિવાન જિલ્લામાં એક દલિત યુવકની શંકાસ્પદ સંજોગોમાં ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી છે. આ ગંભીર મામલે મૃતક યુવકના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે, આરોપી માથાભારે તત્વો દ્વારા સોંપવામાં આવેલું એક કામ કરવાની ના પાડતા, જાતિવાદી ગુંડાઓએ યુવકને વીજળીનો જોરદાર કરંટ આપીને મોતને ઘાટ ઉતારી દીધો છે. આ હત્યાકાંડ બાદ સમગ્ર વિસ્તારના દલિત સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. ઘટનાની ગંભીરતાને જોતાં આખું ગામ હાલ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે. આ ચકચારી ઘટના સિવાનના લકડી નબીગંજ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ઉજેના ગામમાં ઘટી છે.
અપહરણ કરી કરંટ આપ્યાની ઘટના
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, મૃતક યુવકની ઓળખ મનુ કુમાર માંઝી તરીકે થઈ છે. પરિવારજનોના જણાવ્યા મુજબ, ઉજેના ગામના જ એક ગુનાહિત ઇતિહાસ ધરાવતા માથાભારે આરોપીએ મનુ કુમાર માંઝીને કોઈ કામ અંગે ફોન કરીને બોલાવ્યો હતો. જો કે, યુવકે તે કામ કરવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. કામ કરવાનો ઇનકાર કરવાથી ઉશ્કેરાયેલો આરોપી મનુને બળજબરીથી પોતાની મોટરસાઇકલ પર બેસાડીને ઘરથી દૂર લઈ ગયો હતો.

આ પણ વાંચો: MPમાં ભાજપ નેતાઓએ આદિવાસીઓની 3 લાખ એકર જમીન ખરીદી!
ત્યારબાદ, જાતિવાદી માનસિકતા ધરાવતા આરોપીઓએ મનુને ગામમાં આવેલા હાઈ-વોલ્ટેજ વીજળીના ટ્રાન્સફોર્મર સાથે બળજબરીપૂર્વક અડાડી દીધો હતો. ટ્રાન્સફોર્મરના સંપર્કમાં આવતાની સાથે જ યુવકને વીજળીનો સખત આંચકો લાગ્યો હતો અને તીવ્ર કરંટ લાગવાના કારણે તેનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. હત્યાની આ કરપીણ ઘટનાને અંજામ આપ્યા બાદ મુખ્ય આરોપી અને તેનો સમગ્ર પરિવાર પોતાના ઘરને તાળું મારીને ગામમાંથી ફરાર થઈ ગયો છે.
આરોપીના ઘરે અંતિમ સંસ્કાર કરવાની જીદ બાદ તણાવ
આ ઘટનાની જાણ થતાં જ મૃતકના પરિવારજનો અને સ્થાનિક ગ્રામજનો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા. ગુસ્સે ભરાયેલા પરિવારે ન્યાયની માંગ સાથે ફરાર આરોપીના ઘરની બહાર જ મૃતદેહ મૂકીને ઉગ્ર વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું. ગામમાં તણાવ વધુ ઘેરો ત્યારે બન્યો જ્યારે નારાજ દલિત પરિવારે જાહેરાત કરી કે, જ્યાં સુધી આરોપીઓની ધરપકડ નહીં થાય ત્યાં સુધી તેઓ યુવકના શવના અંતિમ સંસ્કાર આરોપીના ઘરના આંગણામાં જ કરશે. પરિવાર આ જીદ પર અડી જતાં પરિસ્થિતિ વણસી ગઈ હતી.
આ પણ વાંચો: રાજપૂતોએ દલિત સગીરને નગ્ન કરી મુર્ગા બનાવી જૂતામાં પાણી પાયું

ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું, 5 પોલીસ સ્ટેશનનો કાફલો ખડકાયો
ગામમાં ફાટી નીકળેલા આક્રોશ અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિને કાબૂમાં લેવા માટે ડીએસપી (DSP) અમન કુમારની આગેવાની હેઠળ આસપાસના 5 પોલીસ સ્ટેશનની સંયુક્ત પોલીસ ફોર્સ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે ભારે જહેમત બાદ સમગ્ર પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના કે હિંસા રોકવા માટે હાલ પોલીસ પ્રશાસને ફરાર આરોપીના ઘરની આસપાસ કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દીધો છે.
આરોપીઓ ફરાર
સ્થાનિક પોલીસ તંત્ર દ્વારા હાલ પીડિત પરિવારને શાંત પાડવાના અને કાયદાકીય રીતે ન્યાય અપાવવાના સનિષ્ઠ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સિવાન પોલીસના જણાવ્યા અનુસાર, મુખ્ય આરોપીનો અગાઉ પણ ગુનાહિત ઇતિહાસ રહ્યો છે. હાલ પોલીસે ગુનો નોંધીને ફરાર આરોપીઓ અને જાતિવાદી તત્વોને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવીને સંભવિત અડ્ડાઓ પર સઘન દરોડા અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.
આ પણ વાંચો: દાયકાઓ બાદ 100 પોલીસની સુરક્ષા વચ્ચે દલિતો મંદિરમાં પ્રવેશ્યાં











