દાયકાઓ બાદ 100 પોલીસની સુરક્ષા વચ્ચે દલિતો મંદિરમાં પ્રવેશ્યાં

દલિતોને દાયકાઓથી સવર્ણો મંદિરમાં પ્રવેશવા દેતા નહોતા. દલિતોએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો અને સવર્ણોની વર્ષોની દાદાગીરી એક ઝાટકે પોલીસે તોડી નાખી.
dalit news

દલિતોએ આમ તો મંદિરમાં જવું જ ન જોઈએ, પણ આ મામલો સમાનતા અને સ્વમાનનો છે. ઘટના પેરિયારની ભૂમિ તમિલનાડુની છે. અહીં દાયકાઓ પછી એક મંદિરમાં દલિતોને 100થી વધુ પોલીસ જવાનોની સુરક્ષા વચ્ચે મંદિરમાં પ્રવેશ અપાયો છે.

કરૂર જિલ્લાના મનમંગલમ તાલુકામાં આવેલા પુંજઈ કદંબનકુરીચીના બે પ્રમુખ મંદિરો—અરુલમિગુ શ્રી મરિયમ્મન અને અરુલમિગુ સેલ્લંડી અમ્મન મંદિરમાં દાયકાઓથી દલિતોના પ્રવેશ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. સ્થાનિક વહીવટીતંત્ર અને રાજ્ય સરકાર દ્વારા લેવાયેલા એક નિર્ણાયક અને આકરા પગલા બાદ, આખરે 100થી વધુ સશસ્ત્ર પોલીસકર્મીઓના ચુસ્ત સુરક્ષા કવચ વચ્ચે દલિતોને આ મંદિરોમાં પ્રવેશ કરાવીને વિધિવત પૂજા-અર્ચના કરાવવામાં આવી છે. ત્રણ પેઢીઓથી વધુ સમયથી ચાલી આવતી આ અસ્પૃશ્યતાની ભેદભાવપૂર્ણ પ્રથાને નાબૂદ કરવા માટે મુખ્યમંત્રી થલાપતિ વિજય દ્વારા સીધા આદેશો જારી કરાયા હતા.

સરકારે મંદિરના સવર્ણ સભ્યો સામે ફોજદારી ગુનો નોંધ્યો

આ સમગ્ર વિવાદની શરૂઆત 19 મેના રોજ અરુલમિગુ શ્રી મરિયમ્મન મંદિરના વાર્ષિક ઉત્સવ દરમિયાન થઈ હતી. આ ધાર્મિક ઉત્સવમાં ગામના દલિત નિવાસીઓને પ્રભાવશાળી અને કથિત ઉચ્ચ જાતિના લોકો દ્વારા ફરી એકવાર મંદિરમાં પ્રવેશતા અને દેવીના દર્શન કરતા અટકાવવામાં આવ્યા હતા. આ ભેદભાવ સામે સ્થાનિક અગ્રણી નાગરિક પોન. મુથુકુમારે મક્કમ અવાજ ઉઠાવ્યો હતો.

આ પણ વાંચો: આદિવાસી મહિલા પર ગેંગરેપ કરી એસિડ એટેક કરનાર 2 BSF જવાનોને 42 વર્ષની કેદ

તેમણે આ આભડછેટ અંગે કરૂર જિલ્લા કલેક્ટર, પોલીસ અધિક્ષક (SP) અને તમિલનાડુના સંબંધિત મંત્રીને પુરાવા સાથે સત્તાવાર અને ઔપચારિક ફરિયાદ નોંધાવી ન્યાયની ગુહાર લગાવી હતી. આ બાબતની ગંભીરતા નોંધીને તમિલનાડુના મુખ્યમંત્રીએ જિલ્લા કલેક્ટર અને એસપીને કાયદો અને વ્યવસ્થા જાળવીને ત્વરિત કાનૂની કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો. જેના આધારે 20 મેના રોજ વંગલ પોલીસે મંદિર પ્રબંધન સમિતિના સભ્યો મુરુગેસન અને કુપ્પુસામી વિરૂદ્ધ પાંચ ગંભીર કલમો હેઠળ ફોજદારી ગુનો નોંધ્યો હતો.

શાંતિ સમિતિ નિષ્ફળ જતાં વહીવટી તંત્રના આકરા પગલાં

બંને જૂથો વચ્ચે વિવાદનો શાંતિપૂર્ણ ઉકેલ લાવવા માટે મનમંગલમના મામલતદાર કુમારેશન અને હિન્દુ ધાર્મિક અને સખાવતી એન્ડોવમેન્ટ્સ (HR&CE) વિભાગના આસિસ્ટન્ટ કમિશનરની અધ્યક્ષતામાં એક મહિના સુધી સતત શાંતિ વાટાઘાટો યોજાઈ હતી. જો કે, પ્રભાવશાળી સવર્ણોએ દલિતોને અંદર પ્રવેશ આપવાનો પ્રસ્તાવ નકારી કાઢતાં વાટાઘાટો નિષ્ફળ રહી હતી.

આ પણ વાંચો: વડોદરામાં પોલીસે કેવી રીતે ‘ફરિયાદી’ દલિતોને ‘આરોપી’ બનાવી દીધાં?

પરિણામે, 20 જૂનના રોજ સરકારે કડક વલણ અપનાવીને દલિતોને પૂજાના અધિકારથી વંચિત રાખનારી જૂની મંદિર વહીવટી સમિતિને તાત્કાલિક અસરથી બરખાસ્ત કરી દીધી હતી. HR&CE વિભાગે બંને મંદિરોનો વહીવટ સંપૂર્ણપણે પોતાના હસ્તક લઈ લીધો હતો અને વહીવટી અધિકારી તરીકે અરુમુગમ અને ઇન્સ્પેક્ટર ભારતીની સત્તાવાર નિમણૂક કરી દીધી હતી.

100થી વધુ પોલીસ સુરક્ષા વચ્ચે દલિતોને મંદિરમાં પ્રવેશ કરાવાયો

તમામ વહીવટી પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ, 20 જૂને જ 100 થી વધુ પોલીસ જવાનોની સુરક્ષા વચ્ચે દલિતોને સન્માનપૂર્વક મંદિરના ગર્ભગૃહ સુધી લઈ જવામાં આવ્યા હતા. દલિત પરિવારોએ મંદિરમાં જઈને પરંપરાગત પ્રસાદ ‘માવિલક્કુ’ (ચોખાના લોટ અને ગોળમાંથી બનાવેલો પવિત્ર દીવો) અર્પણ કરીને પૂજા કરી હતી.

સ્થાનિક આગેવાન પોન મુથુકુમારે જણાવ્યું કે, ત્રણ પેઢીથી અનુસૂચિત જાતિના લોકોને મંદિરની બહાર રહીને જ પૂજા કરવાની ફરજ પાડવામાં આવતી હતી, જેનો હવે કાયમી અંત આવ્યો છે. તમિલનાડુ અસ્પૃશ્યતા ઉન્મૂલન મોરચાના જિલ્લા સચિવ મુથુ સેલ્વને સરકારની પ્રશંસા કરતા જણાવ્યું કે, અગાઉ આવી સ્થિતિમાં વહીવટીતંત્ર કાયદો અને વ્યવસ્થાનું બહાનું ધરીને મંદિરોને સીલ કરી દેતું હતું, પરંતુ નવી સરકારે મક્કમતા બતાવી સામાજિક સમરસતા સાથે કાયદાનું શાસન સ્થાપિત કર્યું છે.

આ પણ વાંચો: દલિત થઈને ઘોડી પર બેસી મંદિરે આશીર્વાદ લેવા છે

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
0
Would love your thoughts, please comment.x
()
x