મોદી સરકારમાં મંત્રી અને હિન્દુસ્તાની આવામ મોરચા (સેક્યુલર) ના વડા જીતન રામ માંઝીએ દેશમાં અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) ની વર્તમાન સ્થિતિ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. પટનામાં પોતાની પાર્ટીની રાજ્ય પરિષદની બેઠકને સંબોધિત કરતી વખતે પૂર્વ મુખ્યમંત્રી માંઝીએ દેશની ચૂંટણી પદ્ધતિમાં મોટા ફેરફારની હિમાયત કરતા SC અને ST સમાજ માટે અલગ મતદારમંડળ (Separate Electorate) ની માંગ ઉઠાવી છે, જ્યાં માત્ર આ જ સમાજના લોકો મતદાન કરી શકે.
સ્વતંત્રતાના 7 દાયકા બાદ પણ સ્થિતિ અસંતોષકારક
જીતન રામ માંઝીએ આંકડાકીય માહિતી આપતા જણાવ્યું હતું કે આઝાદીના સાત દાયકાથી વધુ સમય વીતી ગયો હોવા છતાં દેશમાં અનુસૂચિત જાતિઓમાં સાક્ષરતા દર માત્ર 32 ટકા છે. તેમણે ઉમેર્યું કે આ સમુદાયોનો સામાજિક દરજ્જો આજે પણ સંતોષકારક નથી. માંઝીના મતે, વર્તમાન સંયુક્ત મતદાર પદ્ધતિના કારણે અનામત બેઠકો પર તમામ વર્ગો મતદાન કરે છે, જેના પરિણામે ઉચ્ચ અને પ્રભાવશાળી જાતિના મતદારો ચૂંટાયેલા પ્રતિનિધિઓ પર દબાણ લાવે છે અને તેમના નિર્ણયોને પ્રભાવિત કરે છે.

આ પણ વાંચો: ડૉ.આંબેડકરની અધૂરી આત્મકથાનું પૂર્ણ સત્ય
પૂના કરાર અને આંબેડકરના વિચારોનો ઉલ્લેખ
પોતાની માંગના સમર્થનમાં માંઝીએ ઇતિહાસનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, જો 1932 ના પૂના કરાર (Poona Pact) વખતે ડૉ. ભીમરાવ આંબેડકરની રાય માનવામાં આવી હોત અને અલગ મતદારમંડળની વ્યવસ્થા લાગુ થઈ હોત, તો આજે દલિતો અને આદિવાસીઓની સ્થિતિ સંપૂર્ણપણે જુદી હોત. તેમણે આક્ષેપ કર્યો હતો કે પૂના કરાર પહેલા મહાત્મા ગાંધીએ આ માંગના વિરોધમાં આમરણ ઉપવાસ કર્યા હતા, જેના કારણે ડૉ. આંબેડકરે ભારે દબાણ હેઠળ પોતાની માંગ પરથી પાછળ હટવું પડ્યું હતું.
તેમણે તત્કાલીન રાજકીય પરિસ્થિતિનો ઉલ્લેખ કરતા કહ્યું કે, તે સમયે મોટા નેતાઓએ ડૉ. આંબેડકરને ડરાવ્યા હતા કે જો મહાત્મા ગાંધીને કંઈ થશે તો દેશભરમાં દલિતો પર હુમલા થશે અને તેમને સળગાવી દેવામાં આવશે. માંઝીએ ડૉ. આંબેડકરની આત્મકથાનો હવાલો આપીને જણાવ્યું કે કરાર પર હસ્તાક્ષર કરતી વખતે આંબેડકરની આંખોમાં આંસુ હતા, જે આજે સમાજ માટે નુકસાનકારક સાબિત થઈ રહ્યા છે.
આ પણ વાંચો: અમદાવાદમાં પૂના કરાર પર રાજ્ય સ્તરની ચિંતન શિબિર યોજાઈ

પ્રભાવશાળી વર્ગો દ્વારા લાભ ખાટી જવાનો દાવો
માંઝીએ દાવો કર્યો કે આરક્ષિત બેઠકો પર દલિતો મતદાન તો કરે છે, પરંતુ જ્યારે આજીવિકા, રોજગારી કે આર્થિક ઉત્થાનની વાત આવે છે ત્યારે તેઓ ખેતરોમાં મજૂરી કરતા જ રહી જાય છે. આરક્ષણ અને સરકારી યોજનાઓનો અસલી લાભ પ્રભાવશાળી લોકો જ ઉઠાવી જાય છે. કેન્દ્રીય મંત્રી દ્વારા શાસક ગઠબંધન (NDA) માં હોવા છતાં આ પ્રકારની અલગ મતદારમંડળની માંગણી કરવાથી આગામી સમયમાં નવો રાજકીય ગરમાવો આવી શકે છે.
આ પણ વાંચો: પૂના કરારની ‘પ્રાથમિક ચૂંટણીની જોગવાઈ’ કાયમી કેમ ન બની શકી?











