પોલીસ કસ્ટડીમાં થર્ડ ડિગ્રી ટોર્ચરથી દલિતનું મોત, PSI સહિત 6 સસ્પેન્ડ

પોલીસ કસ્ટડીમાં ઢોર માર માર્યા બાદ ગંભીર હાલતમાં બગીચામાં ફેંકી દેવાયેલા દલિત પ્રૌઢનું દવાખાનામાં મોત થતાં 6 સામે હત્યાની FIR નોંધાઈ છે.
dalit news

યુપીની પોલીસ દલિતોને જાણે માણસ નહીં પણ ગુલામ ગણતી હોય તેવી સ્થિતિ છે. વારંવાર આ રાજ્યમાં દલિતોની હત્યા, અત્યાચારની ઘટનાઓ બને છે અને તેમાં કથિત ઉચ્ચ જાતિના પોલીસ અધિકારીઓની દાદાગીરી પણ સામેલ હોય છે. આવી જ એક ઘટના હાલ યુપીના બલિયામાં બની છે, જ્યાં એક દલિત શખ્સને પોલીસે એટલો માર માર્યો કે તેનું મોત થઈ ગયું.

ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લાના ગાયઘાટ ગામમાં રહેતા 42 વર્ષીય કામજી ગોંડ મિસ્ત્રીકામ કરતા હતા. 7 જુલાઈની સાંજે તેમનો 22 વર્ષનો દીકરો વિશાલ ગામમાં આવેલી સૂરજની દુકાને મટન ખરીદવા ગયો હતો. આ દરમિયાન દુકાનદાર અને તેની વચ્ચે કોઈ બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી. સુરજ અને તેના સંબંધીઓ લાકડીઓ લઈને વિશાલને મારવા દોડ્યા હતા, જેથી વિશાલ ત્યાંથી ભાગી છૂટ્યો હતો. આ ઘટના બાદ સુરજ, સરપંચ આશુતોષ શંકર સિંહ અને તેમના ડ્રાઈવર મનીષ યાદવ સાથે રેવતી પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો અને વિશાલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

પુત્રના બદલે પિતાને પોલીસ ઉપાડી ગઈ, કસ્ટડીમાં ઢોર માર માર્યો

દીકરાની શોધમાં 8 જુલાઈની બપોરે આશરે 1:30 વાગ્યે રેવતી પોલીસ સ્ટેશનના SI સચિન સરોજ અને કોન્સ્ટેબલ અંકિત સિંહ વિશાલના ઘરે પહોંચ્યા હતા. વિશાલ ઘરે ન મળતાં પોલીસે તેના પિતા કામજી ગોંડને કસ્ટડીમાં લીધા હતા. પરિવારજનોના આક્ષેપ મુજબ, પોલીસ કામજીને થાણે લઈ ગઈ હતી અને ત્યાં તેમને બેરહેમીથી ઢોર માર મારવામાં આવ્યો હતો. આટલેથી ન અટકતાં, પોલીસે તેમને છોડ્યા બાદ ડ્રાઈવર મનીષ યાદવ સાથે મળીને બપોરે 4:00 વાગ્યે એક ઈંટના ભઠ્ઠા પર લઈ જઈ ફરીથી નિર્દયતાથી માર માર્યો હતો.

આ પણ વાંચો: અમરેલીના જશવંતગઢમાં ડૉ. આંબેડકર કોલોનીનું ભવન જર્જરિત

બેભાન હાલતમાં બગીચામાં ફેંકીને પોલીસ નાસી ગઈ

અમાનુષી અત્યાચાર ગુજાર્યા બાદ પોલીસ અને અન્ય આરોપીઓ કામજીને મરણતોલ હાલતમાં ઠગની માઈના બગીચામાં ફેંકીને ભાગી ગયા હતા. સાંજે આશરે 6:00 વાગ્યે સ્થાનિક બાળકોએ કામજીને બેભાન અવસ્થામાં પડેલા જોયા અને પરિવારને જાણ કરી હતી. નાના ભાઈની પત્ની કલાવતીના જણાવ્યા મુજબ, જ્યારે તેઓ કામજીને બગીચામાંથી ઘરે લાવ્યા ત્યારે તેમના શરીર પર ગંભીર ઈજાઓ હતી, હાથમાં સોજા હતા અને તેઓ માંડ એટલું જ બોલી શક્યા હતા કે પોલીસે તેમને બહુ માર્યો છે.

સારવાર દરમિયાન મોત થયું, ગ્રામજનોનો ભારે આક્રોશ

ગંભીર હાલતમાં કામજીને પહેલા રેવતી CHC અને ત્યાંથી જિલ્લા હોસ્પિટલ ખસેડાયા હતા. સ્થિતિ વધુ વણસતા તેમને BHU ટ્રોમા સેન્ટર રીફર કરાયા હતા, જ્યાં 10 જુલાઈની રાત્રે 11:00 વાગ્યે તેમનું મોત નીપજ્યું હતું. 11 જુલાઈની રાત્રે પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ ગામમાં પહોંચતા જ ગ્રામજનોનો આક્રોશ ફાટી નીકળ્યો હતો. રવિવારે સવારે 10:45 વાગ્યે ગુસ્સે ભરાયેલા ગ્રામજનો અને દલિત સમાજના લોકોએ રેવતી-બલિયા મુખ્ય માર્ગ પર સિમેન્ટના પોલ આડા મૂકીને ચક્કાજામ કર્યો હતો. પીડિત પરિવારે દોષિતોની ધરપકડ અને આર્થિક સહાયની માંગ કરી હતી.

આ પણ વાંચો:  વડોદરા સંકલ્પ ભૂમિને વિશ્વસ્તરીય સ્મારક બનાવો, 23 કરોડના પેકેજની માંગ

પીએસઆઈ, કોન્સ્ટેબલ સહિત 6 લોકો સામે હત્યાનો ગુનો દાખલ

ચક્કાજામના સમાચાર મળતાં જ ASP સંજય વર્મા અને SDM અભિષેક પ્રિયદર્શી સહિત 5 પોલીસ સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. અધિકારીઓએ પરિવારને કડક કાર્યવાહીની ખાતરી આપી 30 મિનિટમાં જામ ખોલાવ્યો હતો અને બપોરે 2:30 વાગ્યે અંતિમ સંસ્કાર કરાયા હતા. આ મામલામાં કાર્યવાહી કરતા DIG સુનીલ કુમારે જણાવ્યું કે, બેદરકારી બદલ આરોપી દરોગા (SI) સચિન સરોજ અને કોન્સ્ટેબલ અંકિત સિંહને સસ્પેન્ડ કરી દેવાયા છે. આ કેસમાં સબ-ઈન્સ્પેક્ટર, કોન્સ્ટેબલ, સરપંચ સહિત કુલ 6 લોકો સામે હત્યાની FIR નોંધીને તપાસ CO કક્ષાના અધિકારીને સોંપવામાં આવી છે.

આ પણ વાંચો: પાલિતાણામાં સિંહે ધોળા દિવસે માલધારી પર હુમલો કરતા ફફડાટ

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
0
Would love your thoughts, please comment.x
()
x