જામ ખંભાળિયાઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓથી લઈને ઉચ્ચ વહીવટી સ્તરો સુધી જાતિવાદી માનસિકતા કઈ હદે હાવી છે, તેનો જીવતો જાગતો પુરાવો દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળિયામાંથી સામે આવ્યો છે. જામખંભાળિયા નગરપાલિકામાં ફરજ બજાવતા અને ત્યાંના પદાધિકારીઓની જાતિવાદી માનસિકતાનો ભોગ બનેલી એક ઘટના સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે.
પાલિકાના કેટલાક કથિત જાતિવાદી તત્વો દ્વારા નગરપાલિકાની અલગ-અલગ 3 કચેરીઓમાંથી ભારતીય બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરની તસવીરો હટાવી દેવામાં આવી હતી. રાષ્ટ્રના નિર્માતા એવા મહાપુરુષના ફોટા ઓફિસમાંથી ગાયબ થતાં જ કચેરીમાં કામ કરતા કર્મચારીઓ અને આંબેડકરવાદીઓમાં ભારે રોષ ફેલાયો હતો.

મહિલા કાર્યકર મંજુબેન આંબેડકરવાદીની સિંહણ જેવી હિંમત
ખંભાળિયા નગરપાલિકામાં જ ફરજ બજાવતા જાગૃત આંબેડકરવાદી મહિલા કાર્યકર મંજુબેન આંબેડકરવાદીએ આ અન્યાય સામે અવાજ ઉઠાવ્યો હતો. તેમણે પાલિકાના ચીફ ઓફિસર અને પ્રમુખ સહિતના ઉચ્ચ પદાધિકારીઓ સમક્ષ રૂબરૂ જઈને ઉગ્ર રજૂઆત કરી હતી. મંજુબેને સવાલ કર્યો હતો કે, “આખરે કોના કહેવાથી અને કોણે બંધારણના ઘડવૈયા ડૉ. આંબેડકરના ફોટા કચેરીમાંથી હટાવ્યા છે?” આ સળગતા સવાલ સાથે તેમણે નગરપાલિકાની અંદરથી જ એક વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કર્યો હતો.
આ પણ વાંચો: CJP ના અભિજિત દીપકે ‘જય ભીમ’ના નારા સાથે શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગ્યું
મંજુબેનની આ હિંમતે પાલિકામાં સત્તા ભોગવી રહેલા જાતિવાદી તત્વોના મનસૂબા પર પાણી ફેરવી દીધું હતું અને દલિત સમાજ સમક્ષ તેમની બહાદુરી ઉજાગર થઈ હતી.
વીડિયો વાયરલ થતાં ભીમ આર્મી એક્શનમાં આવી
સોશિયલ મીડિયા પર મંજુબેન આંબેડકરવાદીનો આ વીડિયો વાયરલ થતાં જ ભીમ આર્મી ગુજરાત પ્રદેશના અધ્યક્ષ કમલેશભાઈ ધવલની નજરે ચડ્યો હતો. ઘટનાની ગંભીરતાને સમજીને કમલેશભાઈએ તાત્કાલિક મંજુબેનનો સંપર્ક કર્યો અને સમગ્ર મામલાની વિગતો મેળવી હતી. જાતિવાદી તત્વોને તેમની જ ભાષામાં જવાબ આપવા અને બાબાસાહેબનું સન્માન પુનઃ સ્થાપિત કરવા માટે ભીમ આર્મીના અધ્યક્ષ પોતાની ટીમ સાથે જામખંભાળિયા નગરપાલિકા ખાતે પહોંચી ગયા હતા.

આ પણ વાંચો: રાજકોટમાં બાબા બાગેશ્વરના કાર્યક્રમમાં અંધશ્રદ્ધાનું ઘોડાપૂર, સુઑમોટોની માંગ
જે જગ્યાએથી ફોટા હટાવાયા હતા, ત્યાં જ ફરીથી સન્માનભેર લગાવાયા
ગઈકાલે જામખંભાળિયા નગરપાલિકા પહોંચેલી ભીમ આર્મીની ટીમે વહીવટી તંત્રની હાજરીમાં મંજુબેન આંબેડકરવાદીના હસ્તે જ ડૉ. બાબાસાહેબ આંબેડકરના 3 ફોટા ફરીથી કચેરીઓમાં લગાડ્યા હતા. જે 3 જગ્યાઓ પરથી ફોટા ગેરકાયદેસર અને દ્વેષભાવપૂર્વક હટાવી દેવાયા હતા, બરાબર તે જ સ્થાનો પર ફરીથી બાબાસાહેબની પ્રતિમા સન્માનપૂર્વક ગોઠવવામાં આવી હતી.
આ નાનકડી લાગતી ઘટનાએ ખંભાળિયા નગરપાલિકામાં કેવા ઘોર જાતિવાદી તત્વો બેઠા છે તેની પોલ આખા ગુજરાત સામે ખોલી નાખી છે. ગુજરાતના નાના ગામડાઓથી લઈને મહાનગરપાલિકાઓ સુધી આવા તત્વો મોકો મળતા જ દલિત સમાજ અને ડૉ. આંબેડકરની વિચારધારાનો વિરોધ કરવા મેદાને આવી જાય છે. પરંતુ ભીમ આર્મીના પ્રદેશ અધ્યક્ષ અને મંજુબેનની સક્રિયતાના કારણે આ વખતે જાતિવાદીઓની કારી ફાવી શકી નથી.
આ પણ વાંચો: બનાસકાંઠાના આંબલુણમાં દલિત યુવક પર 8 લોકોનો હુમલો











