AI થી ખોટા દસ્તાવેજો બનાવી 500 આદિવાસીઓ સાથે લાખોની ઠગાઈ

AI વડે બનાવટી વન અધિકારના દસ્તાવેજો બનાવી 500 થી વધુ આદિવાસીઓ પાસેથી લાખો રૂપિયાની છેતરપિંડી. વન વિભાગની મંથરગતિએ તપાસ.
tribals cheated of lakhs of rupees using AI

છત્તીસગઢના વિલાસપુર અને મુંગેલી જિલ્લા હેઠળ આવતા કોટા તથા લોરમી ક્ષેત્રના જંગલ વિસ્તારમાંથી એક હાઈટેક કૌભાંડ પકડાયું છે. અહીં પેઢીઓથી જંગલની જમીન પર વસવાટ કરતા આદિવાસીઓ અને વનવાસીઓને જમીનનો કાનૂની માલિકી હક આપવા માટે ભારત સરકારે ‘વન અધિકાર કાયદો’ બનાવ્યો હતો.

પરંતુ, આ કાયદાના રક્ષણના નામે જ વનવાસીઓ સાથે મોટો વિશ્વાસઘાત થયો છે. સ્થાનિક સ્તરે સક્રિય થયેલી ઠગ ગેંગે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) નો દુરુપયોગ કરીને તદ્દન સરકારી દસ્તાવેજ જેવા જ દેખાતા બોગસ ‘વન અધિકાર પટ્ટા’ તૈયાર કર્યા હતા.

પ્રાથમિક અનુમાન મુજબ, આ ઠગાઈનો ભોગ કોટા અને લોરમી વિસ્તારના આશરે 400 થી 500 જેટલા નિર્દોષ આદિવાસીઓ બન્યા છે. ઠગ ભેજાબાજોએ સરકારી સીલ, મહોર, આલેખન અને તત્કાલીન સરકારી આદેશો જેવી જ ભાષાનો ઉપયોગ AI ની મદદથી કર્યો હતો, જેથી કાગળો જોઈને કોઈ સામાન્ય વ્યક્તિને પણ શંકા ન જાય. આ આદિવાસીઓને એવો દાવો કરીને વિશ્વાસમાં લેવાયા હતા કે તેમનું નામ સરકારી ચોપડે નોંધાઈ ગયું છે અને જમીન પર કાયમી હક મળી ગયો છે. આ બોગસ કાગળો આપવાના બદલામાં દરેક ભોગ બનનાર પરિવાર પાસેથી ₹30,000 સુધીની મોટી રકમ વસૂલવામાં આવી હતી.

આ પણ વાંચો: દલિત મહિલા રસોઈયા બનતા ગામલોકોએ આંગણવાડીને તાળું મારી દીધું

સરકારી ચોપડે રેકોર્ડ ગાયબ: DFO ની પુષ્ટિ

આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે લોરમી ક્ષેત્રના ભગત રામ અને કોટા ક્ષેત્રના ભુલઉ રામ નામના ગ્રામજનોએ પોતાના દસ્તાવેજોની ચકાસણી કરાવવાનો પ્રયાસ કર્યો. ભગત રામના પરિવારે ₹30,000 આપીને પટ્ટો મેળવ્યો હતો. પરંતુ જ્યારે વિભાગીય સ્તરે રેકોર્ડની ખરાઈ કરવામાં આવી ત્યારે સરકારી રજિસ્ટરમાં આ નામોનો કોઈ ઉલ્લેખ જ મળ્યો નહોતો.

જિલ્લા વન અધિકારી (DFO) એ પ્રાથમિક તપાસ બાદ જાહેર કર્યું કે આ તમામ દસ્તાવેજો સંપૂર્ણપણે બનાવટી અને નકલી છે. સરકારી ચોપડે કોઈ જ નોંધ ન હોવાનું સામે આવતાં જ સમગ્ર વનવાસી પટ્ટામાં ભારે અફરાતફરી મચી ગઈ છે. લોકો પોતાની જમીન ગુમાવવાના અને મહેનતની કમાણી લૂંટાઈ જવાના ડરથી ફફડી રહ્યા છે.

આ પણ વાંચો: ISRO માંથી 120 જેટલા વૈજ્ઞાનિકોએ કેમ રાજીનામાં આપ્યાં?

તપાસ ઠપ્પ અને અધિકારીઓની ભૂમિકા સામે સવાલો

સૌથી ગંભીર બાબત એ છે કે DFO જેવા ઉચ્ચ અધિકારીએ સાર્વજનિક રૂપે આ દસ્તાવેજોને બોગસ ગણાવ્યા હોવા છતાં, હજુ સુધી આ મામલે કોઈ કડક FIR, સાયબર ક્રાઈમ તપાસ કે વિશેષ તપાસ ટીમ (SIT) ની રચના થઈ નથી. વન અધિકાર પટ્ટા જારી કરવાની પ્રક્રિયા ખૂબ જ જટિલ હોય છે, જેમાં ગ્રામસભા, મહેસૂલ રેકોર્ડ, વન વિભાગ અને જિલ્લા સ્તરીય સમિતિઓની મંજૂરી જરૂરી હોય છે. આટલા મોટા પાયે સરકારી કાગળો જેવી ડિઝાઈન અને રેકોર્ડ વગર બોગસ પટ્ટા વહેંચાઈ રહ્યા હોય, તો તેમાં માત્ર બહારના દલાલો જ નહીં પરંતુ સ્થાનિક મહેસૂલ અને વન વિભાગના અધિકારીઓ કે કર્મચારીઓની પણ મિલીભગત હોવાની આશંકા સેવાઈ રહી છે.

વિધાનસભામાં ગુંજ્યો મુદ્દો: ન્યાયની માંગ

કોટાના ધારાસભ્ય અટલ શ્રીવાસ્તવે આ મામલે વિધાનસભામાં અવાજ ઉઠાવ્યો છે અને વન મંત્રી પાસે કડક કાર્યવાહીની માંગ કરી છે. તેમનો આરોપ છે કે લેખિત ફરિયાદો કરવા છતાં વન વિભાગ અને સ્થાનિક પ્રશાસન તપાસ આગળ વધારવામાં આનાકાની કરી રહ્યું છે. જો આ મામલે તટસ્થ અને ઝડપી તપાસ હાથ ધરવામાં નહીં આવે, તો ગરીબ આદિવાસીઓ વર્ષો સુધી અદાલતો અને સરકારી કચેરીઓના ચક્કર કાપતા રહી જશે.

આ પણ વાંચો: સંસદ માર્ચમાં સાદા કપડામાં લાકડીઓ લઈને ઉભેલા કોણ હતા?

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
0
Would love your thoughts, please comment.x
()
x