યુપીના બિજનોરમાં એક દલિત દંપતીની અત્યંત ભયાનક અને શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવતા સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી ગઈ છે. સોમવારે સવારે પોતાના ખેતરે ગયેલા પતિ-પત્ની મોડી સાંજ સુધી પરત ન ફરતા શોધખોળ હાથ ધરાઈ હતી. મંગળવારે સવારે ગંગા કિનારેથી પત્નીની અર્ધનગ્ન હાલતમાં લાશ મળી હતી, જ્યારે પતિનો મૃતદેહ 2 કિલોમીટર દૂર ઝાડ પર લટકતો મળ્યો હતો. ઘટના સ્થળેથી લોહીના ડાઘા, તૂટેલા લાકડા અને ચંપલો મળી આવતા દલિત દંપતી પર અત્યાચાર કરી હત્યા કરાઈ હોવાની આશંકા પ્રબળ બની છે.
મહિલાનો ચોટલો શેતૂરના ઝાડ સાથે બાંધેલો હતો
બિજનોરના સદુપુરા ગામના રહેવાસી 40 વર્ષીય દેશરાજ ઉર્ફે છોટે અને તેમની પત્ની સુષમા જલાલપુર ખાદર સ્થિત પોતાના ખેતરમાં સફાઈ કામ માટે ગયા હતા. સોમવારે સવારે 10 વાગ્યે નીકળેલા દંપતીની મોડી રાત સુધી કોઈ ભાળ મળી નહોતી. મંગળવારે સવારે ગંગા કિનારે સુષમાનો અર્ધનગ્ન હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. ક્રૂરતાની હદ તો એ હતી કે તેનો ચોટલો શેતૂરના ઝાડ સાથે બાંધેલો હતો.

આ પણ વાંચો: દલિત યુવકનું પોલીસ કસ્ટડીમાં મોત, CCTV વાયરલ!
મહિલાનો મૃતદેહ મળ્યા બાદ ગ્રામજનોએ દેશરાજની શોધખોળ તીવ્ર કરી હતી. ઘટનાસ્થળથી 2 કિલોમીટર દૂર જંગલમાં આંબાના ઝાડ પર તાર વડે દેશરાજનો મૃતદેહ લટકતો મળ્યો હતો. આશ્ચર્યજનક વાત એ છે કે દેશરાજના શરીર પર તેની પત્નીની સલવાર વીંટાળેલી હતી. શબની આ બિભત્સ સ્થિતિ સ્પષ્ટ કરે છે કે દંપતી સાથે કોઈ મોટો ગુનો આચરવામાં આવ્યો હતો.
ખેતરમાં લોહીના ડાઘા અને મારામારી થયાના પુરાવા મળ્યાં
દંપતી જે ખેતરમાં કામ કરવા ગયું હતું ત્યાંથી તપાસ દરમિયાન મોટા પ્રમાણમાં લોહીના ડાઘા, તૂટેલા લાકડાના દંડા અને ચંપલો મળી આવ્યા છે. આ પુરાવાઓ સાબિત કરે છે કે ખેતરમાં દંપતી અને આરોપીઓ વચ્ચે ભારે ઝપાઝપી થઈ હતી.
દલિત દંપતી પર હુમલો કરીને તેમને ઢોર માર મારવામાં આવ્યો હતો. ત્યારબાદ તેમને અલગ-અલગ સ્થળે લઈ જઈને તેમની હત્યા કરવામાં આવી હોવાની આશંકા છે. ઘટનાસ્થળની સ્થિતિ જોતા દલિત પરિવારોમાં ભારે ભય અને આક્રોશનો માહોલ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો: બનાસકાંઠાના રાણોલમાં દલિતોના દૂધ પર પ્રતિબંધ: 34 સામે એટ્રોસિટી
જાતિય શોષણની આશંકાએ પોલીસની તપાસ
મહિલાનો મૃતદેહ અર્ધનગ્ન અવસ્થામાં મળવાના કારણે તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની પ્રબળ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટનાની ગંભીરતાને જોતા એએસપી સિટી ડો. કેજી સિંહ, સીઓ સિટી અભય કુમાર પાંડે, એસઓજી અને સર્વેલન્સ ટીમ સાથે સ્થળ પર પહોંચ્યા હતા. ફોરેન્સિક ટીમ અને ડોગ સ્ક્વોડે ઘટનાસ્થળેથી મહત્વના પુરાવા એકત્ર કર્યા છે. હાલ પોલીસે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. પોલીસ હત્યા, આત્મહત્યા અને બળાત્કાર જેવા તમામ પાસાઓ પર તપાસ ચલાવી રહી છે.
4 બાળકો અનાથ બન્યાં, સિસ્ટમ પર સવાલ
દેશરાજ અને સુષમાના અકાળે અવસાનથી તેમના 4 નાના બાળકોના માથેથી માતા-પિતાની છત્રછાયા છીનવાઈ ગઈ છે. પરિવારમાં 2 પુત્રો અને 2 પુત્રીઓ છે, જેઓ આઘાતમાં સરી પડ્યા છે. ઉત્તર પ્રદેશમાં દલિતો પર સતત વધી રહેલા અત્યાચાર અને આ પ્રકારની જઘન્ય ઘટનાઓએ કાયદો અને વ્યવસ્થા સામે ગંભીર પ્રશ્નાર્થ ચિહ્ન ખડા કર્યા છે. દલિત સમાજે આ મામલે ત્વરિત અને કડક કાર્યવાહી કરીને દોષિતોને ફાંસીની સજા આપવાની માગ કરી છે.
આ પણ વાંચો: દીકરીઓના ભણતર માટે માતાએ ઉઘાડા પગે મેરેથોન દોડી જીતી











