નગીનાના સાંસદ અને આઝાદ સમાજ પાર્ટીના પ્રમુખ ચંદ્રશેખર આઝાદે પોતાની હત્યાની આશંકા વ્યક્ત કરતા ઉત્તર પ્રદેશ સરકાર અને ભાજપ શાસન પર સણસણતો પ્રહાર કર્યો છે. તેમણે એક વીડિયો જાહેર કરીને દાવો કર્યો છે કે એક ફાર્મ હાઉસમાં તેમની હત્યાનું ભયાનક ષડયંત્ર રચવામાં આવ્યું હતું. આ સાથે જ તેમણે તાજેતરમાં બારાબંકી ખાતે તેમના કાફલા પર થયેલા હુમલા અને આ સમગ્ર કાવતરાની નિષ્પક્ષ તેમજ ઉચ્ચ સ્તરીય તપાસ કરાવવાની આકરી માગણી કરી છે.
ફાર્મ હાઉસમાં હત્યાનો પ્લાન: ચોંકાવનારો દાવો
ચંદ્રશેખર આઝાદે ચોંકાવનારો ખુલાસો કરતા જણાવ્યું કે મારી પાસે જે માહિતી અને સ્ત્રોત છે તે તદ્દન સાચા છે. એક ફાર્મ હાઉસમાં મને જાનથી મારી નાખવાનું કાવતરું ઘડાયું છે. વિરોધીઓ અને શાસક પક્ષના ગુન્ડાઓને ખુલ્લી ચેલેન્જ આપતા તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે મોતથી ડરીને જીવી ન શકાય. જો મારું મોત તમારા હાથે લખાયું હશે તો તે પણ થશે, પરંતુ જો તમે તમારા કાવતરામાં નિષ્ફળ ગયા અને મારા સમાજના લોકો મારી સાથે ઊભા રહ્યા, તો યાદ રાખજો કે ગુંડાઓએ ઉત્તર પ્રદેશમાંથી ભાગવું પડશે.

બારાબંકીમાં કાફલા પર હુમલો અને આગચંપીનો પ્રયાસ
ઘટનાની વિગતો અનુસાર, ચંદ્રશેખર આઝાદ પોતાના સમર્થકો સાથે ગોંડા ખાતે વેપારી વિનોદ સાહની હત્યાકાંડના પીડિત પરિવારને મળવા જઈ રહ્યા હતા. આ દરમિયાન બારાબંકીના ટોલ પ્લાઝા પર પોલીસ અને વહીવટી તંત્રે તેમના કાફલાને રોકી લીધો હતો, જ્યાં સ્થિતિ વણસતા ધક્કામુક્કી થઈ હતી.
આ પણ વાંચોઃ દતિયામાં ચંદ્રશેખર આઝાદે કેવી રીતે ભાજપની જીત છીનવી?
एक फार्म हाउस में मेरी हत्या करने का षड्यंत्र रचा गया है। मैं यह बात बहुत जिम्मेदारी से कह रहा हूं। मेरे पास जो सूचनाएं और स्रोत हैं, वे गलत नहीं हैं। मैं सरकार से मांग करता हूं कि इस पूरे मामले की उच्चस्तरीय और निष्पक्ष जांच कराई जाए और हत्या की साजिश से लेकर बाराबंकी हिंसा में… pic.twitter.com/sNpzUo97Ul
— Aazad Samaj Party – Kanshi Ram (@AzadSamajParty) September 15, 2026
સાંસદે આરોપ લગાવ્યો હતો કે ધોળા દિવસે તેમના પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને પેટ્રોલ-ડીઝલ જેવા જ્વલનશીલ પદાર્થોથી ભરેલી બોટલો ફેંકીને તેમની ગાડીને સળગાવી દેવાનો પ્રયાસ કરાયો હતો. એક ચૂંટાયેલા જનપ્રતિનિધિ અને સુરક્ષા ધરાવતા સાંસદ પર આ પ્રકારે જીવલેણ હુમલો થાય અને આરોપીઓ બેખોફ રહે, તે રાજ્યની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર મોટો સવાલ ઊભો કરે છે.
દલિત, પછાત અને મુસ્લિમોની સુરક્ષા પર સવાલ
યુપીની ભાજપ યોગી સરકારની આકરી ઝાટકણી કાઢતા આઝાદે આ મુદ્દાને સમગ્ર દલિત અને વંચિત સમાજ સાથે જોડ્યો હતો. તેમણે સવાલ ઉઠાવ્યો કે જો સંસદ સભ્ય જ ઉત્તર પ્રદેશમાં સુરક્ષિત નથી, તો પછી સામાન્ય દલિત, પછાત, આદિવાસી અને મુસ્લિમ સમાજની સુરક્ષા તથા ન્યાયની શું સ્થિતિ હશે? તેમણે કાયદાના શાસનના દાવા કરતી સરકાર સામે સવાલ કર્યો કે શા માટે આટલા મોટા હુમલા અને હત્યાના ષડયંત્ર છતાં પણ આરોપીઓ સામે કડક પગલાં નથી લેવાઈ રહ્યા?

અમારો સંઘર્ષ ચાલુ રહેશેઃ ચંદ્રશેખર આઝાદ
પોતાના કેડર અને બહુજન સમાજના સમર્થકોને આહ્વાન કરતા ચંદ્રશેખર આઝાદે કહ્યું કે કોઈએ ડરવાની જરૂર નથી, ન્યાય અને આત્મસન્માનની આ લડાઈ તથા સંઘર્ષ સતત જારી રહેશે. તેમણે સરકાર પાસે માગ કરી છે કે બારાબંકી હિંસા અને ફાર્મ હાઉસમાં રચાયેલા હત્યાના કાવતરામાં સામેલ તમામ ગુનેગારો અને તેમની પાછળના આકાઓની ભૂમિકા સામે લાવવામાં આવે. આ ઘટના બાદ સમગ્ર ઉત્તર પ્રદેશના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે અને બહુજન સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો છે.
આ પણ વાંચોઃ અનામત હટાવો આંદોલન મોદી સરકાર પ્રેરિત છેઃ ચંદ્રશેખર આઝાદ











