વર્ષ 2015માં સમગ્ર દેશને હચમચાવી મુકનારા રાજસ્થાનના નાગોર જિલ્લાના ડાંગાવાસ હત્યાકાંડમાં 11 વર્ષની લાંબી કાનૂની લડાઈ બાદ કોર્ટનો નિર્ણય આવી ગયો છે. 23 વીઘા જમીનના કબ્જા માટે થયેલા લોહિયાળ જંગમાં 5 દલિતોની હત્યા કરવામાં આવી હતી. જોકે, અદાલતે પુરાવાના અભાવે તમામ 40 આરોપીઓને નિર્દોષ છોડી મૂકવાનો આદેશ આપ્યો છે. 245 પાનાના આ ચુકાદાએ એક ગંભીર સવાલ ઊભો કર્યો છે કે જો 5 દલિતોના મોત થયા છે, તો પછી તેમના હત્યારા કોણ છે? તપાસ એજન્સી CBI અદાલતમાં આરોપીઓ વિરુદ્ધ નક્કર સાક્ષી કે સજ્જડ પુરાવા રજૂ કરવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહી છે.
જમીન વિવાદ અને 14 મે 2015નો કાળો દિવસ
રાજસ્થાનના નાગોર જિલ્લાના ડાંગાવાસ ગામમાં 23 વીઘા અને 5 બિસવા જમીનના માલિકી હકને લઈને બે જૂથો વચ્ચે લાંબા સમયથી તણાવ ચાલી રહ્યો હતો. આ જમીન 1964માં 1,500 રૂપિયામાં ગીરો મૂકવામાં આવી હતી. ત્યારબાદ રતનારામ મેઘવાળે આ જમીન પર ઝૂંપડી અને રૂમ બનાવ્યો હતો.

14 મે 2015ના રોજ આ જમીન પર કબ્જો ખાલી કરાવવા અને સમાધાન કરવાના નામે 200થી 250 લોકોનું ટોળું ટ્રેક્ટર, મોટરસાયકલ અને ધારદાર હથિયારો સાથે ખેતરમાં ઘૂસી આવ્યું હતું. આ દરમિયાન થયેલી હિંસામાં રતનારામ, પોખરરામ, પાંચારામા, ખેમારામ અને ગણપતરામ મેઘવાળ નામના 5 દલિત પુરુષોની કરૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી. સામે પક્ષે રામપાલ પુરી નામના શખ્સનું પણ ગોળી વાગવાથી મોત થયું હતું.
આ પણ વાંચોઃ ધો.10ના દલિત વિદ્યાર્થીની શાળા સામે જ 5 ગોળી મારી હત્યા
તપાસમાં CBIની નિષ્ફળતાના મુખ્ય કારણો
અદાલતે પોતાના ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે 5 લોકોના મોત હિંસક ઘટનામાં જ થયા છે, પરંતુ આ ગુનો કયા ચોક્કસ વ્યક્તિએ આચર્યો છે તે સાબિત થઈ શક્યું નથી. CBI દ્વારા રજૂ કરવામાં આવેલી ચાર્જશીટ કોર્ટમાં ન ટકી શકવા પાછળ કેટલાક મુખ્ય કારણો જવાબદાર રહ્યા છે.
કેસની સૌથી નબળી કડી એ રહી કે મૃતકોના સૌથી નજીકના સગાં અને પ્રત્યક્ષદર્શીઓ પણ કોર્ટમાં આરોપીઓની ઓળખ કરી શક્યા નહોતા. રતનારામ, પોખરરામ અને ગણપતરામના પરિજનોએ અદાલતમાં જણાવ્યું કે તેમને ખબર નથી કે હુમલો કોણે કર્યો હતો.
CBIનો દાવો હતો કે ટોળું ઘાતક હથિયારો સાથે હત્યા કરવાના ઈરાદાથી આવ્યું હતું. પરંતુ સાક્ષી સોનકી દેવીના નિવેદન મુજબ, હિંસા શરૂ થાય તે પહેલા ખેમારામ અને મુન્નારામે હાથ જોડીને 20થી 25 મિનિટ સુધી લોકો પાસે ઝઘડો ન કરવાની વિનંતી કરી હતી. આટલી લાંબી વાતચીત દર્શાવે છે કે ટોળું શરૂઆતથી જ માત્ર હત્યાના ઈરાદાથી આવ્યું નહોતું.

ઘાયલ શ્રવણરામના નિવેદન અનુસાર, બંને પક્ષો વચ્ચે સતત 1 કલાક સુધી પથ્થરમારો ચાલ્યો હતો. આ એકતરફી હુમલો નહોતો પરંતુ સામસામે થયેલી હિંસક અથડામણ હતી. આ સિવાય એક સાક્ષીએ જણાવ્યું કે મોટી ભીડ ખેતરમાં નહીં પરંતુ 1.5થી 2 કિલોમીટર દૂર બસ સ્ટેન્ડ પર હાજર હતી.
હથિયારો, ટ્રેક્ટર અને પુરાવાઓનો અભાવ
ઘટનાસ્થળેથી લાકડીઓ, સળિયા, કુહાડી અને સાંકળો મળી આવી હતી, પરંતુ CBI એ સાબિત કરી શકી નહીં કે કયા આરોપીના હાથમાં કયું હથિયાર હતું. આ ઉપરાંત, પીડિતોને ટ્રેક્ટરથી કચડી નાખવાનો ગંભીર આરોપ હતો, પરંતુ CBI એ ટ્રેક્ટર જ જપ્ત કરી શકી નહોતી અને કોઈ સાક્ષી ટ્રેક્ટર ચાલકની ઓળખ કરી શક્યો નહોતો.
ડોક્ટરોના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ જણાવવામાં આવ્યું હતું કે કેટલીક ઇજાઓ રૂમ કે દીવાલ પડવાને કારણે થઈ હોઈ શકે છે. પથ્થર વાગવાથી થયેલા મોતમાં પણ સેંકડો લોકોની ભીડમાંથી જીવલેણ પથ્થર કોણે ફેંક્યો તે નક્કી કરવું અશક્ય બની ગયું હતું.
આ પણ વાંચોઃ 24 દલિતોની હત્યામાં 26 વર્ષ પછી પણ ન્યાય નથી મળ્યો
કોર્ટની આકરી ઝાટકણી અને વળતરનો આદેશ
મેડતા કોર્ટે નિર્ણય સંભળાવતા એક અત્યંત મહત્વપૂર્ણ ટિપ્પણી કરી હતી: “તમામ આરોપીઓ દોષમુક્ત થઈ રહ્યા છે, પરંતુ એ વાત નિર્વિવાદ છે કે 14 મે 2015ના રોજ 5 વ્યક્તિઓના મોત થયા હતા. દોષમુક્તિનો અર્થ એ નથી કે અપરાધ બન્યો જ નથી, તેનો માત્ર એટલો જ અર્થ છે કે કાયદાકીય પુરાવા દ્વારા ગુનેગારો સાબિત થઈ શક્યા નથી.” અદાલતે મૃતકોના આશ્રિતો અને ઘાયલોને SC/ST નિયમ 1995 તેમજ રાજસ્થાન પીડિત પ્રતિકર સ્કીમ હેઠળ યોગ્ય વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે.
ન્યાય માટે હાઈકોર્ટના દરવાજા ખટખટાવાશે
સમગ્ર દેશમાં દલિત અત્યાચારના પ્રતિકરૂપે ચર્ચામાં આવેલા આ કેસમાં જૂન 2015માં CBI એ તપાસ હાથ ધરી હતી. CBI એ 14 ઓગસ્ટ 2015ના રોજ 6 લોકો સામે અને 17 ઓક્ટોબર 2016ના રોજ અન્ય 34 લોકો સામે ચાર્જશીટ દાખલ કરી હતી.
પીડિત પક્ષના એડવોકેટ અબ્દુલ સલીમ અંસારીએ જણાવ્યું કે તેઓ અદાલતના આદેશનું સન્માન કરે છે, પરંતુ પીડિત પરિવાર આ નિર્ણયથી સંતૃપ્ત નથી. 11 વર્ષની લાંબી રાહ પછી પણ દલિત પીડિતોને ન્યાય મળ્યો નથી. હવે પીડિત પક્ષ આ ચુકાદા સામે હાઈકોર્ટમાં અપીલ કરશે. ન્યાયિક પ્રક્રિયામાં માત્ર નિર્ણય આવવો પૂરતો નથી, પરંતુ સમાજમાં ન્યાય થયો હોવાનો અનુભવ થવો પણ એટલો જ જરૂરી છે.
આ પણ વાંચોઃ સૌરાષ્ટ્ર દલિતો માટે ડેન્જર ઝોન બન્યું, 7 દિવસમાં 3 દલિતોની હત્યા!











