IIT બોમ્બેમાં જાતિવાદથી કંટાળી દલિત વિદ્યાર્થીનો આપઘાત!

IIT બોમ્બેના હોનહાર દલિત વિદ્યાર્થી સાહિલ વાકોડે જાતિવાદી પ્રોફેસરોના જાતિવાદથી કંટાળીને અમદાવાદના દર્શન સોલંકીની જેમ આપઘાત કરી લીધો!
iit-bombay-dalit-student-sahil-wakode-suicide-news
iit-bombay-dalit-student-sahil-wakode-suicide-news

IIT બોમ્બે જાણે દલિત સમાજના હોનહાર વિદ્યાર્થીઓ માટે આપઘાતનું સેન્ટર બની ગયું હોય તેમ એક પછી એક દલિત વિદ્યાર્થીઓ અહીં મોતને ભેટી રહ્યાં છે. આવી ઘટનાઓમાં મોટાભાગે સંસ્થાના જાતિવાદી પ્રોફેસરોનો જાતિવાદ કારણભૂત હોવાના આરોપ લાગી રહ્યાં છે અને આ ઘટના પણ તેમાંથી બાકી નથી.

ભારતની શ્રેષ્ઠ શિક્ષણ સંસ્થાઓમાં કઈ હદે મનુવાદી માનસિકતાના તત્વો અને સંસ્થાકીય જાતિવાદ ઘૂસી ચૂક્યો છે, તેનો જીવતો-જાગતો પુરાવો ફરી એકવાર IIT બોમ્બેમાંથી સામે આવ્યો છે. મહારાષ્ટ્રના યવતમાલ જિલ્લાના ગરીબ આદિવાસી-દલિત પરિવારમાંથી આવતા 22 વર્ષીય સાહિલ રવિન્દ્ર વાકોડે નામના હોનહાર યુવકે હોસ્ટેલ નંબર 4 ના પોતાના રૂમમાં પંખા સાથે લટકીને જીવન ટૂંકાવી લીધું છે. પ્રથમ વર્ષમાં 8.5 CGPA જેવું ઊંચું મેરિટ લાવનાર આ હોનહાર દલિત વિદ્યાર્થીને માનસિક રીતે તોડી પાડી આપઘાત કરવા મજબૂર કરાયો હોવાની ચર્ચા છે.

પ્રોફેસરનું જાતિવાદી ટોર્ચર અને ષડયંત્ર

સાહિલના પિતા રવિન્દ્ર વાકોડે અને માતા સોનાલી વાકોડેએ સીધા અને ગંભીર આરોપો લગાવ્યા છે કે ઊર્જા વિજ્ઞાન વિભાગના પ્રોફેસર સૂર્યનારાયણ ડુલ્લા છેલ્લા કેટલાક મહિનાઓથી સાહિલ પર સતત જાતિસૂચક નિવેદનો કરતા હતા. દલિત સમાજમાંથી આવતા તેજસ્વી બાળકને માનસિક રીતે ટોર્ચર કરીને તેને ખોટા કેસમાં ફસાવી દેવાની ખુલ્લી ધમકીઓ આપતા હતા. ઘટનાના દિવસે માત્ર પરીક્ષા હોલમાં મોબાઈલ વાપરવાના બહાને સાહિલને પ્રોફેસરે કોરિડોરમાં અપમાનિત કર્યો હતો. આ સામાજિક અપમાન અને મનુવાદી દાદાગીરીના 1 કલાકની અંદર જ સાહિલે ગળેફાંસો ખાઈ લીધો હતો. શાસન અને તંત્ર તેને માત્ર આપઘાત ગણાવીને પોતાની આબરૂ બચાવવાનો પ્રયાસ કરી રહ્યું છે, પરંતુ વાસ્તવમાં આ સવર્ણીય માનસિકતા દ્વારા કરવામાં આવેલી સંસ્થાકીય હત્યા છે.

આ પણ વાંચોઃ IIT મંડીમાં પોસ્ટર લાગ્યું, શુદ્રોએ સવર્ણોની સેવા કરવી જોઈએ! 

પરિવારનો રોષ અને પોલીસની કાર્યવાહી

ઘટના બાદ વહીવટીતંત્રે આ કાળી હકીકત પર પડદો પાડવા માટે તેને અકસ્માતે મોત દર્શાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પરિવારજનોએ જ્યાં સુધી દોષિત પ્રોફેસર સામે કાર્યવાહી ન થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. અંતે ભારે વિરોધ બાદ પવઈ પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 108 અને એટ્રોસિટી એક્ટ હેઠળ FIR નોંધી છે. મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તપાસ મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી છે, જેનું નેતૃત્વ ACP રેન્કના અધિકારી કરશે.

વિદ્યાર્થીઓનો હોબાળો અને સંસ્થાકીય નિષ્ફળતા

સાહિલની સંસ્થાકીય હત્યાના સમાચાર વાયરલ થતાં જ IIT બોમ્બે કેમ્પસમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. મધ્યરાત્રિ સુધીમાં 1000 થી વધુ વિદ્યાર્થીઓએ ડાયરેક્ટર શિરીષ કેદારેની ઓફિસનો ઘેરાવ કર્યો હતો અને ડાયરેક્ટર તેમજ દોષિત પ્રોફેસર સૂર્યનારાયણ ડુલ્લાના તાત્કાલિક રાજીનામાની માગણી કરી હતી. વિદ્યાર્થીઓએ કેમ્પસનો મુખ્ય ગેટ બંધ કરીને માનસિક ટોર્ચર સામે અવાજ ઉઠાવ્યો હતો. કેમ્પસમાં છેલ્લા 6 મહિનામાં આ 3જી અને છેલ્લા 2 મહિનામાં 2જી આપઘાતની ઘટના છે, જે સ્પષ્ટ કરે છે કે મનુવાદી તત્વો આ સંસ્થાઓમાં દલિત-બહુજન વિદ્યાર્થીઓને સહન કરી શકતા નથી.

આ પણ વાંચોઃ રોહિત વેમુલાથી દર્શન સોલંકી સુધી, આ દલિતો જાતિવાદનો ભોગ બન્યા

દર્શન સોલંકીથી સાહિલ વાકોડે: ક્યારે અટકશે આ સિલસિલો?

આ પહેલીવાર નથી કે જ્યારે IIT બોમ્બેએ દલિત સમાજના હોનહાર વિદ્યાર્થીઓનો ભોગ લીધો હોય. ફેબ્રુઆરી 2023 માં પણ અમદાવાદના વતની પ્રથમ વર્ષના દલિત વિદ્યાર્થી દર્શન સોલંકીએ સાતમા માળેથી કૂદીને આ જ રીતે જીવ આપ્યો હતો, જેની પાછળ પણ કેમ્પસમાં ચાલી રહેલો જાતિવાદી બહિષ્કાર જવાબદાર હતો. જ્યારે જ્યારે કોઈ દલિત યુવાન પોતાની ક્ષમતાથી આ મનુવાદી ગઢમાં પ્રવેશ કરે છે, ત્યારે તેને માનસિક રીતે તોડવાના તમામ મનુવાદી હથિયારો અપનાવવામાં આવે છે. દેશભરની કૉલેજોમાંથી છેલ્લા વર્ષોમાં 154046 વિદ્યાર્થીઓએ હેલ્પલાઈન પર મદદ માગી છે, જેમાંથી 5642 કોલ્સ માત્ર આપઘાતની ચિંતા સાથે જોડાયેલા હતા. 2022 ના વર્ષમાં જ 13044 વિદ્યાર્થીઓએ આ આકરી સિસ્ટમ સામે હારીને જીવ ગુમાવ્યો હતો.

આ પણ વાંચોઃ UGC નો આદેશ છતાં ગાંધીનગર IITE ની ભરતીમાં SC, ST, OBCની બાદબાકી

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
GPSC ના ચેરમેન હસમુખ પટેલ પર લાગેલા જાતિવાદના આરોપો અંગે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x