ગુજરાતમાં દલિત અને આદિવાસી સમાજના માસૂમ બાળકો પર થતા સામાજિક અત્યાચારોની લાઈનમાં વધુ એક શરમજનક ઘટના ઉમેરાઈ છે. બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ટોકરીયા ગામે માત્ર ખેતરમાં ઘૂસી ગયેલી ગાયને બહાર કાઢવા જેવી મામુલી બાબતે એક સવર્ણ માનસિકતા ધરાવતા ચૌધરી ખેડૂતે 13 વર્ષના આદિવાસી ભીલ સમાજના બાળક પર અમાનુષી અત્યાચાર ગુજાર્યો છે. માસૂમ બાળકને સોટી અને ગડદાં-પાટુંનો માર મારીને ઓરડીમાં પૂરી દેવામાં આવ્યો હતો. જ્યારે બાળકના પિતા પૂછપરછ કરવા ગયા ત્યારે તેમને પણ જાતિસૂચક અપશબ્દો કહી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી.
મામલો શું હતો
ઘટનાની વિગત મુજબ, ગઢ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ ટોકરીયા ગામે 17 સપ્ટેમ્બરના રોજ જમનાબેન મુકેશભાઈ ભીલનો 13 વર્ષીય પુત્ર અલ્પેશ ભીલ ગામના ગૌચરમાં રમી રહ્યો હતો. તે દરમિયાન તેમની એક ગાય ચરતા ચરતા બાજુમાં આવેલ દેવાભાઈ નરસંગભાઈ ચૌધરી નામના ખેડૂતના ખેતરમાં ઘૂસી ગઈ હતી. બાળક અલ્પેશ માત્ર પોતાની ગાયને ખેતરમાંથી બહાર કાઢવા માટે અંદર ગયો હતો.

પરંતુ, ખેડૂત દેવાભાઈ ચૌધરીએ માસૂમ બાળકને જોતા જ પોતાનો સામાજિક રોફ ઝાડવાનું શરૂ કર્યું હતું. “અમારા ખેતરમાં ગાયો કેમ ચારે છે?” તેમ કહીને ઉશ્કેરાઈ ગયેલા ખેડૂતે ૧૩ વર્ષના બાળકને પકડી લીધો હતો.
આ પણ વાંચોઃ બનાસકાંઠાના રાણોલમાં દલિતોના દૂધ પર પ્રતિબંધ: 34 સામે એટ્રોસિટી
ઓરડીમાં પુરી લાકડી વડે માર માર્યો
આરોપી ખેડૂતે રાક્ષસી માનસિકતા દાખવીને માસૂમ અલ્પેશને જાડા સોટા (લાકડી) વડે પીઠ અને હાથ પર આડેધડ ફટકાર્યો હતો. આટલેથી મન ન ભરાતા તેને ગડદાં-પાટુંનો ઢોર માર મારીને ખેતરમાં આવેલી એક અંધારી ઓરડીમાં ગોંધી રાખ્યો હતો. બંધ ઓરડીમાં ડરેલો 13 વર્ષનો બાળક સતત રડતો રહ્યો અને ચીસાચીસ કરતો રહ્યો હતો, જેના કારણે આસપાસના લોકોના ધ્યાન પર આવતા તેને બહાર કાઢવામાં આવ્યો હતો.
પિતાને જાનથી મારી નાખવાની ધમકી આપી
જ્યારે આ સમગ્ર ઘટનાની જાણ અલ્પેશના પરિવારને થઈ, ત્યારે તેના પિતા પોતાના માસૂમ પુત્ર પર થયેલા અત્યાચાર અંગે ખેડૂત દેવાભાઈ ચૌધરીને ઠપકો આપવા પહોંચ્યા હતા. પરંતુ પોતાની ભૂલ સ્વીકારવાને બદલે અહંકારી ખેડૂતે ઉલટાનું દાદાગીરી શરૂ કરી દીધી હતી.
“તમારી ગાયે અમારું નુકસાન કર્યું છે, તેના પૈસા આપી દો” તેમ કહીને તે વધારે ઉશ્કેરાયો હતો. ખેડૂતે અલ્પેશના પિતાને જાહેરમાં જાતિ અપમાનિત કરી અપશબ્દો કહ્યા હતા. એટલું જ નહીં, “અહીંથી જતો રહે નહીતર હમણાં જ તને જાનથી મારી નાખીશ… તારાથી થાય તે કરી લે” તેવી ખુલ્લી ધમકી પણ આપી હતી.

પોલીસ ફરિયાદ નોંધાઈ
આ સમગ્ર ઘટના બાદ ઈજાગ્રસ્ત કિશોરને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ત્યારબાદ પીડિત પિતાએ પુત્રને માર મારી ગોંધી રાખવા બદલ તથા જાતિસૂચક અપશબ્દો બોલી ધમકી આપવા બદલ આરોપી દેવાભાઈ ચૌધરી વિરુદ્ધ ગઢ પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો. પોલીસે ફરિયાદના આધારે આગળની તપાસ હાથ ધરી આરોપીને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
આ પણ વાંચોઃ બનાસકાંઠાના ઉચોસણમાં દલિત સરપંચને ખુરશી પર બેસતા અટકાવાયા











