દેશની પ્રતિષ્ઠિત શિક્ષણ સંસ્થાઓમાં સવર્ણ અને મનુવાદી માનસિકતા ધરાવતા પ્રોફેસરો દ્વારા બહુજન, દલિત અને આદિવાસી વિદ્યાર્થીઓનું માનસિક ઉત્પીડન કરવાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે આવેલી ડૉ. રાજેન્દ્ર પ્રસાદ નેશનલ લો યુનિવર્સિટીમાં BA LLB (Hons) ના 5મા સેમેસ્ટરમાં અભ્યાસ કરતા એક ટોપર દલિત વિદ્યાર્થીએ લો ડિપાર્ટમેન્ટના હેડ (HoD) અને બોયઝ હોસ્ટેલના વોર્ડન ડૉ. દીપક શર્મા સામે જાતિગત ભેદભાવ અને માનસિક ત્રાસનો ગંભીર આરોપ લગાવ્યો છે.
આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અલાહાબાદ હાઈકોર્ટે યુનિવર્સિટી તંત્રની ઝાટકણી કાઢીને બે સભ્યોની ન્યાયિક તપાસ સમિતિની રચના કરી છે.

‘તારે ક્યાં હવે અનામતની જરૂર છે?’ કહી ટોણો મારતો હતો
પીડિત દલિત વિદ્યાર્થી બંધારણીય કાયદા (Constitutional Law-1) વિષયમાં સમગ્ર યુનિવર્સિટીમાં ટોપર રહ્યો હતો. પરંતુ જ્યારે સવર્ણ અને જાતિવાદી મનોવૃત્તિ ધરાવતા HoD ડૉ. દીપક શર્માને ખબર પડી કે બંધારણમાં ટોપ કરનાર વિદ્યાર્થી દલિત સમાજનો છે, ત્યારે તેમનામાં રહેલો મનુવાદી અહમ ઘવાઈ ગયો હતો. ત્યારબાદ બદલાની માનસિકતા રાખીને વિદ્યાર્થીની આન્સર શીટનું અત્યંત સખત અને ભેદભાવપૂર્ણ મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: બ્રાહ્મણ પરિવારે ગાય કાપી ગૌમાંસ વેચ્યું! 2 મહિલાની ધરપકડ
એટલું જ નહીં, આરોપી પ્રોફેસરે જાહેરમાં દલિત વિદ્યાર્થીને અપમાનિત કરતા અને અનામત પ્રથા પર ઝેર ઓકતા કહ્યું હતું કે, “તારે ક્યાં અનામતની જરૂર છે?” આરોપીએ વિદ્યાર્થીને ખુલ્લો પડકાર ફેંકતા જાતિવાદી ટોનમાં કહ્યું હતું કે, “જે બંધારણીય કાયદામાં સૌથી વધુ માર્ક્સ લાવ્યો છે, તે હવે મારા સબ્જેક્ટમાં સારા માર્ક્સ લાવીને બતાવે.” આ કિસ્સો સ્પષ્ટ કરે છે કે કાયદાનો અભ્યાસ કરાવતી યુનિવર્સિટીઓમાં પણ બહુજન વિદ્યાર્થીઓ પ્રત્યે કેવી માનસિકતા રાખવામાં આવે છે.
યુનિવર્સિટી તંત્રની લાપરવાહી અને મનુવાદી સંરક્ષણ
દલિત વિદ્યાર્થીએ પોતાના પર થઈ રહેલા આ જાતિવાદી અત્યાચાર અંગે ગત 20 ઓગસ્ટના રોજ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર (VC)ને સત્તાવાર લેખિત ફરિયાદ કરી હતી. પરંતુ તંત્રએ SC/ST વિદ્યાર્થીઓના અધિકારોનું રક્ષણ કરવાના બદલે અને આરોપી પ્રોફેસર સામે કાનૂની કાર્યવાહી કરવાને બદલે સમગ્ર મામલા પર પડદો પાડવાનો પ્રયાસ કર્યો હતો.

આ પણ વાંચો: સરકાર કેમ પ્લાસ્ટિકની ચલણી નોટો છાપવા જઈ રહી છે?
યુનિવર્સિટીની આ વહીવટી નિષ્ક્રિયતા અને આરોપીને બચાવવાની મનુવાદી નીતિ સામે ઝૂકવાને બદલે દલિત વિદ્યાર્થીએ પોતાના બંધારણીય હકો માટે લડત આપવાનું નક્કી કર્યું હતું. તેણે એક PhD રિસર્ચ સ્કોલર સાથે મળીને અલાહાબાદ હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા.
અલાહાબાદ હાઈકોર્ટનો HoD ને સસ્પેન્ડ કરવાનો આદેશ
આ મામલે અલાહાબાદ હાઈકોર્ટના જસ્ટિસ વિનોદ દિવાકરની સિંગલ બેંચે સુનાવણી હાથ ધરી હતી. હાઈકોર્ટે શૈક્ષણિક સંસ્થાઓમાં દલિત અને આદિવાસી વિદ્યાર્થીઓ સાથે થતા જાતિગત સતામણી સામે કડક વલણ અપનાવ્યું હતું. હાઈકોર્ટે પ્રયાગરાજ ડિસ્ટ્રિક્ટ કોર્ટના સ્મોલ કોઝ કોર્ટના જજ અર્ચના સિંહ અને સ્પેશિયલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ અરુણ કુમાર યાદવની બે સભ્યની તપાસ સમિતિની રચના કરી છે. આ સમિતિ યુનિવર્સિટીમાં SC અને ST વિદ્યાર્થીઓ સાથે થઈ રહેલા જાતિગત ભેદભાવ અને તંત્રની ભૂમિકાની તપાસ કરશે.
આ પણ વાંચો: સરકાર કેમ પ્લાસ્ટિકની ચલણી નોટો છાપવા જઈ રહી છે?
કોર્ટે યુનિવર્સિટીના VC ને સ્પષ્ટ આદેશ આપ્યો છે કે પીડિત વિદ્યાર્થીની આન્સર શીટનું સ્વતંત્ર કમિટી પાસે ફરીથી મૂલ્યાંકન કરાવવામાં આવે અને વિદ્યાર્થી તથા મૂલ્યાંકનકાર બંનેની ઓળખ ગુપ્ત રાખવામાં આવે. ઉપરાંત, તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી આરોપી HoD ડૉ. દીપક શર્માને તમામ વહીવટી, શૈક્ષણિક અને હોસ્ટેલની જવાબદારીઓમાંથી તાત્કાલિક મુક્ત કરવાનો હુકમ કર્યો છે.
હાઈકોર્ટે યુનિવર્સિટી પાસે સ્પષ્ટતા માગી છે કે UGC ના નિયમ મુજબ કમ્પસમાં Equal Opportunity Cell (સમાન તક સેલ) કાર્યરત છે કે નહીં. કોર્ટે એ પણ સુનિશ્ચિત કરવા આદેશ આપ્યો છે કે આ તપાસમાં સાક્ષી આપનાર કોઈપણ દલિત કે અન્ય વિદ્યાર્થી સામે યુનિવર્સિટી તંત્ર દ્વારા બદલાની કાર્યવાહી કે શૈક્ષણિક હેરાનગતિ ન થવી જોઈએ.
આ પણ વાંચો: સુઈગામ પોલીસ સ્ટેશનમાં દલિત યુવકે ગળેફાંસો ખાઈ લેતા ચકચાર










