સુરત શહેરમાં દલિત સમાજની મહિલાઓની મજબૂરી અને લાચારીનો લાભ ઉઠાવી તેમનું શારીરિક તથા જાતિવાદી શોષણ કરવાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. પાંડેસરા વિસ્તારમાં રહેતી એક પરિણીત દલિત મહિલાએ પોતાના પતિ વિરુદ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં આપેલી અરજીમાં મદદ મેળવવા માટે સવર્ણ RTO એજન્ટ સાગર રાજુભાઈ પાટીલનો સંપર્ક કર્યો હતો. મદદ કરવાના બહાને આ જાતિવાદી એજન્ટે મહિલાને હોટલમાં બોલાવી, લગ્નની ખોટી લાલચ આપી અને મરજી વિરુદ્ધ બળજબરીથી દુષ્કર્મ આચર્યું હતું.
અંગતપળોના ફોટા પાડી બ્લેકમેઇલિંગ કર્યું
દુષ્કર્મ આચર્યા બાદ આરોપી સાગર પાટીલે મહિલાના વાંધાજનક અને અંગતપળોના ફોટા પોતાના મોબાઈલ કેમેરામાં કેપ્ચર કરી લીધા હતા. આ ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ કરી દેવાની અને સમાજમાં બદનામ કરવાની ભયાનક ધમકી આપીને આરોપીએ મહિલાને પોતાની જાળમાં ફસાવી દીધી હતી.

આ પણ વાંચો: બ્રાહ્મણ પરિવારે ગાય કાપી ગૌમાંસ વેચ્યું! 2 મહિલાની ધરપકડ
ફેબ્રુઆરી-2026 થી અત્યાર સુધીના સમયગાળા દરમિયાન આરોપી સાગર પાટીલે પીડિત મહિલાને અવારનવાર હોટલમાં, તેના પોતાના ઘરે તેમજ મહિલાના ઘરે બોલાવીને તેની મજબૂરીનો નિર્દયતાથી લાભ ઉઠાવ્યો હતો અને સતત શારીરિક શોષણ કર્યું હતું.
‘તમારી કોઈ ઓકાત નથી, અમે કુનબી પાટિલ છીએ’
જ્યારે પીડિત દલિત મહિલાએ આ શોષણનો વિરોધ કરવાનું શરૂ કર્યું, ત્યારે સવર્ણ આરોપી સાગર પાટીલનો મનુવાદી અહમ ઘવાયો હતો. આરોપીએ ભોગ બનનાર પરિણીતા અને તેની વૃદ્ધ માતા સાથે ઝઘડો કરીને જાહેરમાં જાતિસૂચક અપશબ્દો કહ્યા હતા. આરોપીએ કહ્યું કે, “અમે કુંનબી પાટીલ છીએ અને તમારી કોઈ ઓકાત નથી.” આટલું કહીને તેણે બિભત્સ ગાળો ભાંડી હતી અને પરિણીતાને થપ્પડ મારીને જાનથી મારી નાખવાની તથા સમાજમાં બદનામ કરવાની ધમકી આપી હતી.
આ પણ વાંચો: પાટણમાં સગીર દલિત દીકરી પર રાજપૂત યુવકે રેપ કર્યો

પાંડેસરા પોલીસ મથકે દુષ્કર્મ અને એટ્રોસિટી એક્ટ હેઠળ FIR
સતત શારીરિક, માનસિક અને જાતિવાદી ઉત્પીડનથી કંટાળેલી દલિત મહિલાએ આખરે હિંમત ભેગી કરીને પાંડેસરા પોલીસ મથકનો સંપર્ક કર્યો હતો. પાંડેસરા પોલીસે ડિંડોલીના સણીયા ગામ ખાતે રહેતા RTO એજન્ટ સાગર રાજુભાઈ પાટીલ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની દુષ્કર્મની કલમો તેમજ SC/ST (અત્યાચાર નિવારણ) એક્ટ હેઠળ ગંભીર ગુનો દાખલ કર્યો છે.
આ પણ વાંચો: શિક્ષણ સંસ્થાઓ ‘વિદ્યાર્થી’ નહીં, ‘અનુયાયી’ તૈયાર કરી રહી છે
ACP કક્ષાના અધિકારી દ્વારા તપાસ શરૂ
બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને પ્રાથમિક તબક્કે પોલીસ સબ ઈન્સ્પેક્ટર એસ. સી. સંગાડાએ સ્થળ વિઝિટ કરી હતી તેમજ પી.આઈ. કે.ડી. જાડેજાએ સમગ્ર ઘટનાની વિગતો મેળવી હતી. આ કેસ સંવેદનશીલ હોવાથી અને તેમાં એટ્રોસિટી એક્ટ અને દુષ્કર્મ જેવી ગંભીર કલમો સામેલ હોવાથી આગળની તપાસ H ડિવિઝનના મદદનીશ પોલીસ કમિશનર (ACP) ઝેડ. આર. દેસાઈને સોંપવામાં આવી છે.
પોલીસે આરોપી સવર્ણ RTO એજન્ટ સાગર પાટીલની ધરપકડ કરવા માટે દરોડા પાડવાની કાર્યવાહી શરૂ કરી દીધી છે. બહુજન સમાજના સંગઠનોએ માગણી કરી છે કે દલિત મહિલાની લાચારીનો શિકાર કરનાર આ નરાધમની તાત્કાલિક ધરપકડ કરી તેને જેલ ભેગો કરવામાં આવે.
આ પણ વાંચો: વાલ્મિકી યુવાનોએ કરણી સેનાના નેતાને દોડાવી-દોડાવીને માર્યો!










