IIT BOMBAY ફરી એકવાર દલિત વિદ્યાર્થીના આપઘાતને કારણે જાતિવાદ અને ચોક્કસ જાતિના પ્રોફેસરો દ્વારા દલિત વિદ્યાર્થીઓને ટાર્ગેટ કરવામાં આવતા હોવાને લઈને વગોવાઈ છે. એનર્જી સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ વિભાગના બીજા વર્ષના 20 વર્ષીય દલિત વિદ્યાર્થી સાહિલ વાકોડેના મોત બાદ આ મામલો હવે માત્ર એક આપઘાત નથી રહ્યો પરંતુ મનુવાદી સંસ્થાકીય સતામણીનો બની ગયો છે. મહારાષ્ટ્રના યવતમાલ જિલ્લામાંથી આવતા આ હોનહાર યુવકની હત્યા પાછળ સવર્ણ માનસિકતા અને પ્રોફેસરના જાતિવાદી ટોર્ચરના ગંભીર આરોપો લાગ્યા છે.
પ્રોફેસર સામે FIR અને એટ્રોસિટી એક્ટ હેઠળ કેસ
સાહિલના પિતા રવિન્દ્ર વાકોડે પોલીસ સમક્ષ આપેલી ફરિયાદમાં સ્પષ્ટ આરોપ લગાવ્યો છે કે છેલ્લા 3 મહિનાથી ઊર્જા વિજ્ઞાન વિભાગના પ્રોફેસર સૂર્યનારાયણ ડુલ્લા તેમના પુત્ર પર સતત જાતિસૂચક નિવેદનો કરતા હતા અને તેને માનસિક રીતે ટોર્ચર કરી રહ્યા હતા. પ્રોફેસરે સાહિલને ભવિષ્ય બગાડી નાખવાની અને ખોટા કેસમાં ફસાવી દેવાની ખુલ્લી ધમકીઓ આપી હતી. પવઈ પોલીસે પરિવારની ફરિયાદના આધારે પ્રોફેસર સૂર્યનારાયણ ડુલ્લા સામે BNS ની કલમ 108 (આપઘાતની દુષ્પ્રેરણા) અને SC/ST એક્ટ(એટ્રોસિટી) હેઠળ ગુનો દાખલ કર્યો છે. મામલાની ગંભીરતા જોઈને સમગ્ર તપાસ મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી છે.

પરીક્ષામાં મોબાઈલનું બહાનું ઉભું કરાયું કે બીજું કંઈ!
18 સપ્ટેમ્બરના રોજ પરીક્ષા દરમિયાન સાહિલ પાસે મોબાઈલ મળતા અને તેણે પ્રશ્નપત્ર ChatGPT પર અપલોડ કર્યું હોવાના આરોપ બાદ તેને કોરિડોરમાં જાહેરમાં અપમાનિત કરવામાં આવ્યો હતો. સંસ્થાનો દાવો છે કે તેની સામે કોઈ શિસ્તભંગના પગલાં લેવાયા નહોતા, પરંતુ વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ અને પરિવારનો આરોપ છે કે તેને સસ્પેન્ડ કરવાની અને કેરિયર ખતમ કરી દેવાની સીધી ધમકી અપાઈ હતી. આ સામાજિક અને માનસિક આઘાતના 1 કલાકની અંદર જ સાહિલે હોસ્ટેલમાં ફાંસી લગાવી લીધી હતી. આઈઆઈટી બોમ્બે પરિસરમાં આ વર્ષે આપઘાતનો આ ત્રીજો કિસ્સો છે, જે દર્શાવે છે કે આ કેમ્પસ દલિત વિદ્યાર્થીઓ માટે ડેથ ટ્રેપ બની ગયું છે.
આ પણ વાંચોઃ શિક્ષકોના જાતિવાદથી કંટાળી દલિત વિદ્યાર્થીએ કૉલેજ પરથી કૂદી આપઘાત કર્યો
આ પણ વાંચોઃ NEET રદ થતા દલિત વિદ્યાર્થીએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો
IIT-Bombay के बीटेक (एनर्जी साइंस) द्वितीय वर्ष के दलित छात्र साहिल वाकोड़े की असामयिक मृत्यु ने देश के प्रतिष्ठित उच्च शिक्षण संस्थानों में छात्रों की सुरक्षा, सम्मान और संस्थागत जवाबदेही को लेकर गंभीर सवाल खड़े किए हैं।
साहिल जी की आत्महत्या के अगले दिन कॉलेज प्रशासन द्वारा… pic.twitter.com/QREDMbpbW6
— Chandra Shekhar Aazad (@BhimArmyChief) September 20, 2026
પરિવારનો રોષ અને ક્રાઈમ બ્રાન્ચ તપાસ
સાહિલના માતા-પિતાએ ન્યાયની માગ સાથે કલાકો સુધી પુત્રનો મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો હતો. પરિવારે આરોપી પ્રોફેસરની તાત્કાલિક ધરપકડ અને ક્રાઈમ બ્રાન્ચ તપાસની માગણી કરી હતી. મુંબઈ પોલીસે તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપવાની જાહેરાત કર્યા બાદ જ પરિવારે મૃતદેહનો કબજો લીધો હતો.

કેમ્પસમાં હોબાળો અને ભીમ આર્મી ચીફના સવાલો
સાહિલની સંસ્થાકીય હત્યાના સમાચાર વાયરલ થતાં જ IIT બોમ્બે પરિસરમાં સેંકડો વિદ્યાર્થીઓ રોડ પર ઉતરી આવ્યા હતા. વિદ્યાર્થીઓએ ડાયરેક્ટર શિરીષ કેદારેની ઓફિસ અને મુખ્ય ગેટનો ઘેરાવ કરીને ડાયરેક્ટર તથા આરોપી પ્રોફેસરના રાજીનામાની માગણી કરી હતી.
આ પણ વાંચોઃ IIT બોમ્બેમાં જાતિવાદથી કંટાળી દલિત વિદ્યાર્થીનો આપઘાત!
આ પણ વાંચોઃ ગાંધીનગરની ડૉ. આંબેડકર હોસ્ટેલમાં દલિત વિદ્યાર્થીએ ગળેફાંસો ખાધો
आईआईटी बॉम्बे में दलित छात्र के समर्थन में 400 छात्र प्रदर्शन कर रहे हैं।
क्या आपको लगता है कि ये 400 छात्र सिर्फ दलित हैं? इनमें OBC, EWS कैटेगरी के छात्र भी है।
छात्र पर लगाए गए आरोप सही होते, तो क्या इतने छात्र उसके समर्थन में प्रदर्शन करने आते?
pic.twitter.com/rKNtWW5g5r— Reservation Bachao Aandolan (@Reservatiolbvl) September 20, 2026
આ ઘટના પર ભીમ આર્મી ચીફ અને સાંસદ ચંદ્રશેખર આઝાદે ઉગ્ર પ્રતિક્રિયા આપતા આકરા સવાલો ઉઠાવ્યા છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, “IIT જેવી સંસ્થાઓમાં દલિત-બહુજન વિદ્યાર્થીઓને સતત નિશાન બનાવવામાં આવી રહ્યા છે. શું દેશની પ્રખ્યાત સંસ્થાઓ દલિતો માટે સ્મશાન બની ગઈ છે? દર્શન સોલંકીથી લઈને સાહિલ વાકોડે સુધી, આ કોઈ આપઘાત નથી પરંતુ સંસ્થાકીય હત્યાઓ છે.” ચંદ્રશેખરે દોષિત પ્રોફેસરની તુરંત ધરપકડ કરવાની અને કેમ્પસમાં જાતિવાદ નાબૂદ કરવા માટે રોહિત વેમુલા એક્ટ લાગુ કરવાની માગ કરી છે.
જોકે, IIT બોમ્બેના ડાયરેક્ટર શિરીષ કેદારે જાતિવાદી ભેદભાવના તમામ આરોપોને નકારી રહ્યા છે. પરંતુ સવાલ એ થાય છે કે જ્યારે 2023 માં પણ પ્રથમ વર્ષના દલિત વિદ્યાર્થી દર્શન સોલંકીએ આ જ રીતે જીવ ગુમાવ્યો હતો, તો પછી સંસ્થાએ આટલા સમયમાં કયા સુરક્ષાત્મક પગલાં લીધા? દલિત અને આદિવાસી સમાજના યુવાનો જ્યારે પોતાની મહેનતથી શિક્ષણના આ મનુવાદી ગઢમાં પહોંચે છે, ત્યારે તેમને મોત તરફ ધકેલી દેવાની આ સિસ્ટમ સામે હવે બહુજન સમાજ શાંત બેસવાનો નથી.
આ પણ વાંચોઃ રોહિત વેમુલાથી દર્શન સોલંકી સુધી, આ દલિતો જાતિવાદનો ભોગ બન્યા
આ પણ વાંચોઃ વડોદરામાં બે પ્રોફેસરોના ત્રાસથી દલિત વિદ્યાર્થીએ ત્રીજા માળેથી પડતું મૂક્યું










