ઉત્તરાખંડના દલિત યુવકે દેશની પહેલી ‘ઉડતી કાર’ બનાવી!

ઉત્તરાખંડના એક આર્ટસ ગ્રેજ્યુએટ અને દલિત મોટર મિકેનિકના પુત્ર રવિ ટમ્ટાએ ઈન્ટરનેટથી શીખીને 'ફ્લાઈંગ કાર' બનાવી દેશભરમાં ડંકો વગાડ્યો છે.
Indias first flying car

સિદ્ધિ તેને જઈ વરે, જે પરસેવે નહાય, આ પંક્તિ ઉત્તરાખંડના અલ્મોડા જિલ્લાના એક સામાન્ય દલિત પરિવારમાંથી આવતા યુવાન અને નવપ્રવર્તક રવિ ટમ્ટા પર આબેહૂબ બેસે છે. રવિ ટમ્ટાએ સ્વદેશી ટેકનોલોજીનો ઉપયોગ કરીને ભારતની પહેલી પર્સનલ ફ્લાઈંગ કાર ‘હપિડા સ્કાઈનેક્સ’ (Hapida Skynex) નું પ્રોટોટાઈપ તૈયાર કર્યું છે.

તાજેતરમાં જ અલ્મોડાના આર્મી હેલીપેડ પર આ ઉડતી કારનું સફળ ટ્રાન્સફોર્મેશન અને ફ્લાઈટ ટેસ્ટ કરવામાં આવ્યું હતું. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ દેશભરમાં આ દલિત યુવકની અદ્ભુત સિદ્ધિની ચર્ચા થઈ રહી છે અને ચારેકોરથી પ્રશંસા મળી રહી છે.

12 વર્ષ જૂનું અધૂરું સ્વપ્ન આખરે પૂરું થયું

નાનપણથી જ હવામાં ઉડવાનું સ્વપ્ન જોનારા રવિ ટમ્ટાએ વર્ષ 2014 માં માત્ર 20 વર્ષની ઉંમરે પોતાના ગામ ધૌલાદેવી બ્લોકના કાફલીખાનમાં એક હેલિકોપ્ટર બનાવી દીધું હતું. આ હેલિકોપ્ટર તૈયાર કરવામાં તેમને 2 વર્ષનો સમય લાગ્યો હતો. જ્યારે હેલિકોપ્ટર હવામાં ઉડવા માટે સંપૂર્ણ તૈયાર હતું, ત્યારે તેમણે તેને ઉડાડવા માટે સ્થાનિક વહીવટી તંત્ર પાસે પરવાનગી માંગી હતી. પરંતુ કોઈ અકસ્માત થાય તો જવાબદારી કોની રહેશે તેવા વહીવટી કારણોસર તંત્ર દ્વારા તેમને આ હેલિકોપ્ટર ઉડાડવાની પરવાનગી મળી ન હતી.

આ પણ વાંચો: ‘ન્યાય આપો અથવા મારી નાખો’, સૂળી પર લટકી આદિવાસીઓનું આંદોલન

પરવાનગી ન મળવાને કારણે તેમનું પ્રથમ હેલિકોપ્ટર આજે પણ ગામમાં એક અવશેષ તરીકે પડ્યું છે. પરંતુ આ ઘટનાથી નાસીપાસ થવાને બદલે રવિએ પોતાના ઝનૂનને જીવંત રાખ્યું અને આ જ અધૂરા સ્વપ્ને તેમને ઈલેક્ટ્રિક ફ્લાઈંગ કાર બનાવવાની પ્રેરણા આપી. તેમણે પોતાના સપનાઓને અટકવા ન દીધા અને સ્વદેશી પર્સનલ ફ્લાઈંગ વ્હીકલ વિકસાવવાના કામમાં લાગી ગયા.

આર્ટસના વિદ્યાર્થીએ ઈન્ટરનેટથી શીખીને કરી કમાલ

રવિ ટમ્ટાની આ સિદ્ધિ એટલા માટે ખાસ અને અદ્ભુત છે કારણ કે તેમણે વિજ્ઞાન વિષયનો ઔપચારિક અભ્યાસ જ નથી કર્યો. રવિના પિતા હરીશ રામ એક સાધારણ મોટર મિકેનિક છે. રવિએ જૂનિયર હાઈસ્કૂલ સુધીનું શિક્ષણ સનરગોડથી મેળવ્યું, ત્યાર બાદ ચેટરામ સાહ ઠુલઘરિયા ઈન્ટર કોલેજ, નૈનીતાલથી ઈન્ટરમીડિએટ પાસ કર્યું અને કુમાઉ યુનિવર્સિટી, નૈનીતાલ પરિસરથી આર્ટસ ફેકલ્ટી (BA) માં ગ્રેજ્યુએશન પૂરું કર્યું.

કોઈપણ પ્રકારનું સાયન્સ બેકગ્રાઉન્ડ કે એન્જિનિયરિંગની ડિગ્રી ન હોવા છતાં તેણે હિંમત ન હારી. તેણે સોશિયલ મીડિયા અને ઈન્ટરનેટના માધ્યમથી ડ્રોન ટેકનોલોજી, એરોડાયનેમિક્સ અને એવિએશનનું શિક્ષણ જાતે મેળવ્યું. તેમણે દેશ-વિદેશમાંથી અલગ-અલગ સ્પેરપાર્ટ્સ એકઠા કર્યા. આ ટેકનોલોજીને વધુ સારી રીતે સમજવા માટે 2 વર્ષ પહેલા તેઓ ચીન પણ ગયા હતા, જ્યાં તેમણે ઘણા નવા ઇનોવેશન જોયા અને ત્યાંથી પોતાની ઉડતી કાર માટે જરૂરી ઉપકરણો ખરીદીને લાવ્યા હતા. આ સિવાય તિલનાડુથી તેઓ કારનું ખાસ એન્જિન લઈને આવ્યા અને પોતાના ઘરમાં જ રાત-દિવસ મહેનત કરીને આ કારનું નિર્માણ કર્યું.

આ પણ વાંચો: પોલીસ કસ્ટડીમાં થર્ડ ડિગ્રી ટોર્ચરથી દલિતનું મોત, PSI સહિત 6 સસ્પેન્ડ 

200 km/h ની ઝડપ અને સક્સેસફુલ ટ્રાયલ

રવિ ટમ્ટાએ પોતાની ‘હેપિડા સ્કાઈ પ્રાઈવેટ લિમિટેડ’ કંપની સ્થાપી છે અને તેના સ્થાપક તથા CEO તરીકે આ કાર વિકસાવી છે. આ ઈલેક્ટ્રિક હેલીકાર હવામાં આશરે 200 km/h ની ઝડપે ઉડી શકે છે. અલ્મોડાના આર્મી હેલીપેડ પર યોજાયેલા ફ્લાઈટ ટેસ્ટ દરમિયાન આ વાહન જમીન પરથી હવામાં સફળતાપૂર્વક ઊંચકાયું હતું અને આશરે 1 minute સુધી હવામાં રહ્યું હતું. આ દરમિયાન ત્યાં હાજર લોકો આ દ્રશ્ય જોઈને દંગ રહી ગયા હતા અને જોતજોતામાં લોકોની ભારે ભીડ એકઠી થઈ ગઈ હતી.

આગામી યોજના અંગે વાત કરતા તેમણે જણાવ્યું કે, રવિએ પોતે અલ્મોડાથી કાફલીખાન સુધીના 40 km ના અંતરની 12 minutes માં ઉડાન ભરવાનું આયોજન કર્યું હતું, પરંતુ સુરક્ષા અને પરવાનગીના અભાવે તેમણે હેલીપેડ પર જ ટ્રાયલ આપવી પડી હતી. આ સમગ્ર પ્રોટોટાઈપ બનાવવામાં તેમને આશરે 1.5 વર્ષનો સમય લાગ્યો છે. રવિ ટમ્ટા ટૂંક સમયમાં આ દેશી ફ્લાઈંગ કારનું પેટન્ટ કરાવવા જઈ રહ્યા છે અને તેના વ્યાવસાયિક સંચાલન માટે ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) નો સંપર્ક કરશે.

આ પણ વાંચો: દલિત યુવતી પર રાઈસ મિલ એસોસિએશનના પૂર્વ પ્રમુખે રેપ કર્યો

પર્યાવરણ અને સ્થાનિક રોજગારી ક્ષેત્રે મહત્વપૂર્ણ યોગદાન

ઉડતી કાર ઉપરાંત રવિ ટમ્ટા પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે પણ સતત નવાચારો કરી રહ્યા છે. તેમણે ‘હપિડા પાઈનપીટ મશીન’ વિકસાવ્યું છે. આ મશીન ઉત્તરાખંડના જંગલોમાં લાગતી ભયાનક આગ (દાવા નળ) ના મુખ્ય કારણ સમાન પાઈન (ચીડ) ના સૂકા પાંદડામાંથી પાઈનપીટ અને બાયો પેલેટ્સ બનાવે છે. આ પાઈનપીટનો ઉપયોગ નર્સરી, બાગાયત અને મશરૂમ ઉત્પાદનમાં થાય છે, જ્યારે બાયો પેલેટ્સનો ઉપયોગ ઊર્જા ઉત્પાદનમાં થઈ શકે છે. આ પ્રોજેક્ટને જાપાન ઈન્ટરનેશનલ કો ઓપરેશન એજન્સી (JICA) નું સમર્થન મળ્યું છે અને તેનો મોડેલ પ્રોજેક્ટ ઉત્તરાખંડના 10 જિલ્લાઓમાં સફળતાપૂર્વક ચાલી રહ્યો છે, જેનાથી ગ્રામીણ મહિલાઓ અને યુવાનો માટે સ્થાનિક સ્તરે રોજગારીની નવી તકો ઉભી થઈ રહી છે.

આ સિવાય તેમણે ભૂતકાળમાં વન વિભાગ માટે અગ્નિશામક યંત્ર, દિવ્યાંગો માટે સ્માર્ટ લાકડી, સ્ટીક મોબાઈલ ચાર્જર અને 7 વર્ષ પહેલા ઈલેક્ટ્રિક વાહનો ઝડપથી ચાર્જ કરવા માટે ઈલેક્ટ્રોલાઈટ પંપ મશીન પણ બનાવ્યું હતું. આ તમામ નવાચારો દર્શાવે છે કે તેઓ માત્ર વાહન નિર્માણ નહીં પરંતુ સામાજિક અને પર્યાવરણીય રીતે ઉપયોગી સંશોધનોમાં પણ અગ્રેસર છે.

પરિવાર અને દેશ માટે ગૌરવની ક્ષણ

રવિ ટમ્ટાના પત્ની સુનિતા વર્ષ 2019 માં દુનાડ ગામથી BDC સભ્ય રહી ચૂક્યા છે અને તેમને 5 વર્ષની પુત્રી છે. આ પ્રકારના પર્સનલ એરિયલ વ્હીકલ (PAV) ભવિષ્યમાં શહેરી ટ્રાફિક ઘટાડવામાં, પહાડી અને દુર્ગમ વિસ્તારોમાં કટોકટીની તબીબી સહાય પહોંચાડવામાં અને આપત્તિ વ્યવસ્થાપનમાં ગેમ-ચેન્જર સાબિત થઈ શકે છે. ઉત્તરાખંડના એક નાના ગામના દલિત યુવક દ્વારા કરવામાં આવેલો આ સ્વદેશી પ્રયોગ અને મહેનત આજે સમગ્ર દેશ માટે એક મહાન પ્રેરણાસ્ત્રોત બની ગઈ છે.

આ પણ વાંચો: ડૉ.આંબેડકરનો એ ઐતિહાસિક કેસ, જેણે 47 ગરીબોને ફાંસીથી બચાવ્યા 

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
0
Would love your thoughts, please comment.x
()
x